Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણીના મત ગણતરી કેન્દ્ર ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

વિજય સરઘસ માટે રેન્જ આઇજીપી સુભાષ ત્રિવેદી, એસ.પી. સૌરભસિંઘ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની આગેવાનીમાં વોર્ડવાઇઝ પોલીસ ટીમ ખડેપગે

જુનાગઢ, તા. રર : જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન  જૂનાગઢ રેન્જના આઈજીપી  સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંઘ  દ્વારા જૂનાગઢ શહેરમાં કરવામાં આવેલ  આગોતરા આયોજન તથા છેલ્લા પંદર દિવસ અગાઉથી કરવામાં આવેલ કાર્યવાહીના કારણે તેમજ ગોઠવવામાં આવેલ જડબેસલાક બંદોબસ્તના કારણે એક પણ અનિચ્છનીય બનાવ બનવા પામેલ ના હતો અને શાંતિપૂર્ણ મતદાન યોજાયેલ  હતું. ચૂંટણી દરમિયાન નવતર આયોજન અને અગત્યના પોઇન્ટ ઉપર તથા પેટ્રોલિંગના કારણે માથાનો દુખાવો ગણાતી મ્યુનિ. કોર્પોની ચૂંટણી દરમિયાન  જૂનાગઢ શહેરની પ્રજાએ શાંતિનો અહેસાસ  લીધો હતો.

કાર્યવાહીના હવે તા. ૨૩.૦૭.૨૦૧૯ ના રોજ આ  ચૂંટણીની મત ગણતરી  યોજાનાર છે, ત્યારે દરમિયાન  જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંઘ દ્વારા  જૂનાગઢ શહેરમાં મત ગણતરી તથા ત્યારબાદ  યોજાનાર વિજય સરઘસ  માટે પણ આયોજન કરીને જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની  મતગણતરી એગ્રીકલચર યુનિવર્સિટી ખાતે  યોજાનાર હોઈ, આ માટે  ગણતરી માટે બિલ્ડિંગની અંદર તથા બહાર તેમજ ગ્રાઉન્ડમાં પણ સ્થાનિક પોલીસ તથા એસ.આર.પી કંપનીના પૂરતા પ્રમાણમાં અધિકારીઓ તથા સ્ટાફના માણસોને તૈનાત  કરવામાં આવેલ છે. મત ગણતરી પુરી થયા બાદ  વોર્ડ વાઈઝ વિજય સરઘસ માટે ૦૧ ડીવાયએસપી, ૦૨ પો.ઇન્સ., ૦૪ પીએસઆઇ તથા આશરે ૧૫ એસઆરપી તથા પોલીસ સ્ટાફ  ફાળવવામાં આવેલ છે. આ સ્ટાફ ઉમેદવાર ચૂંટાતા, કયાં વિસ્તારમાં વિજય સરઘસ કાઢવા માંગે છે, તેની માહિતી મેળવી, રૂટ જાણી, સાથોસાથ બંદોબસ્ત રાખવામાં આવશે અને બાદમાં જે તે વોર્ડમાં પેટ્રોલિંગ પણ રાખશે. વિજય સરઘસના બંદોબસ્ત માટે આવી  કુલ પાંચ થી છ ખાસ વિજય સરઘસ બંદોબસ્ત ટિમો  બનાવી, જેમ જેમ પરિણામો આવતા જાય તેમ તેમ સાથે રવાના કરી,  અસામાજિક તત્વો દ્વારા વિજય સરઘસની ભીડનો કોઈપણ ફાયદો ના ઉઠાવવામાં આવે તે માટે પૂરતો બંદોબસ્ત  રાખવામાં આવેલ છે. ઉપરાંત  મત ગણતરી વિજય સરઘસ દરમિયાન પણ શહેર વિસ્તારમાં જયાં જયાં જરૂરી છે, એવા વિસ્તારમાં એક પીએસઆઈ અને સ્ટાફના હથિયાર ધારી પોઇન્ટ  પણ મુકવામાં આવેલ છે. મત ગણતરી બંદોબસ્તમાં  જૂનાગઢ જિલ્લા ઉપરાંત જૂનાગઢ રેન્જ આઈજીપી શ્રી સુભાષ ત્રિવેદીએ સ્થાનિક જૂનાગઢ જિલ્લા ઉપરાંત, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના મળી, કુલ ૦૬ ડીવાયએસપી, ૧૫ પો.ઇન્સ., ૬૫ પો. સબ ઇન્સ., ૪૨૫ પોલીસ સ્ટાફ, બે (૨)કંપની એસ.આર.પી. સહિતના કુલ આશરે ૬૫૦ સ્ટાફને ફાળવવામાં  આવેલ છે. આ વિજય સરઘસ દરમિયાન કોઈ  અસામાજિક તત્વો કે ખિસ્સા કાતરું દ્વારા ફાયદો ઉઠાવવામાં ના આવે તે માટે ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પરોલ ફર્લો સ્કવોડ, સ્થાનિક ડી સ્ટાફને ખાનગી કપડામાં તૈનાત કરી, પિક પોકેટર તેમજ કેફી પીણું પી ને વિજય સરઘસમાં આવેલ લોકો ઉપર ખાસ વોચ રાખી, પકડી પાડવા માટે પણ ખાસ આયોજન  બંદોબસ્ત દરમિયાન કરવામાં આવેલ છે.....

આમ, જૂનાગઢ પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન જે રીતે કડક બંદોબસ્ત રાખવામાં આવેલ તે જ રીતે મત ગણતરી અને વિજય સરઘસ દરમિયાન પણ કડક જાપ્તો રાખી, જડબેસલાક બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે.

(1:36 pm IST)