Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

મહામારીમાં પરિવારજનોની યાદ આવતાં રાજકોટ જેલમાં ભાવનગરના કેદીએ કાચ ખાઇ લીધો!

રમઝાન મહિના વખતે અપાયેલી અત્તરની શીશી ફોડીને ભુક્કો બનાવ્યોઃ હત્યાના ગુનાનો પાકો કેદી અશરફ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૩: ભાવનગરના હત્યાના ગુનામાં સાત વર્ષથી જેલમાં રહેલા પાકા કામના કેદીએ કોરોના મહામારીમાં પરિવારજનોની યાદ સતાવતી હોઇ કાચનો ભુક્કો ખાઇ લેતાં તબિયત બગડતાં જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતાં પ્રિઝનર વોર્ડમાં દાખલ કરાયો છે.

અશરફ રઝાકભાઇ લાકડીયા (ઉ.૩૮) નામના પાકા કેદીએ અત્તરની શીશીનો ભુક્કો કરી તેના કાચ ખાઇ લેતાં હાલત ખરાબ થતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્ર.નગર પોલીસને જાણ થતાં એએસઆઇ કનુભાઇ માલવીયા અને રાઇટર પરાક્રમસિંહ ઝાલાએ પ્રિઝનર વોર્ડમાં પહોંચી કેદી અશરફનું નિવેદન નોંધ્યું હતું. તપાસનીશના કહેવા મુજબ અશરફ સાતેક વર્ષથી જેલમાં છે. હાલમાં કોરોના મહામારી ચાલતી હોઇ પોતાને કોઇ સ્વજનો મળવા આવી શકતાં ન હોઇ પરિવારજનોની યાદ આવતાં કંટાળીને આ પગલુ ભર્યુ હતું.

રમઝાન માસ વખતે મુસ્લિમ કેદીઓને જેલ તંત્રએ અત્તરની શીશીઓ આપી હતી. અશરફ પાસે આવી ખાલી શીશી પડી હોઇ તેનો ભુક્કો કરીને ખાઇ ગયો હતો.

(11:32 am IST)