Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોરોના-આરોગ્ય સેવા માટે રૂ. દોઢ કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ ફાળવી

મોરબી સરકારી હોસ્પિટલ માટે ICU ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ પણ આ ગ્રાન્ટમાંથી ખરીદાશે

મોરબી : મોરબી – માળીયા (મીં.)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી પંથકની જે-તે વખતની કોરોના મહામારી વખતે દર્દીઓને ઉપયોગી થવાય તે હેતુસર રૂ. ૨૫ લાખની પોતાની ગ્રાન્ટ તા. ૦૮.૦૪.૨૦૨૧ ના પત્રથી ફાળવેલી ત્યારબાદ વધુ રૂ. ૨૫ લાખ પણ આ હેતુ માટે તા. ૧૩.૦૫.૨૦૨૧ના પત્રથી ફાળવેલી. હવે જ્યારે કોરોનાનું સંક્રમણ ઘટી ગયું છે પરંતુ ન કરે નારાયણ અને જો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેને પંહોચી વળવા અને તેમાં પણ ખાસ કરીને બાળકો કોરોના સંક્રમણનો વધુ ભોગ બનશે એવી દહેશત સેવાઈ રહી છે.

 આ બધી સ્થિતિ જોતાં ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી બાકી રહેતી રૂ. ૧ કરોડની ગ્રાન્ટ પણ આરોગ્ય હેતુ માટે કલેક્ટરને હવાલે મૂકી છે. જેમાથી મોરબી સિવિલ હોસ્પીટલ માટે ખાસ આઈ.સી.યુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ પણ ખરીદાશે. જેથી, ગંભીર દર્દીઓને રાજકોટ, જામનગર કે અમદાવાદ રિફર કરવાના થાય ત્યારે આવી ઓક્સિજન અને આઈ.સી.યુ.ની સુવિધા સાથેની એમ્બ્યુલન્સની મોરબીના દર્દીઓના હિતમાં ખાસ જરૂર જણાતા ગ્રાન્ટ ફાળવી છે. તેમજ મોરબી સિવિલ હોસ્પીટલમાં બાળકો માટે પાંચ વેન્ટિલેટર, લિક્વિડ ઓક્સિજન ટેન્ક, ડ્યુરા ઓક્સિજન સિલિન્ડર (લિક્વિડ ઓક્સિજન સિલિન્ડર) ૧૦ નંગ, જમ્બો ડી ટાઈપ ઓક્સિજન સિલિન્ડર નંગ ૧૦૦ પણ આ ગ્રાન્ટમાંથી લેવામાં આવશે.

વધુમાં, મોરબી – માળીયા (મીં.)ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન કન્સેનટ્રેટર, જેતપર – મચ્છુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે એમ્બ્યુલન્સ તેમજ માળીયા (મીં) ખાતે ઓક્સિજન પ્લાન્ટ, માળીયા (મીં) હોસ્પિટલ માટે એમ્બ્યુલન્સ તેમજ મોરબી ખાતે આવેલ સરકારી હોસ્પિટલ, માળીયા (મીં.) ખાતે સરકારી હોસ્પિટલ, જેતપર – મચ્છુ ખાતેનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ મોરબી તાલુકાનાં ભરતનગર અને રંગપર તેમજ માળીયા (મીં) તાલુકાનાં વાવાણિયા, સરવડ, ખાખરેચી આરોગ્ય પ્રાથમિક કેન્દ્રોમાં પણ આવા સિલિન્ડરો, મિનિ એમ્બ્યુલન્સ કે અન્ય આરોગ્ય આનુશાંગિક સેવાઓ માટે આ ગ્રાન્ટ ફાળવી છે.

આમ, મોરબી – માળીયા (મીં) વિસ્તારનો આરોગ્યપ્રદ સેવાના હેતુ માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પોતાની ધારાસભ્ય તરીકેની દોઢ કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ ફાળવી હોવાનું યાદીમાં જણાવ્યું છે.

(1:16 pm IST)