Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ભકિતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના કુલપતિપદે પ્રો.ચેતન ત્રિવેદીની વરણી

રાજકોટ તા.૨૨: ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના રેગ્‍યુલર કુલપતિ તરીકે હાલના ઇન્‍ચાર્જ કુલપતિ અને આ યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રોફેસર એન્‍ડ હેડ પ્રો.(ડો) ચેતનભાઇ ત્રિવેદીની વરણી કરવામાં આવી છે.

ફેબૂઆરી ૨૦૧૯માં ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના પ્રથમ કુલપતિ પ્રો.જે.પી.મયાણીનો કાર્યકાળ પૂરો થતા ગુજરાત સરકાર દ્વારા ઇન્‍ચાર્જ કુલપતિ તરીકે પ્રો.ચેતનભાઇ ત્રિવેદીની વરણી કરવામાં આવી હતી. ત્‍યારબાદ લોકસભાની ચૂંટણીની આચારસંહિતા તથા અન્‍ય કારણોસર આજસુધી રેગ્‍યુલર કુલપતિ  વરણી થઇ ન હતી. પ્રો.ચેતનભાઇ ત્રિવેદીએ ઇન્‍ચાર્જ કુલપતિ તરીકે કાર્યદક્ષતા તથા સફળતા પૂર્વક ફરજ બજાવી હતી. ઉપરાંત યુનિવર્સિટી કક્ષાએથી સમાજલક્ષી, શિક્ષણલક્ષી તથા વિદ્યાર્થીલક્ષી હકારાત્‍મક અભિગમ અપનાવીને ખૂબજ ટૂંકા ગાળામાં ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને સફળતાના શિખરો તરફ લઇ ગયા હતા.

આજરોજ ગુજરાત સરકાર તરફથી રેગ્‍યુલર વાઇસ ચાન્‍સેલર તરીકે તેઓની પસંદગી થતા યુનિવર્સિટી હેઠળ આવતા ચાર જિલ્લાઓ જૂનાગઢ, પોરબંદર ગીરસોમનાથ તથા દેવભુમિ દ્વારકા જિલ્લાના શિક્ષણ જગતમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે. શિક્ષણ, સમાજ તથા વિદ્યાર્થીઓના હિત માટે પોતે સદાય તત્‍પર રહેશે તેવું આજરોજ તેઓએ અકિલાને જણાવ્‍યું હતું.

પ્રો.ચેતનભાઇ ત્રિવેદી (મો.૯૭૨૫૨ ૫૧૪૨૪) ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના એકઝીકયુટીવ કાઉન્‍સિલ મેમ્‍બર તરીકે તથા બોર્ડ ઓફ ગવર્નન્‍સના મેમ્‍બર તરીકે પણ સફળતાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેઓએ મૂળ ભાવનગરથી શિક્ષણ પ્રાપ્ત કર્યુ છે અને છેલ્લા ૨૦ વર્ષોથી શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેઓ શૈક્ષણિક, સામાજિક અને સાંસ્‍કૃતિક ક્ષેત્રે અદ્વિતિય રીતે જોડાયેલા છે. તેઓએ સેંકડો નેશનલ અને ઇન્‍ટરનેશનલ કોન્‍ફરન્‍સમાં પ્રેઝન્‍ટેશન અને વિવિધ વ્‍યાખ્‍યાનો આપેલ છે. ઉપરાંત રીસર્ચ પેપર્સ પણ રજુ કરેલ છે. તેઓ ઉપર અભિનંદની વર્ષા થઇ રહી છે.

(8:41 pm IST)