Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

મોરબી જીલ્લામાં પાંચમાંથી બે તાલુકા પંચાયત કોંગ્રેસે ગુમાવી

હળવદ અને માળીયામાં ભગવો લહેરાયોઃ વાંકાનેરમાં સત્તા યથાવત, પ્રમુખપદે ફાતુબેન સેરસીયાઃ મોરબી અને ટંકારા બિનહરીફ થઇઃ જીલ્લા સંગઠને અમારો કયારેય સંપર્ક કર્યો નથી- મોરબીના નવનિયુકત પ્રમુખ કિશોરભાઇ ચીખલીયાના ચાબખા

મોરબી, તા.૨૧: મોરબી જીલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું જોકે આજે થયેલી ચુંટણીઓમાં કોંગ્રેસે માળિયા અને હળવદ એમ બે તાલુકા પંચાયત ગુમાવી દીધી છે જયારે વાંકાનેર તાલુકા પંચાયત જાળવી રાખવામાં સફળતા મળી છે. જયારે મોરબી અને ટંકારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના હોદેદારો બિનહરીફ વિજેતા થયા હતા.

માળિયા તાલુકા પંચાયત કોંગ્રેસેને મોટો ઝટકો લાગ્યો હતો જેમાં માળિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના બે સદસ્યોએ ભાજપ તરફી મતદાન કર્યું હતું જયારે એક સદસ્ય ગેરહાજર રહેતા ભાજપનો ભગવો લહેરાયો હતો અને માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના વિજયાબેન રાઠોડ પ્રમુખ અને ઉપપ્રમુખ ધ્રુવકુમાર જાડેજા ચૂંટાયા હતા તો માળિયાની જેમ હળવદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના બે સભ્યોએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું હતું જેને પગલે ભાજપના પ્રમુખપદે ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ બળદેવભાઇ સોનાગ્રા ચુંટાયા હતા તો હળવદ તાલુકા પંચાયત કોંગ્રેસને ગુમાવવાનો વારો આવ્યો છે અને હળવદ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે.

જયારે વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા હોય જયાં સત્તા જાળવી રાખવામાં સફળતા મળી છે તાલુકા પંચાયતના ૨૪ માંથી સાત સદસ્યો આજે ગેરહાજર રહ્યા હતા અને બાકીના સદસ્યોએ મતદાન કરતા પ્રમુખ તરીકે કોંગ્રેસના ફાતુબેન શેરસીયા બન્યા પ્રમુખ, રામુબેન એરવાડીયા ઉપપ્રમુખ ચૂંટાયા હતા જયારે મોરબી અને ટંકારા તાલુકા પંચાયત બિનહરીફ થતા પાંચ તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસ પાસે ત્રણ બચી છે જયારે બેમાં ભાજપે સત્તા છીનવી લીધી છે. મોરબી તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે હંસરાજભાઇ પાંચોટિયા અને ઉપપ્રમુખ નાથાભાઇ ડાભી અને ટંકારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ મધુબેન સંઘાણી અને ઉપપ્રમુખ મંજુબેન ડાંગર બિનહરીફ ચૂંટાયા છે.

મોરબી જીલ્લા પંચાયતમાં સત્તાની ખેંચતાણ વચ્ચે પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા

મોરબી જીલ્લા પંચાયતમાં હોદેદાર કોણ બનશે તે લાંબા સસ્પેન્સનો અંત આવ્યો છે અને સત્તાની ખેંચતાણ અને ચરમસીમાએ પહોંચેલા જુથવાદ બાદ આખરે જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયા અને ઉપપ્રમુખ તરીકે ગુલામભાઈ પરાસરા ચૂંટાઈ આવ્યા છે.

મોરબી જીલ્લા પંચાયતની હાઈ વોલ્ટેજ ડ્રામા સમાન બની રહેલી ચુંટણી  જીલ્લા કલેકટર આર.જે.માકડિયા અને ડીડીઓ એસ.એમ.ખટાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી પોલીસ બંદોબસ્ત  વચ્ચે યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસને ભાજપ સાથે કોઈ ટક્કર ના હતી ૨૪ માંથી ૨૨ સદસ્યો સાથે કોંગ્રેસનો દબદબો છે જોકે પક્ષના બે દિગ્ગજ નેતા વચ્ચે ખુરશીની રેસ લાગી હતી પ્રમુખ તરીકે કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા અને મુકેશભાઈ ગામીએ દાવેદારી નોંધાવી હતી કોંગ્રેસ પક્ષ દ્વારા વ્હીપ આપવામાં આવ્યો હતો જોકે કોંગ્રેસના ૧૬ જેટલા સદસ્યોએ વ્હીપ સ્વીકારવા ઇનકાર કર્યો હતો ૨૪ માંથી ૨૨ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હોવા છતાં કોંગ્રેસના જુથવાદની ચરમસીમા જોવા મળી હતી અને પક્ષ દ્વારા મેન્ડેટ મુકેશભાઈ ગામીને આપવામાં આવ્યો હોવા છતાં કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાના જૂથ દ્વારા એકતરફી મતદાન કરતા કિશોરભાઈ ચીખલીયા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે જયારે ઉપપ્રમુખ તરીકે પક્ષ દ્વારા હસુભાઈ મુછડિયાને મેન્ડેટ આપવામાં આવ્યું હતું પરંતુ ઉપપ્રમુખ તરીકે ગુલામભાઈ પરાસરા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

જીલ્લાનું સંગઠન મનસ્વી રીતે કામ કરે છેઃ કિશોર ચીખલીયા

મોરબી જીલ્લા પંચાયતના નવનિયુકત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ વિજેતા બન્યા બાદ જીલ્લાના સંગઠનને આડેહાથ લીધું હતું અને જણાવ્યું હતું કે જીલ્લા સંગઠન કયારેય સદસ્યોનો સંપર્ક કરતુ નથી અને સાથે રાખતા નથી ચુંટણી પૂર્વે પણ એક સપ્તાહથી સંગઠન દ્વારા કોઈનો સંપર્ક કરવામાં આવ્યો નથી અને મનસ્વી રીતે સંગઠન કામ કરે છે

જોકે તેઓ કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં રહેવાના છે તેમ પણ અંતમાં ઉમેર્યું હતું.

(1:37 pm IST)