Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

નશો નાશનું મુળઃ દારૂની ટેવ ધરાવતાં બે યુવાને કંટાળીને ઝેર પી મોત મેળવ્‍યા

ચોટીલાના કુંઢડા ગામના અમરશી રાઠોડ અને લોધીકાના ગઢ ખીરસરાના અજય પરમારે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારોમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૨૨: નશો નાશનું મુળ ગણાય છે. ઘણીવાર નશાની ટેવથી કંટાળીને કે પછી ભાન ભુલીને માણસ મુશીબત નોતરી બેસતો હોય છે. બે અલગ અલગ બનાવમાં દારૂનો નશો કરવાની ટેવ ધરાવતાં યુવાન કંટાળીને ઝેરી દવા પી જતાં બંનેને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ બંનેએ દમ તોડી દેતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.
ચોટીલાના કુંઢડા ગામે રહેતાં અમરશીભાઇ વીરાભાઇ રાઠોડ (ઉ.વ.૪૦) નામના કોળી યુવાને રાતે દસેક વાગ્‍યે પોતાની વાડીએ ઝેરી દવા પી લેતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દીધો હતો.
આપઘાત કરનાર અમરશીભાઇ બે ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે ખેતી કરી ગુજરાન ચલાવતો હતો. પરિવારજનોના કહેવા મુજબ નશો કરવાની આદત હોઇ તેના કારણે દવા પી લીધી હતી.
બીજા બનાવમાં લોધીકાના ગઢ ખીરસરા ગામે રહેતાં અજય રમેશભાઇ પરમાર (ઉ.વ.૨૪) નામના કોળી યુવાને રાતે બારેક વાગ્‍યે ઝેરી દવા પી લેતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્‍વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. આપઘાત કરનાર અજય બે બહેનનો એકનો એક ભાઇ હતો. તે ખેતી કરી ગુજરાન ચલાવતો હતો અને અપરિણીત હતો. પરિવારજનોના કહેવા મુજબ અજયને દારૂનો નશો કરવાની લત્ત લાગી હતી. તેના કારણે ઝેરી દવા પી ગયો હતો.
બંને બનાવમાં હોસ્‍પિટલ ચોકીના આર. એસ. સાંબડે અને જયમિન પટેલે ચોટીલા પોલીસ સ્‍ટેશન અને લોધીકા પોલીસ સ્‍ટેશનમાં જાણ કરી હતી.


 

(11:33 am IST)