Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

ઉના પંથકમાં વાવાઝોડાથી સ્થળાંતર થયેલાઓને કેશ ડોલ્સ ચુકવવાની વિજયભાઇની જાહેરાતને આવકાર

(નવીન જોશી, નિરવ ગઢિયા દ્વારા) ઉના તા. ર૧: ઉના પંથકમાં વાવાઝોડાથી ખેડુતો, માછીમારો સહિત લોકોને થયેલી મોટી નુકશાની થયેલ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉનાના અસરગ્રસ્ત ગામોની ગઇકાલે મુલાકાત લઇને વાવાઝોડાને કારણે સ્થળાંતર થયેલ લોકોને કેશડોલ્સ ચુકવવાની કરેલી જાહેરાતને લોકોએ આવકારેલ છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉના તાલુકાના વાવાઝોડા અસરગ્રસ્ત ગામોની જાત-મુલાકાત લઇને થયેલા નુકસાન અને ગામની સ્થિતિની માહિતી મેળવી હતી અને તેઓએ જણાવાયું હતું કે ગણતરીના કલાકોમાં જ વીજળી, પાણી, રોડ-રસ્તા શરૂ થઇ જશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વાવાઝોડું પસાર થયાના ગણતરીના કલાકોમાં જ વીજળી, પાણી, રોડ-રસ્તા વગેરેની પરિસ્થિતિ પૂર્વવત કરવા રાજય સરકારનું તંત્ર સતત પરિશ્રમરત થયું છે અને સમગ્ર પરિસ્થિતિને થાળે પાડવાના આયોજનબદ્ધ પ્રયાસો શરૂ થયા છે.

મુખ્યમંત્રી રૂપાણી વાવાઝોડાને કારણે સ્થળાંતર થયેલાઓને આજથી કેશડોલ ચુકવવાની પણ જાહેરાત કરી હતી જેમાં પુખ્ત વયની વ્યકિતને ૧૦૦ રૂપિયા અને બાળકોને ૬૦ રૂપિયા પ્રતિ દિવસ ચૂકવવામાં આવશે આગામી દિવસોમાં વહેલી તકે વીજ પુરવઠો મોબાઇલ ટાવર રસ્તાઓ તમામ શરૂ થઇ જશે તેવું મુખ્યમંત્રી દ્વારા જણાવાયું હતું.

(12:13 pm IST)