Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

અમરેલીમાં ર લોકમેળામાં ઉમટતા લોકો

મેળામાં મહાલવા અને શ્રીકૃષ્ણ ભગવાનનાં જન્મોત્સવને વધાવવા ઉત્સાહ

અમરેલી તા.૨૩ : અમરેલીમાં ફોરવર્ડ ગ્રાઉન્ડ અને નૂતનના મેદાનમાં લોકમેળાઓનો વિધીવત રીતે પ્રારંભ થયો છે જો કે શુક્રવારથી મોટો માનવ મહેરામણ ઉમટી પડે તેવી શકયતા છે. મેળામાં મહાલવા અને કૃષ્ણલલ્લાના જન્મોત્સવને વધાવવા માટે લોકોમાં ભારે ઉમંગ અને ઉત્સાહની લાગણી જોવા મળે છે.

અમરેલીમાં આ વર્ષે સારો વરસાદને કારણે લોકો અને ખેડૂતોમાં ઉત્સાહ છે અને છેલ્લા બે વર્ષથી ફોરવર્ડના ગ્રાઉન્ડનો લોકમેળો રદ થયા બાદ આ વર્ષે ફરીથી એક સાથે બે લોકમેળાનુ આયોજન થયુ છે જેના કારણે જન્માષ્ટમી લોકમેળામાં મહાલવા માટે લોકોમાં ભારે ઉમંગ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. અમરેલીની નૂતન હાઇસ્કુલના મેદાનમાં મંગળવારે અને ફોરવર્ડ હાઇસ્કુલના સૌથી મોટા ગ્રાઉન્ડમાં બુધવારે લોકમેળાનુ વિધિવત રીતે ઉદઘાટન કરાયુ હતુ.

આજે શુક્રવારે બીજી શિતળા સાતમના દિવસથી મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે તેવી શકયતા છે. આઠમના દિવસે તો આખુ અમરેલી શહેર લોકોથી ઉભરાઇ ઉઠે છે. મેળા તરફ જતો રોડ શરૂ થતાની સાથે જ લાઉડસ્પીકરએ આ બાજુ આ બાજુ લેતા જાઓ પછી કહેતા નહી અમે રહી ગયા જેવા અવાજો ગુંજી ઉઠશે. મેળામાં અનેકવિધ ખાણીપીણીના સ્ટોર અને વિવિધ રાઇડસ મુખ્ય આર્કષણો છે.

જન્માષ્ટમીનુ પર્વ નજીક હોવાથી વિહીપ અને બજરંગદળ દ્વારા અમરેલીની બજારોને ધજા પતાકા અને રોશનીથી શણગારવામાં આવી છે. રાજકમલ ચોકમાં વિશાળ ફયોટસનું નિર્માણ કરાયુ છે.

(11:24 am IST)