Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

૧૯૯૮નાં કંડલા વાવાઝોડામાં કચ્છ-કિસાન સંઘે ૧૦ 'દિમાં જ અડધો લાખ વિજ થાંભલા - ટ્રાન્સફોર્મર ઉભા કરી દીધા'તા

કેશુભાઇ પટેલે મંજુરી આપતા જ કામગીરી શરૂ કરાઇને કચ્છમાં અજવાળા પથરાયા

૧૯૯૮ના વાવાઝોડામાં પડી ગયેલા વીજથાંભલા ઊભા કરતા ગ્રામ્ય કાર્યકર્તા સાથે કચ્છ કિસાન સંઘના તત્કાલીન જિલ્લા પ્રમુખ વેલજીભાઇ ભુડિયા, લાલજી વાગડિયા, ગોવિંદભાઇ વાગડિયા, શિવજી પિંડોરિયા, હીરજીભાઇ વેલાણી, સામજીભાઇ કેસરા, કેશુભાઇ ઠાકરાણી કમગીરીના જાતે દોર સંભાળી રહ્યાની ફાઇલ તસવીર.

ભુજ તા. ર૧: 'તોકતે'ના મહાભયાનક ચક્રવાતે ગુજરાત તથા અન્ય પડોશી રાજયોમાં મહા તબાહી મચાવી, હજારો વીજ થાંભલા જમીનદોસ્ત થતાં વીજપુરવઠો પ્રસ્થાપિત કરવાનો પડકાર સર્જાયો હતો. આ કામમાં ૧૯૯૮ ના કંડલા વાવાઝોડાનો અનુભવ ગુજરાતને કામ લાગે તેવો છે.

૯મી જૂન ૧૯૯૮ના વાવાઝોડાથી કચ્છ આખામાં અંધારપટ છવાઇ ગયો. વીજળીની મુખ્ય લાઇન તથા સબ લાઇનો પણ ભોગ બની હતી. પ૦ હજાર જેટલા વીજ થાંભલા અને અનેક ટ્રાન્સફોર્મર (ટી.સી.) પણ ધ્વંસ થયા હતા. રોજેરોજ ગુજરાત વિદ્યુત બોર્ડ (જી.ઇ.બી., આજનું પી.જી.વી.સી.એલ.) સામે જે કિસાનો રોજેરોજ વીજલોડ વધારવા, મીટર પ્રથા નાબુદ કરવા, નવા વીજ કનેકશન આપવા બાયો ચડાવતા હતા.

ભારતીય કિસાન સંઘ, કચ્છને થયું કે આ લાઇટ સમયસર નહીં મળે તો આ વોટર પમ્પો, વોટર સપ્લાય કેમ ચાલુ થશે, પાણી વિના આ લાખો અબોલ જીવોનું શું થશે? તેવા વિચાર સાથે કિસાન સંઘના તત્કાલીન પ્રમુખ વેલજીભાઇ ભુડિયા, લાલજી વેલજી વાગડિયા, ગોવિંદભાઇ વાગડિયા, શિવજી કાનજી પિંડોરિયા વગેરેએ જી.ઇ.બી. ભુજમાં જઇને મુખ્ય અધિકારીને વાત કરી. રાત્રે નવ વાગ્યે ઓફિસમાં મળ્યા, અધિકારીને વાત કરી કે સાહેબ, થાંભલા આપો, ઉભા કરી લઇએ. સમગ્ર કચ્છનો કિસાન સંઘ તમારી સાથે છે. સરકાર થાંભલા આપે તો થાય. તો કિસાન સંઘના અગ્રણીઓએ કહ્યું સરકારમાં અમે રજુઆત કરીએ.

જી.ઇ.બી.ની તે વખતની કંગાળ પરિસ્થિતિથી સુપેરે વાકેફ એવા કિસાનોને મનમાં એક જ પ્રશ્ન હતો-થાંભલા નહીં મળે તો પશુઓ લાઇટ વગર-પાણી વગર પારાવાર મુશ્કેલીમાં મુકાશે. કાલે ફરી પાછા મુખ્યમંત્રી કંડલા વાવાઝોડાની પરિસ્થિતિ માટે આવવાના છે તે ખબર પડતાં ફરી બીજા દિવસે આ કિસાનો મુખ્યમંત્રીને મળવા પહોંચી ગયા.

કલાકો રાહ જોયા પછી મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધીરૂભાઇ શાહ સાથે મુલાકાત થઇ અને વાત કરી, જો સરકાર થાંભલા અને અન્ય મટીરીયલ આપે તો કિસાન સંઘ તૈયાર છે. અમે કયાંય કોઇ કાગળમાં સહી નહીં કરીએ પણ કામ તાત્કાલિક કરી આપીશું. કેશુબાપાએ તરત હા પાડી, થાંભલા પૂરા પાડવાની પણ બાંહેધરી આપી. સ્થાનિક સ્તરે સુરેશભાઇ મહેતા, સ્વ. ધીરૂભાઇ શાહ, તારાચંદભાઇ છેડા, મુકેશભાઇ ઝવેરી, તે વખતના જિલ્લા કલેકટર, જી.ઇ.બી.ના અધિકારીઓ વગેરેનું કિસાનોની સાથે સંકલન અને માર્ગદર્શન મળ્યા. તે સમયે સરકાર સાથે સંકલનમાં રહેવા માટે કિસાન સંઘને ફોન પણ ચાલુ કરી આપ્યો.

બીજા જ દિવસે ભારતીય કિસાન સંઘની તાલુકા તથા ગ્રામ્ય સમિતિઓએ કામ ઉપાડી લીધું, એક જ દિવસમાં ર૭ કિલોમીટરની લાઇન ઉભી કરી નાખી. ભારતીય કિસાન સંઘના ગામેગામના કાર્યકરો યુદ્ધના ધોરણે પોતાના ટ્રેકટરો, જે.સી.બી., હથોડો, પાના-પકડ લઇને મંડી પડયા. આવા કપરા સમયે કિસાનોએ લાઇટ પહોંચાડવાની પ્રાથમિકતા આર્મી, શહેરી વિસ્તારના વોટર સપ્લાયના પમ્પોને આપી. જેથી પીવા માટેના પાણી જીવતા જીવો માટે પહોંચી શકે. ભચાઉથી કંડલા, અંજાર, મુંદરા, ભુજ, માંડવીની મુખ્ય લાઇનો ઉભી કરી. જયાં ટ્રેકટરથી ન પહોંચી શકે ત્યાં ખેડૂતોએ ખભે થાંભલા ઉપાડીને પહોંચાડયા.

કચ્છની કિસાન સેનાએ માત્ર ૧૦ જ દિવસમાં તનતોડ મહેનત કરીને વાવાઝોડામાં પડી ગયેલા પ૦,૦૦૦ વીજ થાંભલા અને અનેક ટ્રાન્સફોર્મર ઊભા કરી દીધા. તે સમયે પણ મજબુત નેતૃત્વ સાથે ભારતીય કિસાન સંઘ કચ્છમાં દોઢ લાખ સભ્યો જોડાયેલા હતા.

પ્રદેશ કિસાન સંઘ, રાજય સરકાર, કલેકટર સહિતનાએ અભિનંદન પાઠવ્યા હતા.

(2:47 pm IST)