Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ભાવનગર જીલ્લામાં શાંતિપૂર્ણ મતદાન : ૧૦ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ

ર૦૦ર મતદાન મથકોમાં ૧૪૮૬૦ કર્મચારીઓ ફરજ ઉપર : ૧૭ લાખ ઉપર મતદારો

ભાવનગર, તા. ર૩ : ભાવનગર લોકસભા બેઠક માટે આજે મંગળવારે યોજાનારા મતદાન માટે જીલ્લામાં ર૦૦ર મતદાન મથકોમાં કુલ ૧૪૮૬૦ કર્મચારીઓને ફરજ સોંપાઇ છે. જીલ્લામાં કુલ ૧૭ લાખ ૬૭ હજાર ૪૦ મતદારો છે. ભાજપ-કોંગ્રેસ સહિત કુલ ૧૦ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે.

આજે મંગળવારે ભાવનગર જીલ્લામાં લોકસભાની ચૂંટણી માટે યોજાનારા મતદાન સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા મતદાનલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. સોમવાર સવારથી જ ડિસ્પેપીંગ શરૂ કરાયું હતું. ચૂંટણી કામગીરીમાં જોડાયેલ ૧૪૮૬૦ કર્મચારીઓને ફરજ સોંપણી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કર્મચારીઓ પોતાની ફરજના સ્થાને હાજર થઇ ગયા હતા. ભાવનગર શહેરના ર૬પ મળી જીલ્લામાં કુલ ર૦૦ર મતદાન મથકો પર મતદાન થશે.

જીલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાઇ તે માટે કુલ ૪૦૬ર સુરક્ષા કર્મીઓ ફરજ પર તૈનાત કરાયા છે. ચૂંટણી કામગીરીમાં રોકાયેલ તમામ સુરક્ષા કર્મચારીઓની ફરજ નિયુકતી અંગેની કાર્યવાહી જીલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી.

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળ અને કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલ તેમજ અન્ય પક્ષો અને અપક્ષો મળી કુલ ૧૦ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થશે.

ભાવનગર જીલ્લા કુલ ૧૭ લાખ ૬૭ હજાર ૪૦ મતદારો છે. જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર હર્ષદભાઇ પટેલ સહિત ઝોનલ ઓફીસર, પોલીંગ સ્ટાફ, મોનીટરીંગ ટીમ, લાઇઝનીંગ ઓફીસર, નોડલ ઓફીસર, ઓબ્ઝર્વર ટીમ સહિત કુલ ૧૪૮૬૦ સરકારી અધિકારી-કર્મચારીઓ ચૂંટણી વ્યવસ્થામાં જોડાશે.

(9:57 am IST)