Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

બનાસકાંઠા-કચ્છમાં હળવા ભૂકંપનાં આંચકા

રાજકોટ તા. ર૧: બનાસકાંઠા જિલ્લામાં રવિવારે સવારે ધરા ધ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ૩.ર નો હળવો આંચકો બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અનુભવાયો હતો. રવિવારે રજાના દિવસે સવારે ૮:પ૩ કલાકે ધરા ધ્રુજી હોવાનું ગાંધીનગર સ્થિતિ સિસ્મોલોજી રિસર્ચ ઇન્સ્ટિટયુટે જણાવ્યું હતું. જો કે, ધરતીકંપનો હળવો આંચકો હોવાથી કોઇ ખુંવારીના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ઇન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીના મતે આંચકાની તીવ્રતા ૩.ર ની હતી અને તેનું કેન્દ્રબિંદુ ડીસા દાંતીવાડા વચ્ચે ડીસા તાલુકાના ભડથ અને કૂચવાડા પાસે હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ કચ્છમાં પણ ૧૧.રપના સમયે ર.૧ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. અગાઉ પણ જૂન મહિનામાં બનાસકાંઠામાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો તે વખતે રિકટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ૪.૩૪ની માપવામાં આવી હતી. બનાસકાંઠાની ધરતી ધ્રુજી હોવાની વાત વાયુવેગે પ્રસરી હતી. અને વિસ્તારમાં લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

(11:58 am IST)