Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

રવિવારે લેરિયામાં લેઉવા પટેલ સમાજના ભવ્ય સમુહલગ્ન યોજાશે

રપ દિકરીઓને આખો સમાજ માવતર બનીને સાસરે વળાવશે : ઘરે ઘરે જાનને ઉતારા અપાશે, શણગારેલી ઘોડીઓમા વરઘોડા નિકળશે, ખૂલ્લી જીપમાં મહેમાનોનું સ્વાગત કરાશે, દરેક ઘરના આંગણે રંગોળીઓ પુરાશે, ગામમાં આસોપાલવના તોરણો અને ધ્વજા-પતાકા બંધાશેઃ જુદી જુદી ૧ર સમિતિઓમાં ર હજારથી વધુ ભાઇઓ-બહેનો કાર્યકરો ખભેખભા મિલાવી સમુહલગ્નને સફળ બનાવશેઃ ૭૦ થી વધુ વસ્તુઓ કરિયાવરમાં અપાશેઃ સમુલહગ્નને સફળ બનાવવા બિપીનભાઇ રામાણી, હરસુખભાઇ વઘાસિયા અને પ્રિતિબેન બી.વઘાસિયાના માર્ગદર્શન હેઠળ કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ

જુનાગઢ તા. ર૩ : દાત્રાણા ચિરોડા, ભેંસાણ, નાની મોણપરી, બરડિયા અને મોટા ભલગામ બાદ પ્રથમ વખત વિસાવદર તાલુકાના લેરિયામાંં લેઉવા પટેલ સમાજના નામુનેદાર ર૦માં સમહુલગ્ન આગામી તા. ર૮ ચૈત્ર વદ-૯ને રવિવારે સાંજે યોજાશે. આ ભવ્ય સમહુલગ્નમાં એકી સાથે રપ દિકરીઓને રપ હજારથી વધુ જ્ઞાતિજનો માવતર બનીને સાસરે વળાવશે. સમુહલગ્નની તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમુહલગ્નની વિશેષતા એ છેકે, ઘરે ઘરે જાનને ઉતારા આપવામાં આવશે. શણગારેલી ઘોડીમાં વરઘોડા નિકળશે. દરેક ઘરના આંગણે રંગોળીઓ પુરાશે. ગામમાં આસોપાલવના તોરણો અને ધ્વજા -પતાકા બાંધીને જાનના સામૈયા કરવામાં આવશે.

આ અંગે વધુમાં વિગતો આપતા સમુહલગ્ન પ્રણેતા અને સમગ્ર આયોજનના માર્ગદર્શન હરસુખભાઇ વઘાસિયા તથા જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના પ્રમુખ પ્રિતિબેન બી.વઘાસિયાએ જણાવ્યું છે કે, અગ્રણી ઉદ્યોગપતિ બીપીનભાઇ રામાણીના મુખ્ય સહયોગથી યોજાનારા આ સમુહલગ્નને સફળ બનાવવા જુદી જુદી ૧ર જેટલી સમિતીઓની રચના કરવામાં આવી છે જેમાં ૧ર જેટલા ભાઇઓ અને ૧ હજાર જેટલી બહેનો સ્વયંસેવક તરીકે ખડેપગે સેવા આપશે. આ પ્રસંગે આસપાસના પ૧ ગામના જ્ઞાતિજનોનું સમુહ ભોજન રાખવામાંં આવ્યું છે

સમાજના મોભી અને સમાજના ભામશા એવા વસંતભાઇ ગજેરાના અધ્યક્ષસ્થાને યોજાનારા આ સમુહલગ્નમાં રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા અને વિધાનસભાના વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણી તેમજ આરોગ્યમંત્રી કુમારભાઇ કાનાણી, પૂર્વ મંત્રી રાઘવજીભાઇ પટેલ, માજી ધારાસભ્ય પોપટભાઇ રામાણી, ગુજરાત બિલ્ડર્સ એસો.ના પ્રમુખ પરેશભાઇ ગજેરા, ઉદ્યોગપતિઓ ભગીરથભાઇ પીઠવડીવાળા, કાનભાઇ કાનગઢ, ગોવિંદભાઇ ગોંડલિયા, રતીભાઇ રૂપારેલીયા, ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા, લલિતભાઇ વસોયા, પ્રતાપભાઇ દુધાત, ગોવિંદભાઇ પટેલ, જે.વી.કાકડિયા, પૂર્વમંત્રી કનુભાઇ ભાલાળા, જશુમતીબેન કોરાટ, સમાજના અગ્રણીઓ, આસપાસના ગામના આગેવાનો તથા હજારો જ્ઞાતિજનો હાજર રહીને નવદંપતિઓને આશિર્વાદ પાઠવશે.

આ આયોજનને સફળ બનાવવા લેઉવા પટેલ મહિલા મંડળના પ્રમુખ પ્રિતિબેન વઘાસિયા, લેરિયાના સરપંચ કિશોરભાઇ ડોબરીયા, ઉપસરપંચ બીપીનભાઇ વઘાસિયા, લેરિયા લેઉવા પટેલ સમાજના પ્રમુખ કુમનભાઇ મુંગલપરા, મંત્રી રાજેશભાઇ ઠુંમરના માર્ગદર્શન હેઠળ જુદી જુદી સમિતિના કાર્યકરો અને સમસ્ત ગ્રામજનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમ હરસુખભાઇ વઘાસિયાની યાદીમાં જણાવાયુંછે.

(11:42 am IST)