Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

કચ્છના સફેદ રણમાં દેશભરના ગાયનેકોલોજિસ્ટ ડોકટર્સની ડેસ્ટિનેશન કોન્ફરન્સ યોજાઇ

કચ્છના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. ગોપાલ હિરાણીની ઓલ ગુજરાત ગાયનેક સોસાયટીના પ્રમુખ તરીકે નિયુકિત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૨ : સફેદરણ વચ્ચે ટેન્ટસિટી ખાતે પહેલીવખત દેશભરના ગાયનેકોલોજિસ્ટ ડોકટરની ઐતિહાસિક ડેસ્ટિનેશન કોન્ફરન્સ યોજાઈ હતી,આ તબક્કે SOGOG-ઓલ ગુજરાત ગાયનેક સોસાયટીના પ્રમુખપદે કચ્છના જાણીતા  સ્ત્રીરોગ નિષ્ણાત ડો.ગોપાલભાઈ હિરાણીની નિયુકિત કરાઈ હતી.

૧૯,૨૦,૨૧ નવેમ્બરના ત્રિદિવસીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દેશભરના ૬૦૦થી વધુ  સ્ત્રીરોગ નિષ્ણાત ડોકટરો જોડાયા હતા. ટેન્ટસિટી ખાતે યોજાયેલ આ અધિવેશનમાં  સ્ત્રીરોગ મુદ્દે ડોકટરોને પડતી સમસ્યાઓ અને તેનું આધુનિક સમયમાં ટેકનોલોજીના માધ્યમથી નિવારણ, પ્રસૂતિ દરમ્યાન પણ પડતી સમસ્યાઓ કઈ રીતે નિવારી શકાય અને માતા-શિશુ મૃત્યુદર ઘટાડવા સાથે જ ડોકટરમાં આંતરિક સંગઠન ભાવના વિકસાવીને કઈરીતે સમાજોપયોગી વધુ સક્ષમતાથી કાર્ય કરી શકાય તે સહિતના મુદ્દાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.

શનિવારે આ કાર્યક્રમમાં,વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય, આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને ડોકટરોનું ઉત્સાહવર્ધન કર્યું હતું. ડોકટર્સ અને સરકાર કઈરીતે સામંજસ્યથી કાર્ય કરી શકે તે વિશે વિશદ ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.

અધિવેશન દરમ્યાન દેશભરમાંથી આવેલા ડોકટરોએ સફેદરણ અને ટેન્ટસિટીની મજા માણી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે જ કચ્છની ભાતીગળ સંસ્કૃતિનો આનંદ મેળવ્યો હતો.

ગુજરાતમાં સ્ત્રીરોગ નિષ્ણાત ડોકટરોની વિવિધ ૨૦થી વધુ સંસ્થાઓનું મુખ્ય માળખું એસઓજીઓજીથી ઓળખાય છે,સ્ટેટ ઓર્ગેનાઇઝેશન ઓફ ગાયનેકોલોજિસ્ટ્સ ઓફ ગુજરાત.જેના પ્રમુખ ડો.ગોપાલ હિરાણીએ જણાવ્યું કે,ભુજ જેવા નાના શહેરને રાજયભરની મોટી જવાબદારી અપાઈ તે મારુ સૌભાગ્ય છે.કોરોના સમયમાં અમે વર્ચ્યુઅલ કોન્ફરન્સો યોજી હતી,પહેલીવખત આ પ્રકારે રૂરૂ અધિવેશન યોજાયું હતું.અદ્યતન સુવિધા સાથે છેવાડાના લોકો સુધી પહોંચવાનો નીર્ધાર કર્યો હોવાનો પણ તેમણે ઉલ્લેખ કરી કહ્યું કે,આ કોન્ફરસનની થીમ જ 'પ્રાથમિકતા થી વિશિષ્ટતાની સફર'રખાઈ હતી. તે મુદ્દે ભવિષ્યમાં સંસ્થા વધુ નિર્ણાયકતાથી કાર્ય કરશે.

૪૪મી ઓલ ગુજરાત કોન્ફરન્સનું પહેલીવાર ડેસ્ટિનેશન પર આયોજન કરાયું હતું, સોગોગનાં ભૂતપૂર્વ પ્રમુખ ડો.મીનાક્ષી પટેલએ જણાવ્યું કે ગર્ભસ્થ શિશુઓને ખોડખાંપણથી બચાવવા સહિતના મુદ્દાઓ ચર્ચાયા હતા.

જોઈન્ટ સેક્રેટરી ડો.એમ.સી.પટેલે જણાવ્યું કે,માતા મૃત્યુદર ભૂતકાળમાં ૧૦૦૦ માંથી ૩૦૦ હતો.જે આધુનિક ઉપકરણો અને સારવારથી ગુજરાતમાં ૭૪ સુધી પહોંચ્યો છે. આવનારા સમયમાં સરકારના માર્ગદર્શન હેઠળ, એનજીઓ અને ડોકટરોના સંયુકત પ્રયાસોથી ૨૦૩૦ સુધીમાં તેને વધુ ઘટાડવા પ્રયાસો હાથ ધરાયા છે.

ડો.દીપેશ ધોળકિયા અને ડો.હેમંત ભટ્ટ સહિત રાજયની કમિટીના હોદ્દેદાર ડોકટરોશ્રીઓએ ઉપસ્થિત રહી સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.માધવ હિરાણી, ડો.ચંદ્રકાન્ત ઠક્કર, ડો.ભાવિક ખત્રી, ડો.નિર્મલા શર્મા, ડો.સુરભી વેગડ, ડો.રાજેશ મેવાડા, ડો.પુનિત ખત્રી, ડો.દેવેન જોગલ અને ડો.દર્શક મેહતા સહિતના હોદેદારોએ અધિવેશન સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(11:49 am IST)