Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

અમરેલી જીલ્લા પોલીસ વડા સામે પી.આઇ.ના આક્ષેપોથી પોલીસ બેડામાં ખળભળાટ

 અમરેલી, તા. ર૦ : અમરેલી શહેર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.જી. ગોસાઇએ શનિવારની રાત્રીના સીવિલ હોસ્પિટલમાં દાખલ થઇ તેમને જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે ઢોર માર માર્યો હોવાનો કથિત રીતે આક્ષેપ કરેલ હતો અને જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા એક વેપારીને રાજેન્દ્ર ધાખડા નામના શખ્સે માર મારવાના બનાવમાં સીટી પોલીસમાં આઇપીસી ૩ર૬ મુજબનો રાજેન્દ્ર ધાખડા સામે ગુન્હો નોંધાયેલ હતો અને તે કેસમાં આગોતરા જામીન મેળવી આરોપી હાજર થયેલ અને કોર્ટે રીમાન્ડ ના આપતા જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે તેમને માર માર્યો હોવાનું જણાવ્યું હતું.

પરંતુ આ અંગે જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે જણાવેલ હતું કે શહેર પોલીસમાં નોંધાયેલ ૩ર૬ ના ગુન્હાના આરોપી રાજેન્દ્ર ધાખડા નામના આરોપીના કેસના કાગળો પોતાએ સીટી પોલીસ જઇ ચેક કરતા તેમાં પીએસઆઇ એન.જી. ગોસાઇની બેદરકારી સામે આવી હતી અને જવાબદારીપૂર્વક તપાસ કરી ના હોવાનું જણાઇ આવેલ જેથી તેમને માત્ર ઠપકો આપેલ હતો અને પોતાની સામે કાર્યવાહી થશે તેવા ભયથી અને સસ્પેન્ડ થઇ જવાના બીકે માર માર્યો હોવાનું જણાવી સસ્પેન્ડથી બચવા આવું કર્યું હોવાનું જણાવેલ હતું.

અમરેલીની જિલ્લાની પ્રજાને ઘણા વર્ષો પછી એક કડક અને કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી તરીકે રાજયના ગૃહ વિભાગમાંથી નિર્લિપ્ત રાયની અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે લગભગ બે માસથી નિમણૂંક કરવામાં આવી છે અને જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય આવતા જ જિલ્લાના અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ લોકોને કાયદાઓનું ભાન કરવા કડક કામગીરી શરૂ કરી દીધેલ હતી તેમજ દારૂ, જગાર તેમજ રેતી માફીયાઓની સામે કડક કાર્યવાહી કરી શાન ઠેકાણે લાવી દીધેલ હતી અને અમરેલીની પ્રજાના વિશ્વાસમાં રહી કામ કરનાર નિર્લિપ્ત રાયની પ્રસંશનીય કામગીરીથી પ્રજામાં હીરો તરીકે છવાઇ ગયેલ છે.

ત્યારે તેમની આ કામગીરીથી તેમના જ પોલીસ ડીપાર્ટમેન્ટના અધિકારીઓને નિર્લિપ્ત રાય આંખના કણાની જેમ ખુંચવા લાગ્યા છે.

અમરેલી શહેર પોલીસના સીટી પીએસઆઇ એન.જી. ગોસાઇએ ગઇકાલે જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયએ તેમને ઢોર માર માર્યો હોવાનો કથિત રીતે આક્ષેપ કરી શનિવારની રાત્રીના સીવિલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ થતા સમગ્ર જિલ્લા તેમજ રાજયના પોલીસ બેડામાં ખળભળાટ મચેલ છે.

અમરેલી જિલ્લાની પ્રજાને નીડર અને બાહોશ એસપી મળ્યાની અનેરી ખુશી જોવા મળી રહી છે. અને તેમની પ્રસંશનીય કામથી સમગ્ર જિલ્લાની પ્રજા ખુશ છે ત્યારે તેમની ઉપર સીટી પીએસઆઇ એન.જી. ગોસાઇએ કથિત રીતે માર માર્યો હોવાનો ખોટી રીતે આક્ષેપ કરતા અને આ સમાચાર જિલ્લામાં અને રાજયમાં ફરી વળ્યા હતાં જેથી એસપી નિર્લિપ્ત રાયના સમર્થકો તેમના બંગલે દોડી ગયા હતાં અને પોતે પતેમની સાથે હોવાનું સમર્થન આપ્યું હતું. ત્યારે પીએસઆઇને માલુમ પડયું કે સમગ્ર પ્રજા એસ.પી. સાથે છે ત્યારે તેમણે એસપી સામે ફરીયાદ કરવાનું ટાળ્યું છે.

અમરેલી સીટી પોલીસના પીએસઆઇ એન.જી. ગોસાઇને એસપી નિર્લિપ્ત રાય એ સૂચના સાથે કહેલ હતું કે ૩ર૬ ના કેસના આરોપીને રીમાન્ડની જરૂર છે તેથી તેની સાથેના આરોપીઓ કોણ કોણ હતા અને બનાવ બાદ આરોપીને કોણે કોણે સાચવેલ છે તેથી તેની રીમાન્ડની માંગણી મંજુર થાય તેવા મુદા સાથે કાગળો રજૂ કરવા સૂચના આપેલ તેમ છતાં માત્ર રીમાન્ડની જરૂર છે તેવી અરજી સાથે કોર્ટમાં આરોપીને રજૂ કરેલ હતો અને જયારે કોર્ટના જ્જે પીએસઆઇને ત્રણ વખત પૂછયું કે આરોપીના રીમાન્ડની જરૂર છે ત્યારે પીએસઆઇ ગોસાઇએ કહેલ કે જરૂર નથી ત્યારે કોર્ટમાં મૌખિકમાં ના પાડી દેતા કોર્ટમાં બેસેલ વકીલો પણ આશ્ચર્યચકિત થયા હતા કે રીમાન્ડની માંગણી કરનાર પીએસઆઇ ખુદ જ જ્જને રીમાન્ડની ના પાડતા તેમની નૈતિક ફરજ તેમજ ઉપરી અધિકારીનો આદેશની અવગરના કરી હોવાનું સાબિત થાય છે એસ.પી. નિર્લિપ્ત રાય આરોપી રાજેન્દ્રધાખડાના આગોતરા જામીન સામે સોગંધનામુ પણ મૂકવા કહ્યું હતું પણ પીએસઆઇ તે પણ કર્યું ના હતું.

પીએસઆઇને મારમાર્યો હશે તો... ? ઇજા હોવાનું તબીબના સર્ટિફિકેટથી સાબિત તો થશે નેઃ નિર્લિપ્ત રાય

જો મેં પીએસઆઇ ગોસાઇને મારમાર્યો હશે તો તે અંગે પીએસઆઇનું ચેકઅપ કરનાર સીવિલ હોસ્પિટલના તબીબના ઇન્જર્ડ છે કે કેમ તે અંગેનું સર્ટિફીકેટ તો સાચુ બોલશેને તેમ જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું.

એસ.પી.એ જણાવ્યું હતું કે મેં પીએસઆઇને માર મારેલ નથી જો મેં માર માર્યો હશે તો પોલીસ સ્ટેશનમાં સીસી ટીવી કેમેરા છે જ તેમના ફૂટેજ દ્વારા માર મારેલ હશે તો સાબિત થઇ જશે...

(3:36 pm IST)