Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

જસદણ પાલિકાના સભ્યોના ઉપવાસનો કુંવરજીભાઇની મધ્યસ્થીથી સુખદ અંત

જસદણ પાલિકામાં કામો ન થતાં હોવાની ફરિયાદથી પાલિકાના સભ્યો ઉપવાસ ઉપર બેસી ગયા હતા ત્યારબાદ પૂર્વ પ્રમુખ જે.પી. રાઠોડ દ્વારા પારણા કરાવવામાં આવ્યા હતા તેની તસ્વીર.(તસ્વીરઃ વિજય વસાણી, આટકોટ)

આટકોટ તા.૨૩: જસદણ પાલિકાના વોર્ડ નં. ૬ના ૪ સભ્યો દ્વારા કામ ન થતાં હોવાનાં આક્ષેપ સાથે પાલિકાના પટાંગણમાં ઉપવાસ ઉપર ઉતરી જતાં સાંજ કુંવરજીભાઇની મધ્યસ્થીથી પારણા થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

જસદણ પાલિકામાં છેલ્લા એક વર્ષથી અનેક રાજકીય નાટકો ભજવાયા જેમાં હોદ્દા ઉપરથી રાજીનામા, ભ્રષ્ટાચાર, અવિશ્વાસની દરખાસ્ત મુખ્ય હતાં જેમાં સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા જ ઉપવાસ આંદોલન થતા ભારે ચર્ચા જાગી હતી.

વોર્ડ નં. ૬ના સભ્યો રાજુભાઇ ધાધલ, વર્ષાબેન સખીયા, મીઠાભાઇ ટાઢાણી, સોનલબેન વસાણી સહિત વોર્ડના ભાઇ-બેહનો અને જસદણ શહેર ભાજપ મહિલા મોર્ચાના પ્રમુખ ચાંદનીબેન વેકરીયા સહિત ઉપવાસમાં જોડાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. આ ઉપરાંત ઉપવાસી છાવણી ખાતે શહેર ભાજપનાં અગ્રણીઓ પણ ગયા હતા.

બાદમાં સાંજે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પાલિકાએ આવી મધ્યસ્થિ કરી તાકિદે જે કામોની તાતી જરૂરીયાત છે તેવા કામો અને ખાસ કરીને પાણીનો પ્રશ્ન હલ કરી યોગ્ય કરવા સબંધીતોને સુચના આપતા આંદોલનનો અંત આવ્યો હતો.

જો કે આંદોલન દરમિયાન આખો દિવસ સ્થાનિક સોશ્યલ મીડિયામાં આ અંગે ભારે કોમેન્ટો ચાલી હતી.

જસદણથી હુસામુદ્દીન કપાસીના અહેવાલમાં જણાવાયું છે કે પાલિકામાં નબળા બાંધકામો થયા હોવા છતાં લાખો કરોડોનાં બીલો ચુકવાય જાય છે તે કલેકટરે, નગરપાલિકા નિયામકે કે ચીફ ઓફિસરે અટકાવવા જોઇએ.

વ્હાટ્સએપ ગૃપમાં દિવસભર ચીફ ઓફિસરની વિરૂદ્ધ અને તરફેણમાં કોમેન્ટસો ચાલી હતી જેમાં કેતન લાડોલાએ પોસ્ટમાં જણાવ્યું હતું કે જસદણ પાલિકાને લાંબા સમયે નિષ્ઠાવાન અને પ્રમાણીક ચીફ ઓફિસર મળ્યા છે ત્યારે અંગત કારણોસર તેમનાં વિરૂદ્ધ આંદોલન ન કરવું જોઇએ સામે ઉપવાસ ઉપર બેઠેલા રાજુભાઇ ધાધલે જણાવ્યંુ હતું કે છેલ્લા એક વર્ષથી અમારા વિસ્તારના રોડ, પાણી, ગટરના પ્રશ્નો ન ઉકેલાતા અમારે આંદોલન કરવાની ફરજ પડી હતી.

ઉપવાસીઓને પારણા કરાવવામાં પૂર્વનગરપતિ જે.પી. રાઠોડ, મુન્નાભાઇ સોજીત્રા, ભીખાભાઇ રોકડ, બી.બી.સી., શહેર ભાજપ પ્રમુખ મકાતી, વર્તમાન પ્રમુખ જીજ્ઞેશ હિરપરા સહિત ઉપસ્થિત રહ્યાં હતા.

(12:13 pm IST)