Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

કાલે સંત પ્રેમભિક્ષુજી મહારાજની ૪૯મી પુણ્યતિથિ

સંત પ્રેમભિક્ષુજી મહારાજે સૌરાષ્ટ્રની ધરતી ઉપર અખંડ રામનામ સંકિર્તનને ગિનિસ બુકમાં સ્થાન અપાવ્યુ

'નહિં કલિ કર્મન ભકિત વિવેકુ રામ નામ અવલંબન એકુ જય જય રઘુવીર સમર્થ કી જય શ્રી રામ જય રામ જય જય રામ'

જામનગર, પોરબંદર, દ્વારકા, મુઝફરપુર અને રાજકોટમાં શ્રી રામ સંકિર્તન મંદિરની સ્થાપના શ્રી રામનામ સંકિર્તનની આહલેક જગાવનાર સંત પૂ.પ્રેમભિક્ષુજી મહારાજ ચૈત્ર વદ પાંચમના રોજ નિર્વાણતિથિ છે.

અખંડ હરિનામ સંકિર્તનના પ્રવર્તક જગાવનાર પૂ.પ્રેમભિક્ષુજી મહારાજનો જન્મ બિહારની ધરતી એ સીતામઢી જિલ્લામાં આવેલ છતોની ગામમાં થયો હતો. પૂ.સદ્દગુરૂદેવ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ તેમની જન્મતિથિનું પ્રમાણ મળી શકતુ નથી. મેટ્રીકના તેમના સર્ટીફીકેટના આધારે ઈ.સ.૧૯૧૩ના વર્ષમાં તેમનો જન્મ થશે તેમ માની શકાય, પરંતુ તેમના સાથીઓ અને ગામવાસીઓના કવન અનુસાર દેહોત્સર્ગ વખતે પૂ.મહારાજની ઉંમર ૫૭ વર્ષની હતી. તેમના દેહોત્સગ અથવા બ્રહ્મલીન થયાનો દિવસ છે, તા.૨૬-૪-૧૯૭૦ તેમાંથી ૫૭ વર્ષ બાદ કરીએ તો ૧૯૧૩એ તેમના અર્વિભાવનું વર્ષ ગણાવી શકાય.

વીસમી સદીના બીજા દશકામાં બિહારની ભૂમિ ઉપર છતોનીમા શ્રી દિનકરસિંહને ત્યાં જે બાળકનું અવતરણ થયું તેનું નામ પાડવામાં આવ્યું ગયા પ્રસાદસિંહ, આ બાળકને જન્મ આપ્યો ત્યારે માતા રાજવંતીદેવીને કલ્પના નહીં હોય કે આ બાળક એક દિવસ 'સંત' બનીને અંધકારમાં અટવાતા અનેક લોકોના જીવનમાં અજવાળા પાથરશે, આધ્યાત્મિકતાના ખોટા ખ્યાલમાં રાચતા અને અસંતોષથી પીડાતા અને પાર્થીવ જીવોને રામનામનું અમૃત પાન કરાવી જીવનમાં અલૌકિક દિવ્યતાનો સંચાર કરશે. પરંતુ ગોસ્વામી શ્રી તુલસીદાસજી કહે છે તે પ્રમાણે '' પુત્ર વતી જુવતી જગ સોઈ, રઘુવર ભકત જાસુ સુત હોઈ'' એ રીતે તેમણે તો આવા પુત્રરત્નની માનવ જાતિને ભેટ આપી, પોતાનું માતૃત્વ ચરિતાર્થ કરી બતાવ્યું. આથી વિશેષ ધન્યતા બીજી કઈ હોય શકે?

માતા - પિતાની આધ્યાત્મ પરાયણતાને પરિણામે જ તેમને ત્યાં સંતોનું અવાર - નવાર આગમન થતું, જેમાં મદ્રાસીબાબા, વોડાબાબા, રામ લખનબાબા, રામચરણબાબા, ગોલમોલબાબા વિગેરેનો ઉલ્લેખ કરી શકાય. આજ વાતાવરણમાંથી તેમને સત્સંગની મોહીની લાગી શકે, તેમના પિતાનો મુખ્ય વ્યવસાય ખેતી હતો.

'મિલ્ટન' લખે છે કે, 'જે રીતે પ્રાતઃ કાળ સમગ્ર દિવસનો અણસાર આપી જાય છે, તે જ રીતે શૈશવ પણ મનુષ્યનું પરિચાયક હોય છે. પૂ. મહારાજશ્રીની શૈશવાસ્થા પણ જાણે કે આ જ સત્યનો પુનરોચ્ચાર કરી જાય છે. છતોની ગામની જ એક શાળામાં તેમણે પ્રાથમિક શિક્ષણ અને ત્યારબાદ મિડલ સ્કુલ સુધીનું શિક્ષણ શિવહરની મિડલ સ્કુલમાં મેળવ્યું. માધ્યમિક શિક્ષણ લેવા તેઓ મુઝફરપુરની મારવાડી હાઈસ્કુલમાં જોડાયા, જયાંથી ૧૯૩૪ માં દ્વિતીય શ્રેણી મેળવી તેઓ મેટ્રીકની પરીક્ષામાં ઉતીર્ણ થયા. ત્યારબાદ મુઝફરપુરની લંગનસિંહ કોલેજમાં અભ્યાસ બી. એ. થયા.

