Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

સુરેન્દ્રનગર નવલકથાકાર દેવશંકર મહેતા વ્યાખ્યાનમાળામાં કવિ વિનોદ જોશીએ સૈરન્ધ્રીનો પાઠ કર્યો

સુરેન્દ્રનગર,તા.૨૩:સુરેન્દ્રનગર ખાતે તા. ૨૨ જાન્યુઆરીની સાંજ સાહિત્યપ્રેમીઓ માટે સોનેરી સાંજ બની હતી.

ઊર્મિસરોજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા મહિલા પુસ્તકાલય ખાતે નવલકથાકાર દેવશંકર મહેતા વ્યાખ્યાનમાળાનો શુભારંભ થયો હતો.

આ વ્યાખ્યાનમાળાના પ્રથમ મણકામાં સુવિખ્યાત કવિ વિનોદ જોશીએ પોતાની પ્રખ્યાત કવિતા સૈરન્ધ્રીનું પઠન કર્યુ હતું.

સૌપ્રથમ ડો. નિખિલેશ દેસાઈ દ્વારા સૈરન્ધ્રી કાવ્ય અને કવિ વિશે પરિચય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ડો. પી.સી. શાહ દ્વારા કવિને શાલ અને લેખક સુમંત રાવલ દ્વારા કવિને પુષ્પમાળા અર્પણ કરી કાર્યક્રમનો આરંભ થયો હતો.

જે કવિતા રચવામાં કવિને ૧૫ વર્ષ જેટલો સમય લાગ્યો અને કુલ ૭ સર્ગમાં પથરાયેલું. આ પ્રબંધકાવ્ય કવિએ સતત અઢી કલાક સુધી ભાવવાહી શૈલીમાં પઠન કરી શ્રોતાઓને મહાભારતના સમયની યાત્રા કરાવી હતી. મૂળ મહાભારતની કથાથી થોડા અલગ હટીને કવિ પોતીકા વિચારો દ્રારા સૈરન્ધ્રીને પાત્ર બનાવી સમગ્ર નારીજગતના સુક્ષ્માતિસુક્ષ્મ ભાવોને ઉજાગર કરવામાં સફળ થયા છે.

સુરેન્દ્રનગરનાં આશરે બસો જેટલા સાવ સાચા સાહિત્યરસિકોએ મોડી રાત સુધી આ અમરકૃતિના આસ્વાદનો અમૂલ્ય લ્હાવો લીધો હતો.

આ વ્યાખ્યાનમાળા અંતર્ગત દર ત્રણ મહિને કોઈને કોઈ નામાંકિત સર્જક પોતાની કૃતિ વિશે વકતવ્ય આપશે.

(11:44 am IST)