Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

પંજાબ પછી વાયા કચ્છ-ગુજરાત બન્યુ ડ્રગ્સનુ લેન્ડીંગ પોઇન્ટઃ માંડવીના મસ્કા-લાયજાના દરિયામાં હેરોઇન ઉતારાતુ

ભુજ, તા.૨૧: રાજય એટીએસ દ્વારા ઝડપાયેલ હેરોઇન પ્રકરણમાં તપાસ દરમ્યાન ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે. હાલમાં ૩૦૦ કરોડનું ૧૦૦ કિલો હેરોઇન ઝડપાયા બાદ એટીએસ એક પછી એક કડીઓ શોધીને ઉજાગર કરી રહી છે તે સમગ્ર ગુજરાતને ખળભળાવી દે તેવી છે. ૨૦૦૯ થી અત્યાર સુધી માં કચ્છમા થી અને સૌરાષ્ટ્રમા થી જે કેફી દ્રવ્યો ઝડપાયા છે તે એમ સૂચવે છે કે હવે ગુજરાત ડ્રગ્સ નું લેન્ડીગ પોઇન્ટ બની રહ્યું છે.

પંજાબ સરહદ સીલ થઈ જતા આતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ હવે ખાસ કરીને વાયા કચ્છ થઈને ગુજરાત નો ડ્રગ્સ ના લેન્ડીગ માટે ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. દરમ્યાન એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા જામસલાયના અઝીઝ ભગાડ અને માંડવીના અઝીઝ સુમરાના રિમાન્ડ દરમ્યાન ચોંકાવનારી હકીકતો સામે આવી છે હેરોઇન નો જથ્થો માંડવીના દરિયા કિનારે આવેલ મસ્કા અને લાયજા ગામ ના દરિયામાં હોડી મારફતે ઉતારીને કિનારે લવાતો હતો. ત્યાંથી આ ડ્રગ્સ એસટી બસ દ્વારા યાત્રાધામ ના રૂટ ઉપર જતી હોય ત્યાં દ્વારકા જેવા સ્થળે મોકલાતું હતું.જોકે, આ બધી માહિતી જો અને તો જેવી છે પણ ૧૦૦ કિલો હેરોઇન ના હમણાં ઝડપાયેલ જથ્થા દરમ્યાન એ હકીકત સામે આવી છે કે આ ડ્રગ્સ મસ્કા નજીક દરિયા માં નાની હોડી માં ઉતારાયું હતું અને હોડી વાળા ને અંધારામાં રાખીને એમ કહેવાયું હતું કે વહાણ બગડી ગયું હોઇ દરિયામાં થી અમુક સામાન બહાર લઈ જવાનો છે.

ત્યારબાદ કાંઠે થી હેરોઇન પોતાની કાર માં લઈ જઈને અઝીઝ સુમરાએ ગઢશીશા ગામે ગોડાઉન માં છુપાવ્યું હતું. એટીએસે તે નાની હોડીવાળાની પૂછપરછ કરી અઝીઝ ની કાર તેમ જ ગઢશીશા ગોડાઉન ની તપાસ રિમાન્ડ દરમ્યાન અઝીઝ સુમરાને સાથે રાખીને કરી હતી. જુના બનાવોની વાત કરીએ તો ૨૦૦૯ માં કચ્છના કોરીક્રીક અને લાયજા વચ્ચે ચરસનો જથ્થો એટીએસ દ્વારા ઝડપાયો હતો.

આ સમયગાળામાં કચ્છ ના અબડાસા ના છછી ના દરિયાઈ વિસ્તારમાં કેફીદ્રવ્યો નો તરતો નધણીયાતો જથ્થો મળવાના કિસ્સા ચર્ચામાં રહ્યા હતા. ૨૦૧૫ માં જામસલાયમાંથી ૬૦૦ કરોડનું ૨૩૨ કિલો હેરોઇન ઝડપાયું હતું. આમ ભૂતકાળ ના બનાવોને જોડીને થઈ રહેલી તપાસ માં અનેક ચોકવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે હવે ડ્રગ્સના લેન્ડીગ ને અટકાવવવા ગુજરાતે કમર કસવી પડશે. તો, સલામતી લશ્કરી એજન્સીઓએ પણ સતર્ક બનવું પડશે. (૨૩.૩)

(12:01 pm IST)