Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી અને માણાવદર ધારાસભા બેઠકની પેટા ચૂંટણીમાં વરરાજા અને વૃદ્ધોનું ઉત્સાહભેર મતદાન

સવારથી જ મતદારો મતાધિકાર માટે ઉમટયા

જૂનાગઢ તા.ર૩: પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી અને માણાવદર ધારાસભા બેઠકની પેટા ચુંટણીમાં સવારે વરરાજા અને વૃદ્ધ મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને લોકશાહીનાં પર્વમાં ભાગ લીધો હતો.

માણાવદર વિધાનસભાના પેટા ચૂંટણી માટે સવારનાં ૭ના ટકોરે મતદાનનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયેલ. પ્રારંભમાં મતદાન નિરસ રહ્યું હતું. પરંતુ ૭.૩૦ વાગ્યાથી મતદારો મતદાન માટે ઉમટી પડયા હતા.

માણાવદર ધારાસભા પેટા ચૂંટણીમાં આજે ભાજપનાં જવાહરભાઇ ચાવડા અને કોંગ્રેસના અરવિંદભાઇ લાડાણી ઉપરાંત એનસીપીનાં રેશ્માબેન પટેલ સહિત આઠ ઉમેદવારોનાં રાજકીય ભાવિ સાંજના ૬ સુધીમાં ઇવીએમમાં કેદ થશે.

પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભા બેઠક હેઠળનાં વંથલી તાલુકાના ટીકર ગામે સવારે ૭ના ટકોરે વરરાજા ચંદ્રેશ હરસુખભાઇ ચાપડીયાએ લગ્નવિધિ પહેલા મતદાન કરીને લોકશાહીની ફરજ બજાવી હતી અને તમામ મતદારોને અચુક મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

આ વરરાજા ઉપરાંત ટીકર ગામનાં વૃદ્ધ મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

માણાવદર વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં ૬૬.૦૫ ટકા મતદાન થયેલ અને જવાહર ચાવડા વિજેતા થયેલ. આજે આ બેઠકની પેટા ચૂંટણીમાં કેટલું મતદાન થાય છે તે જોવું રહ્યું.

(12:10 pm IST)