Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

અમરેલી જીલ્લામાં વાવાઝોડાએ ૪પનો ભોગ લીધાની આશંકા

અનેક પશુ-પક્ષીઓના મોતઃ કાચા મકાનો તૂટી પડયાઃ વૃક્ષો થાંભલા ધરાશાયી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૧ : વાવાઝોડુ વીત્યાના ૩૬ કલાક બાદ અમરેલી જિલ્લામાં હવે ભયાવહ ચિત્રો સામે આવી રહયા છે. ૧૭પ કિ.મી.ની ઝડપે ફુકાયેલા વાવાઝોડાએ જિલ્લામાં ૪પ લોકોનો ભોગ લીધો  છે તો હજારો મકાનોને મોટુ નુકસાન થયુ છે. જયારે સાવરકુંડલાના આંબરડી ગામે રોહિત લાલજીભાઇ માલાણીની વાડીએ રહેતા મજુરોમાં ૩ બાળકો, એક મહિલા એક પુરૂષ વાડીની ઓરડીમાં દબાઇ જતા પર પ્રાંતિય પાંચેય મજુરોના મૃત્યુ થયા છે. દબાયેલા લોકોને કાટમાળ ખસેડી મૃતકોને ૬ કલાકની જહેમત બાદ બહાર કાઢયા હતા. પ્રાંત અધિકારી મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે મુલાકાતે પહોંચી હતી.

મોટી સંખ્યામાં લોકો લાપતા હોવાનું અનુમાન છે તો મોટી સંખ્યામાં પોપટ, ચકલીઓ, મોર જેવા અસંખ્ય પક્ષીઓ તેમજ બકરા, ગાય ભેંસ જેવા પશુઓના મોત નીપજયા છે. સરકાર ઝીરો કેઝયુઆલીટીનો દાવો કરતી રહી છે પણ એની તૈ્યારી અમરેલી જિલ્લામાં ટુંકુી પડી  હોવાનું જણાઇ રહયુ છે. જીલ્લા તંત્રએ વાવાઝોડા પુર્વે તમામ આયોજનો કર્યા હતા. કાચા અને જોખમી મકાનોમાં રહેતા કેટલાક લોકોને સલામત સ્થળે ખસેડી શકાયા હતા. તેમ છતાં વિકરાળ વાવાઝોડાનું ગંભીર પરિણામ સામે આવી રહયુ છે. વાવાઝોડાને કારણે અમરેલી જિલ્લામાં ૪પ લોકોના મોત થયાનું મનાઇ રહયુ છે. આંબરડી અને કૃષ્ણગઢ ગામે પ૦ બકરાઓના મોત થયા છે.

સાવરકુંડલાના આંબરડી ગામે ખેડુતોના ગોડાઉનમાં ભરેલા કપાસ, મગફળી ગોડાઉન ધરાશયી થયા છે ઓઇલમીલોને પણ તેજ પવન ઉખાડી નાખી હતી. સાવરકુંડલા આંબરડી જ ગામની જો વાત કરીએ તો અંદાજે ૧૦ કરોડની વધુનુ નુકસાન થયાનું નકારી શકાય તેમ નથી. આ તમામ કામગીરીની ૩૬ કલાક દરમિયાન જીલ્લાના સહકારી અગ્રણી દિપક માલાણી, સરપંચ બાબુભાઇ માલાણી, પત્રકાર સુભાષ સોલંકી, જયસુખભાઇ કસવાળા, જી.પં. સદસ્ય શરદભાઇ ગૌદાની દિનેશ માલાણી, અરવિંદભાઇ માલાણી, ગીરધરભાઇ પાંચાણી, રોહિત માલાણી, આરોગ્ય સ્ટાફ સહિતના સ્થાનિક લોકો ખડે પગે રહયા હતા.

(1:04 pm IST)