Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

લખતરના વિઠ્ઠલગઢમાં નિવૃત શિક્ષકના ઘરમાંથી સોનુ-ચાંદી, રોકડ સહિત ૬ લાખની ચોરી

બે જગ્યાએ તસ્કરો ત્રાટકયાં: તરમનીયા ગામે ખેતરમાં પિયત માટે મુકેલા બે ડિઝલ મશીન પણ તસ્કરો લઇ ગયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૨: શિયાળાની શરૂઆત થતા તસ્કરો પણ સક્રિય થઇ ગયા છે. લખતર તાલુકાનાં તરમનીયા ગામે અને વિઠ્ઠલગઢ ગામે તસ્કરો લાખો રૂ.નો મુદામાલ ચોરી ગયાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

મુળ બાલાસિનોરના વતની અને હાલ લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે રહેતા નિવૃત શિક્ષક ચતુરભાઈ પરમાભાઈ એક અઠવાડીયા દરમ્યાન પોતાના વતન ગયા હતા. તેમના બે પુત્રો રાતપાળીમાં નોકરી કરવા ગયા હતા. આ તકનો લાભ લઈ બંધ ઘરમાં તસ્કરો ત્રાટકયા હતા અને ઘરમાંથી ત્રણ સોનાના ચેઈન, ત્રણ સોનાની મોટી વીંટી, એક સોનાનુ લોકેટ, ત્રણ સોનાની નાની વીટી, એક સોનાનો હાર, ૫૦૦ ગ્રામ ચાંદીનો જેર, ત્રણ જોડી ચાંદીના છડા, એક ચાંદીનો કેળ વિગેરે મળી સાત કિલો સોનુ, સવા કિલો ચાંદી અને રોકડ રકમ રૂ.૮૦ હજાર મળી કુલ રૂ.૬ લાખની ચોરી કરી ગયાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તસ્કરોના સગડ મેળવવા તપાસ શરૂ કરી છે.

જયારે ચોરીની બીજી ઘટના તરમનીયા ગામે બની છે. તરમનીયા ગામે રહેતા અનિરૂધ્ધસિંહ સતુભા રાણા જમીનમા ખેતી કરે છે. તેમણે પિયત માટે એક ડિઝલ એન્જીન મશીન મુકયુ હતુ. તેમની બાજુમાં ખેતર ધરાવતા ભગુભા માલુભા રાણાએ પણ મશીન મુકયુ હતુ. આ બન્ને મશીન તસ્કરો ચોરી ગયા હતા. આ અંગે લેખીત ફરીયાદ પોલીસને કરવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી છે.

મોત

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે ઉપર કલ્પના ચોકડી પાસેથી પસાર થતા છકડો રિક્ષાને પૂરઝડપે આવતા ટ્રકના ચાલકે પાછળથી ટકકર મારતા રિક્ષામાં બેઠેલા ૪૫ વર્ષનાં સમાભાઈ મનુભાઈ દેવીપૂજક નીચે પટકાતા ટ્રકની અડફેટે આવી ગયા હતા. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે સરકારી હોસ્પીટલ લઈ જવાયા હતા. જયાં તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી. અકસ્માત સર્જી ટ્રકચાલક નાસી છુટયો હતો. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)