Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

મોરબી શહેર અને તાલુકામાં ગેસ આધારિત સ્મશાનગૃહો માટે ગ્રાન્ટ ફાળવવા માંગ

પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મોરબી શહેર-તાલુકામાં ગેસ આધારીત સ્મશાન ગૃહો માટે ગ્રાન્ટ ફાળવવાની માંગ સાથે પૂર્વ ધારાસભ્ય કાંતીભાઇ અમૃતિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરી છે.
પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ કરેલ રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરમાં હાલ લીલાપર રોડ પર તથા શહેરના સામાંકાંઠે વેજીટેબલ રોડ પર એમ બે ગેસ આધારીત સ્મશાનો કાર્યરત છે. મોરબીની દિનપ્રતિદિન વધતી જતી વસ્તીને લઈને મૃતકોના અંતીમ સંસ્કાર કરવા માટે લાંબુ વેઇટીંગ રહે છે. સાથોસાથ મોરબીની બાજુમાંથી જ પસાર થતા નેશનલ હાઈવે પર 1000 થી વધારે સીરામીક ઉદ્યોગો આવેલા હોવાથી શ્રમીકોની પણ ખુબ મોટી વસ્તી સ્થાયી થઈ છે.
મોરબીના સીરામીક ઉદ્યોગને ઓઘોગીક હેતુ માટે તથા મોરબી શહેરમાં ઘર વપરાશ માટે ગુજરાત ગેસ લિ. દ્વારા ગેસ સપ્લાય પાઇપ લાઇન દ્વારા કરવામાં આવે છે. આ બાબતના અનુસંધાનમાં મોરબી શહેરમાં કાર્યરત ગેસ આધારીત બે ભઠ્ઠી ઉપરાંત એ જ કેમ્પસમાં વધારાની બે તથા મોરબી શહેરનો જ વિસ્તાર માધાપર ગામમાં ગેસ આધારીત નવી સ્મશાન ભઠ્ઠી બનાવવા ઉપરાંત મોરબી તાલુકાના ખૂબ મોટા ગામો ત્રાજપર, મહેન્દ્રનગર, લાલપર, પીપળી અને રંગપર ગામોમાં ગેસ આધારીત સ્મશાન ગૃહ બનાવવા ખાસ કિસ્સામાં ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ મુખ્યમંત્રી, નાયબ મૃખ્યમંત્રી, પ્રભારી મંત્રી તથા કલેકટરને કરી છે.

(10:42 pm IST)