Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

જાફરાબાદના શિયાળ બેટ ટાપુમાં સ્પેશીયલ કેસમાં વ્યાજબી ભાવની દુકાન મંજુરઃ અનાજ વિતરણ

અમરેલી,તા.૨૨: જાફરાબાદનું શિયાળબેટ ગામ એટલે દ્યૂદ્યવતા દરિયાની વચોવચ એકલો ટાપુ, કે જયાં કંઈ ચીજવસ્તુની જરૂરિયાત હોય તો હોડીમાં બેસી ટાપુ બહાર જવું પડે. કુદરતી રીતે કવોરંટાઈન કે સેલ્ફ આઈસોલેશનમાં રહેતા ગ્રામજનો માટે લોકડાઉનની પરિસ્થિતિમાં આવશ્યક ચીજવસ્તુઓ મેળવવી કપરું બન્યું હતું. પરંતુ જિલ્લા વહીવટી તંત્રે ગ્રામજનોની ખાસ દરકાર કરી. તંત્ર દ્વારા શિયાળબેટ ગામમાં દરિયાઈ માર્ગે જથ્થો લઇ જઇને ૭૪૮ રેશનકાર્ડ ધારકોને દ્યઉં, ચોખા, ખાંડ, દાળ વગેરે જીવનજરૂરી ચીજવસ્તુઓના કુલ ૨૦,૫૦૦ કિલો જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું. શિયાળબેટવાસીઓ આ ઐતિહાસિક ઘટનાને નજર સમક્ષ નિહાળી હતી.

અનાજ વિતરણની કામગીરી આપતાં શિયાળબેટના મંત્રીશ્રી એસ. યુ. પઠાણે જણાવ્યું હતું કે, ટાપુ ઉપર અનાજ વિતરણ એ એક મોટો પડકાર હતો. સૌપ્રથમ જાફરાબાદના ગોડાઉનથી અનાજ તેમજ જરૂરી ચીજવસ્તુઓનો જથ્થો જેટી પર પહોંચાડવામાં આવ્યો ત્યારબાદ દરિયાઈ માર્ગે હોડી મારફતે શિયાળબેટ લઈ જવામાં આવ્યો. બેટ પર ઇતિહાસમાં સૌપ્રથમ વખત આ રીતે અનાજ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યમાં ગામવાસીઓ, પંચાયતના સરપંચનો સહકાર મળ્યો. આ વિતરણ થકી ગામવાસીઓએને ખૂબ જ સંતોષ થયો છે.

શિયાળબેટના સરપંચ શ્રીમતી ભાનુબેન શિયાળ અને શ્રી હમીરભાઈ શિયાળે જણાવ્યું હતું કે, ઇતિહાસમાં સૌપ્રથમ વખત બેટ પર આ પ્રકારના અનાજ વિતરણની કામગીરી થઈ છે. બેટ જેવા વિસ્તારમાં અનાજ તેમજ અન્ય ચીજ વસ્તુઓ પહોંચાડવીએ કપરું કાર્ય છે. સરકારશ્રી દ્વારા લેવાયેલા આ અભૂતપૂર્વ નિર્ણય થકી અનેક ટાપુવાસીઓના ચૂલા શરૂ રહી શકયા છે. એ બદલ સમગ્ર શિયાળબેટવાસીઓ સરકારના આભારી છે. ટાપુ પર વસતા લોકોમાં સાહસિકતાનો ગુણ તો સ્વાભાવિકપણે જ રહેલો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શિયાળબેટ ખાતે દરિયાકિનારા પરથી વિતરણના સ્થળે માલસામાન પહોંચાડાયા બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે એક-એક મીટરના અંતરે સોશિયલ ડિસ્ટનસિંગના નિયમનું સંપૂર્ણ પાલન સાથે અનાજ વિતરણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૪૪૯ એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકો, ૫૮ બી.પી.એલ. કાર્ડધારકો તેમજ ૨૪૧ એ.પી.એલ.-૧ કાર્ડધારકોને દ્યઉં, ચોખા, ખાંડ, મીઠું, દાળ વગેરે આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિતરણના કાર્યમાં ટાપુવાસીઓનો શિસ્તબદ્ઘ સાથ-સહકાર પ્રસંશાને પાત્ર છે.  લોકડાઉનના કપરા સમયમાં જયારે લોકો રેશનીંગની દુકાન સુધી જઇ શકે તેમ નથી ત્યારે સરકારે સ્પેશ્યલ કેસમાં મંજૂરી આપી રેશનીંગની દુકાન લોકો સુધી પહોંચાડી દીધી છે. ત્યારે જીવન આવશ્યક ચીજવસ્તુઓ મળતાં ગ્રામજનોએ પ્રશાસનનો આભાર માન્યો હતો.

એક લાભાર્થીએ રાજીપો વ્યકત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાના કારણે લોકડાઉન જાહેર થતાં રોજગાર-ધંધા બંધ છે, તેમજ અમે બેટથી બહાર જઈ શકતા નથી. આવા સમયે સરકાર તરફથી બેટ સુધી જીવન જરૂરિયાતની ચીજો પહોંચાડવામાં આવી તે ખરેખર અમારા માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. હાલ દરેક જરૂરિયાતમંદ લોકોને આ ચીજવસ્તુઓ મળતાં અમે સૌ ખરા દિલથી સરકારનો આભાર માનીએ છીએ.

(11:41 am IST)