પ્રવૃતિઓના અનેક તબક્કામાંથી પસાર થવા છતાં ગયાપ્રસાદના મનમાં ભકિત અને વૈરાગ્યનો જે રંગ લાગ્યો તેને પરિણામે લગ્નની જંજાળમાં પડવાની તેમની લેશમાત્ર ઈચ્છા નહોતી, તેણે તો પોતાના અંતરનો તાર ભકિતના માધ્યમ દ્વારા ઈશ્વર સાથે જોડી દીધો હતો. પરંતુ કઈ માને દીકરો પરણાવવાની હોંશ ન હોય? તેના અતિ આગ્રહને પરિણામે આખરે ગયાપ્રસાદે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. તેમના અર્ધાંગીની બનવાનું સદભાગ્ય પ્રાપ્ત કરનાર સન્નારી હતા, શેહયા નિવાસી (થાણા શિવહર, જિ. મુઝફફરપુર) શ્રી શિવધારી કુમારના સુપુત્રી કેશવબચ્ચીદેવી. તેઓની પ્રથમ મિલનની વેળાએ માદક વાસનાની વિભાવરીને સ્થાને ત્યાગ અને વેરાગ્યની ઉષા પ્રગટી.

બીજી બાજુ ઈ. સ. ૧૯૪૧ માં એક મહત્વની ઘટના બની, તે ઘટના છે ગયાપ્રસાદ અને તેમના ગુરૂજી કાશ્મીરી બાબાની પ્રથમ મુલાકાત. આ મુલાકાત ગયાપ્રસાદ એક વખત ફરતા મુઝફરપુરના રેલ્વે સ્ટેશન પર જઈ ચડ્યા, ત્યાં તેમને એક વિલક્ષણ સંત વિભૂતિનો ભેટો થયો. અત્યંત પ્રભાવશાળી અને ચિતાકર્ષક વ્યકિતત્વ ધરાવતા સંત હતા તે કાશ્મીરી બાબા. તેમણે બાલુઘાટ પર એક ઝૂંપડી બાંધી હતી. ત્યાં રહીને તેઓ ઘાટ ઉપર આવતા સાધુ સંતોની સેવા કરતા મુળ સ્વામી પ્રેમાનંદ નામ ધરાવતા કાશ્મીરી બાબા કાશ્મીર બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા તેથી જ તેમને આ હુલામણુ નામ મળ્યું હશે. લાહોર યુનિવર્સિટીમાંથી તેઓ અંગ્રેજી એમ. એ. થયેલા, કાશ્મીરી બાબા પ્રવચન કરતા કિર્તનને જ વધુ મહત્વ આપતા. તેઓ કિર્તનમાં એટલા ભાવ - વિભોર બની જતા કે તેમને પોતાના શરીરનું કશું જ ભાન રહેતું નહીં.

ભગવા વસ્ત્રો અને લાંબા સુંદર વાળની વચ્ચે વિલસતો તેમનો ગૌરવર્ણો ચહેરો, ચહેરા પર ચમકતું બ્રહ્મતેજ અને કાશ્મીરી સૌંદર્ય - આ બધાને કારણે તેમનું વ્યકિતત્વ એટલુ નયનરમ્ય અને મનોહર હતુ કે સંપર્કમાં આવનાર સૌને તે સ્વાભાવિક રીતે આકર્ષી લેતું.

લોક - કલ્યાણ અર્થે તેઓશ્રીએ જામનગર, બેટ દ્વારકા તથા પોરબંદરમાં અનુક્રમે બેટ (દ્વારકા) ૩૯૦ દિવસ તા. ૧૬-૬-૧૯૫૪ થી તા. ૦૧-૦૯-૬૦ થી તા. ૨૦-૧૨-૧૯૫૯ (શેઠ નરશી મેઘજીની વંડી) ૪૭ દિવસનું તા. ૧૦-૧૦-૧૯૬૧ થી તા. ૨૬-૧૧-૧૯૬૧ કાષ્યમૌન ધારણ કરેલ.

સમસ્ત જીવે કલ્યાણના આ ભેખધારી સંતે પોતાના ઉંડા જ્ઞાન અને સતત ચિંતનથી પ્રતિપાદિત કર્યુ કે આ કલિ કાલમાં અબાલવૃદ્ધ સર્વની આત્મોન્નતિ માટે સંસારના વિવિધ આધિ ભૌતિક આધિ દૈહિક અને આધ્યાત્મિક તાપને શકય કરવાનું ભગવદ નામ સંકિર્તન એ અમોધ અવસર છે.

સૌરાષ્ટ્રની ધરતી પર પૂ. શ્રીએ  શ્રી રામ જય રામ જય જય રામ નાં વિજય મંત્રનો નાદ શરૂ કર્યો, બાદ ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં તેમજ ગુજરાતમાં પણ આ મંત્રનો પ્રચાર અને પ્રસાર કર્યો વધતો ગયો અને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું.

તા. ૧-૮-૧૯૬૪ થી જામનગર લાખોટા તળાવ પાસે

તા. ૧૨-૫-૧૯૬૭ થી અખંડ સંકિર્તન પોરબંદરમાં

તા. ૧૨-૧૨-૧૯૬૭ થી દ્વારકામાં

તા. ૨૦-૨૦૧૯૭૬ થી મુઝફરપુર (બિહાર) માં

રાજકોટમાં સંકિર્તન મંદિરની શરૂઆત પૂ.મહારાજશ્રીની પૂણ્યતિથિના દિવસે તા.૨૦-૪-૧૯૮૪ના દિવસે ચૈત્રવદ ૫ના દિવસે પૂ.મોરારીબાપુના હસ્તે કરવામાં આવેલ. તા.૫-૪-૧૯૧૮ના રોજ પૂ. પ્રેમભિક્ષુજી મહારાજની ૪૯મી પૂણ્યતિથિ છે.(૩૭.૫)

:: આલેખન ::

જયદેવ ઓઝા

(મો. નં. ૯૮૭૯૨ ૭૦૧૦૧, રાજકોટ)

(11:51 am IST)