Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

આત્મનિર્ભર ભારતના વિચારને સાર્થક બનાવવામાં બેન્કિંગ ક્ષેત્રેની ભુમિકા ખુબ જ અગત્યનીઃ ડો.નીમાબેન આચાર્ય

બેંકો દ્વારા ક્રેડિટ આઉટ રિચ પોગ્રમ અંતર્ગત કચ્છમા લાભાર્થીઓને વિધાનસભા અધ્યક્ષાના હસ્તે રૂ.૨૦૬ કરોડ રૂ.ના ચેક વિતરણ કરાયા

(વિનોદ ગાલા દ્વારા )ભુજ::::ટાઉનહોલ ભુજ ખાતે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને કેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો. લીડ બેંક-બેંક ઓફ બરોડા તેમજ વિવિધ બેંકોના સંકલન અને જુથ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સરકારી વિવિધ યોજનાઓમાં બેંકો કેવી રીતે સંકળાયેલી છે. વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તેમજ નાના ગરીબ અને જરૂરીયાત મંદ લોકો માટેની વિવિધ અનુકુળ સ્કિમની માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી.

આ તકે ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતુ કે, કોરોનાકાળમાં જે આર્થિક સંકડામણનો ભોગ આપણે સૌ બન્યા છીએ તેમાંથી બહાર આવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતનો કન્સેપ્ટ લાવ્યા જેમાં બેંકોની ખુબ જ મહત્વની ભુમિકા અને જવાબદારી રહેલી છે. સરકારની વિવિધ યોજનાઓ થકી લોકોનું કલ્યાણ થઇ રહ્યું છે તો કિસાનોને લગતી વિવિધ સહાય થકી ધરતીપુત્રોની આવક બમણી કરવા તરફ પ્રયાસ કરાઇ રહ્યા છે. આ ઉપરાંત લોકોને મહેનત કરી આગળ વધવા પ્રેરણા આપી લાભાર્થીઓ સહકારી સહાય થકી તેમના સ્વપ્ન પરિપૂર્ણ કરે એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

આ પ્રસંગે સાંસદશ્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જનધન યોજના થકી લોકોને બેંકિગ સુવિધાઓથી અવગત કરી તેમની સાથે જોડયા છે. લોકો પગભર થાય આત્મનિર્ભર બની દેશના વિકાસમાં ફાળો આપી શકે તે માટે બેકિંગ ક્ષેત્ર ખુબજ અગત્યનું છે. આ ઉપરાંત ખરેખર જે લોકોને જરૂરિયાત છે તેમને વિવિધ સહાય અને લોન અપાવવા માટે તેમણે બેંકના અધિકારીઓને અપીલ કરી હતી.

આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા એમ.એસ.એમ.ઈ. બી.કે.સી.સી., પી.એમ.ઈ.જી.પી., પી.એમ.ઈ.વાય, પી.એમ સ્વનિધિ, એગ્રીકલ્ચર લોન એમ વિવિધ સહાય અને લાભ મળી કુલ ૨૦૬ કરોડની વિવિધ સહાય અને લોનના ચેક લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ડો.નીમાબેન આચાર્ય તેમજ અન્ય મહાનુભાવોએ બેંકો દ્વારા આયોજિત વિવિધ પ્રદર્શન અને સ્ટોલની મુલાકાત લઇ વિવિધ વિભાગની બેંક દ્વારા આપવામાં આવતી સુવિધાઓની માહિતી મેળવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠકકર, ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત, બેંક ઓફ બરોડાના સીજીએમશ્રી સંજીવ દોભલ, ડી.જી.એમ.શ્રી નરેન્દ્રસિંઘ, પી.આર.એમ.શ્રી જગજીતકુમાર, બીજીજી બેંકના આરએમશ્રી મારૂતિ તિવારી, એસ.બી.આઇ.ના આર.એમ.શ્રી ઐયર તેમજ બેંક ઓફ બરોડના એલ.ડી.એમ.શ્રી સંજય કુમાર સિન્હા તેમજ વિવિધ સહાય તેમજ લોનના લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

(9:37 am IST)