Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

અમરેલી જિલ્લામાં રાત્રે ૮ થી ૧૦ સુધી નિર્ધારિત ક્ષેત્રમાં જ ફટાકડા ફોડી શકાશે

ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાંડોર

અમરેલી, તા.૨૧:સુપ્રિમ કોર્ટના આદેશ બાદ અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ.બી.પાંડોરે એક જાહેરનામા દ્વારા સમગ્ર અમરેલી જિલ્લામાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર જરૂરી નિયંત્રણ મુકેલ છે. જે મુજબ અમરેલી જિલ્લાવાસીઓ દિવાળીના તહેવારો દરમિયાન રાત્રે ૮ થી ૧૦ કલાક દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.

સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લુમ) થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને દ્યન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી, ફોડી કે વેચી શકાશે નહી. હાનીકારક ધ્વનિ રોકવા માટે માત્ર ભ્ચ્લ્બ્ સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર વાળા જ ફટાકડા વેચી કે વાપરી શકાશે. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો અને ધાર્મિક સ્થળની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તાર ને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહિ.

ઉપરાંત જિલ્લાના લોકોને અગવડ ઊભી ન થાય કોઇપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ શહેરો તથા ગામોની શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, એલ.પી.જી. બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો નજીક ફટાકડા ફોડી શકાશે નહી. કોઇપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ/આતશબાજ બલુન)નું ઉત્પાદન, વેચાણ પણ કરી શકાશે નહી. આ જાહેરનામાનો તા.૨૬-૧૦-૨૦૧૯ થી ૮-૧૧-૨૦૧૯ સુધી ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

(11:44 am IST)