Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

હળવદ પંથકમાં મીઠું પકવતા અગરિયાઓ માટે વાવાઝોડું બન્યુ વેરી

મીઠાના અગરોમાં પાણી ભરાતા લાખોનું નુકશાન રસોઇનો સ્વાદ વધારતા મીઠા ઉત્પાદકોની જિંદગી બનો બેસ્વાદ

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૨૧: હળવદ વિસ્તારમાં અગરમાં મીઠું પકવતા અગરિયાઓની હાલત ખારી બની ગઈ છે. રસોઈમાં સ્વાદ વધારવા ઉપયોગમાં લેવાતા મીઠાના અગરિયાઓની જીંદગી વાવાઝોડાએ બેસ્વાદ કરી નાંખી છે. ખાસ કરીને ઘાટીલાના રણમાં, જોગડ, ટીકર, તેમજ પાટડી તાલુકા ના ખારાઘોડા અને માળિયા (મી) તાલુકા સહિતના વિસ્તારોમાં મીઠું પકવતા અગરિયાઓના મીઠાના પાટામાં વરસાદી પાણી ફરી વળતા શ્રમિકોની કાળી મજૂરી અને વહાવેલાં પરસેવા પર પણ પણી ફરી વળ્યું છે. આ ઉપરાંત મીઠું બહાર લઈ જવા ના માર્ગો પર પણ પાણી ફરી વળ્યું હોવા થી મીઠું બહાર લઈ જવું પણ અશકય બન્યું છે.

વાવાઝોડાથી થયેલ નુકશાન અંગે અગરિયા અગ્રણી મહેશભાઈ કુડેજા જણાવે છે કે,મોટેભાગે અગરિયાઓ મીઠાના ઉત્પાદન માટે હોલસેલ વેપારીઓ પાસેથી ધિરાણ લેતા હોય છે. આ ધિરાણનો ઉપયોગ દરિયામાંથી પાણી સિંચવા માટે વપરાતા ડીઝલ એન્જીન અને તેમાં વપરાતા ડીઝલ માટે તથા મજૂરોની દહાડી ચૂકવવા માટે કરતા હોય છે. ત્યારે હાલમાં વાવાઝોડાને લઈને મીઠાના અગરોમાં પાણી ફરી વળતા અને અગરો સુધી પહોંચવાના રસ્તાઓ પર કાદવ કીચડ છવાઈ જતા અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ તમામ વિસ્તારોમાં અંદાજે ૮૦૦થી વધુ અગરિયાઓ પોતાના પરિવારજનો સાથે રાત દિવસ જોયાવીના કાળી મજૂરી કરતા હોય છે ત્યારે હાલની પરિસ્થિતિમાં માલનું નુકશાન અને સાથોસાથ ધિરાણ પરત ચુકવવાની ચિંતા અગરિયાઓને સતાવી રહી છે.

મીઠું પકવતા અગરિયાઓ અને શ્રમિકો આમ પણ ચોમાસાના દિવસો દરમ્યાન બેકાર બની જતા હોય છે ત્યારે હવે આવનારા ચોમાસાને લઈને પણ મીઠા ઉદ્યોગ સાથે સંકળયેલા હજારો લોકો ચિંતિત બન્યા છે. હાલમાં અગરમાં ઘુસેલા પાણી ચોમાસા પૂર્વે સુકાય એવી કોઈ શકયતા ન હોય અગરિયાઓ અને શ્રમિકો સરકાર તરફ મદદની આશ લગાવીને બેઠા છે. શ્રમિકોની માંગણી છે કે આ વિસ્તારનો સર્વે કરવામાં આવે અને નુકશાનીનો અંદાજ લગાવી તંત્ર આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની વ્હારે આવે.

(12:15 pm IST)