Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

કચ્‍છના રેલડીના ફાર્મ હાઉસમાં 250થી વધુ લોકોની હાજરીમાં ગીતા રબારી, નિલેશ ગઢવી, લક્ષ્મણ બારોટ સહિતનાઓ રમઝટ બોલાવતા જાહેરનામાનો ભંગ

કચ્છ: કોરોનાકાળમાં લોકગાયિકા ગીતા રબારી એક પછી એક વિવાદ ઉભા કરી રહી છે. તાજેતરમા જ પોતાના ઘરે વેક્સીનેશન માટે હેલ્થ કર્મચારીને બોલાવવાના વિવાદ બાદ હવે ગીતા રબારી ફરી વિવાદમાં આવ્યા છે. કચ્છના રેલડીના ફાર્મ હાઊસમાં ડાયરામાં 250થી વધુ લોકો જોડાયા હતા. વેક્સિનેશનનો વિવાદ હજુ તાજો જ છે ત્યાં ફરી ગીતા રબારીએ વડઝરની જેમ અહીં પણ લોક ટોળા એકઠા કરીને રમઝટ બોલાવી હતી.

કચ્છમાં ગીતા રબારીના ડાયરાના કાર્યક્રમનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કોરોનાકાળમાં અઢીસોથી વધુ એકઠા થયેલા છે. કાર્યક્રમમાં નિલેશ ગઢવી અને લક્ષ્મણ બારોટ સહિતના કલાકારો અને લોકોએ વીડિયો શેર કર્યો છે. પેડી પ્રસંગે યોજાયેલા ડાયરામાં 250થી વધુ લોકોની હાજરીમાં ગીતા રબારી, નિલેશ ગઢવી અને લક્ષ્મણ બારોટ સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી.

લોકડાઉન દરમિયાન કોરોના ગાઈડલાઈનના ભંગ કરતા ગીતા રબારીના આવા 3 કિસ્સાઓ ચર્ચામા આવ્યા છે, જેમાં તેમણે વિવાદ ઉભો કર્યો છે. તાજેતરમાં જ વેક્સીન ઘરે લેવા મામલે ચર્ચામાં સરકારથી લઇ સ્થાનિક તંત્રના ઠપકાનો સામનો પણ કરવો પડ્યો હતો.

ગીતા રબારીએ ઘરે વેક્સિન લીધી હતી

કચ્છની કલાકાર ગીતા રબારીનો ઘરે વેક્સીન લેતી ફોટા સાથેના પોસ્ટે ભારે વિવાદ સર્જયો હતો. જો કે વિવાદના અંતે તંત્રએ પત્ર વ્યવહાર કરી ગીતા રબારીને ઠપકો આપી બીજી વાર ધ્યાન રાખવાની તાકીદ કરી હતી. તો સ્થાનિક તંત્રએ ફક્ત મીઠ્ઠો ઠપકો આપતા ગીતા રબારીના આવા કૃત્યથી સમાજ અને સિસ્ટમ સામે અનેક સવાલો ઉભા થયા હતા. ગીતા રબારીએ પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર વેક્સીન લીધા અંગેની માહિતી શેર કરી હતી, જેના બાદ વિવાદ થયો હતો. વિવાદ થતા આરોગ્ય કર્મચારીને DDO ની નોટિસ ફટકારાઈ હતી.

(5:36 pm IST)