Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

વાવાઝોડામાં બંધ થયેલા અમરેલી જિલ્લાના ૩૩૧ રસ્તાઓ ફક્ત ગણતરીના દિવસોમાં ૧૦૦% પુનઃ કાર્યરત : જિલ્લામાં ૨૬ જેટલી ટીમોએ રાત-દિવસ એક કરી રસ્તાઓ ખોલ્યા

અમરેલી, તા. ૨૧ : અમરેલી જિલ્લામાં તાઉ'તે વાવાઝોડાના લીધે જિલ્લાના કુલ ૩૩૧ રસ્તાઓ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા કે અન્ય કારણોસર બંધ હાલતમાં હતા જે માત્ર ગણતરીના દિવસોમાં ૧૦૦% ફરી કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક જણાવે છે કે સમગ્ર અમરેલી જિલ્લામાં રોડ રસ્તાની બાબતમાં વાવાઝોડાથી મોટાપાયે નુકસાન થવા પામ્યું હતું. પરંતુ વાવાઝોડાના માત્ર ગણતરીના દિવસોમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં કુલ મળીને ૩૩૧ જેટલા રસ્તા પૈકી તમામે તમામ રસ્તાઓ પુનઃ શરુ કરી દેવામાં આવ્યા છે.

તંત્રના વિવિધ વિભાગોની કામગીરી બિરદાવતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે તંત્ર અધિકારીઓએ કામની અગત્યતા સમજી વાવાઝોડા ગયાને બીજી જ કલાકે યુદ્ધના ધોરણે રોડ રસ્તાના ક્લિયરિંગનું કામ આરંભી દેવામાં આવ્યું હતું. પરિણામે પહેલા બે દિવસમાં કુલ રસ્તાઓના ૮૫ % જેટલા રસ્તાઓ ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા. અને ફક્ત ત્રણ જ દિવસમાં સંપુર્ણપણે આટોપી લેવામા આવ્યું હતું જે ખરેખર પ્રશંસનીય છે. આ કામ માટે સમગ્ર જિલ્લામાં કુલ ૨૬ જેટલી ટીમોએ જેસીબી તેમજ અન્ય સંસાધનો સાથે રાત દિવસ એક કરીને કામ કર્યું હતું.

સુમિત ગોહીલ

(6:12 pm IST)