Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

પવિત્ર શ્રાવણ માસમાં ધર્મની સાથે સમાજસેવાનું કેન્દ્ર બનેલું દાત્રાણાનું ગોપીનાથ મહાદેવ મંદિર

દરરોજ સવાર-સાંજ ભોળાનાથને અભિષેક માટે ઉમટી પડતા ભાવિકોઃ હરસુખભાઇ વઘાસિયાના માર્ગદર્શન હેઠળ મંદિરને રોશનીથી સુશોભિત કરાયું: આખો માસ બહેનો દ્વારા ધૂન-કિર્તન, સત્સંગ અને રાસ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજનઃ ફકત દાત્રાણા જ નહીં, આસપાસના ગામડાઓમાંથી પણ ઉમટી રહેલા શ્રધ્ધાળુઓ

જુનાગઢ તા.૨૧: લેઉવા પટેલ સમાજના સમુહલગ્ન માટે જાણીતા મેંદરડા તાલુકાના દાત્રાણા નવનિર્મિત ગોપીનાથ મહાદેવ મંદિર હાલ પવિત્ર શ્રાવણ માસમાં શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ધર્મની સાથે સમાજસેવાની પ્રવૃતિના માધ્યમ બનેલા આ મંદિર ખાતે દરરોજ શાસ્ત્રોકત વિધિ સાથે મહાદેવનું ષોડષોપચાર પુજન થઇ રહયું છે. સવાર-સાંજ મંદિરે દર્શન કરવા માટે શ્રધ્ધાળુઓની કતારો લાગે છે.

મહાત્મા ગાંધીજીના મોસાળ તરીકે ઓળખાતા પ્રગતિશીલ ગામ દાત્રાણા ખાતે તાજેતરમાં જ ગોપીનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરીને ભગવાન ભોળાનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. સોૈરાષ્ટ્રમાં દ્વારકા બાદ બીજા ગોપીનાથ મહાદેવ મંદિરે પ્રથમ શ્રાવણ માસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન બહેનો દ્વારા ધૂન-કિર્તન, સતસંગ અને રાસ સહિતના દરરોજ જુદા-જુદા કાર્યક્રમો ચાલી રહયા છે.

મંદિરમાં દરરોજ સવાર-સાંજ આરતી, મહાદેવજીને અભિષેક, પુષ્પોથી શણગાર કરવામાં આવે છે. તેમજ સોમવારે મહાપુજા યોજાય છે. ભગવાનના દર્શન માટે સેંકડો લોકો ઉમટી પડે છે. હરસુખભાઇના માર્ગદર્શન હેઠળ મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા આખા મંદિરને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છેે. જેને લઇને રાત્રિના સમયે મંદિર રોશનીથી ઝળહળી ઉઠે છે. ફકત દાત્રાણા જ નહીં, આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડે છે. રાષ્ટ્રીય તહેવાર ૧૫ મી ઓગષ્ટ અને ૨૬ મી જાન્યુઆરીના રોજ આ મંદિરે રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશભાવના વ્યકત કરવાનું પણ નક્કી કરાયું છે.

મંદિરના વ્યવસ્થાપન માટે હરસુખભાઇ વઘાસિયા, વેલજીભાઇ વઘાસિયા અને શંભુભાઇ કાપડીયાના માર્ગદર્શન હેઠળ સમિતીની રચના કરવામાં આવી છે. ભાઇઓની કમિટીમાં બચુભાઇ પટોળિયા, ધીરૂભાઇ ભાદરકા, પરસોત્તમભાઇ વઘાસિયા, મનુભાઇ પટોળિયા, કાળુભાઇ બરવાડિયા, જયંતિભાઇ પટોળિયા, ધનસુખભાઇ વઘાસિયા ગીરધરભાઇ બરવાડિયા, જયેશભાઇ રાણોલીયા, રવજીભાઇ વઘાસિયા, રામજીભાઇ વઘાસિયા, બાલુભાઇ વઘાસિયા, બાવનજીભાઇ વઘાસિયા, પરસોત્તમભાઇ વઘાસિયા, હરેશભાઇ વડાલિયા, સેવા આપી રહયા છે. જયારે બહેનોની કમિટીમાં સ્વ. જીણીબેન રાણોલિયાની પ્રેરણા સાથે મંજુલાબેન વઘાસિયા, શારદાબેન રાણોલિયા, મંજુલાબેન બરવાડિયા, વિનુભાઇ પાઘડાર, વજીબેન વઘાસિયા, લીલાબેન, રંજનબેન, લાભુબેન, ભાવનાબેન, ચેતનાબેન, વગેરે મહિલા સમિતિના સભ્યો ધાર્મિક કાર્યક્રમોની વ્યવસ્થા સંભાળી રહયા છે. મહેન્દ્રભાઇ વિદુરભાઇ ભટ્ટ મહાદેવજીના પુજારી તરીકે સેવા આપી રહયા છે. આસપાસના ગામોના તમામ ભાવિકોને મંદિરમાં દર્શન અને ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા અનુરોધ કરાયો છે.(૧.૨)

(12:05 pm IST)