Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

હળવદ પંથકમાં ૩૦૦ જેટલા વીજ થાંભલા ધરાશાયી

હળવદ તા. ૨૧ : મોરબી જિલ્લામાં વાવાઝોડાએ પીજીવીસીએલને ભારે નુકશાન પહોંચાડ્યું છે ત્યારે હળવદ પંથકમાં ખેતીવાડી વિસ્તારમાં ૩૦૦ જેટલા વીજપોલ ધરાશયી કરી નાખતા કુલ ૨૧૧માંથી જે જે ફીડર બંધ હતા તેને વીજ પુરવઠો પૂર્વવત કરવા વીજતંત્ર અને કોન્ટ્રાકટરની ટિમો યુદ્ઘના ધોરણે કામગીરીમાં લાગ્યું છે.

હળવદમાં વાવાઝોડાની અસરને પગલે પવન અને વરસાદના કારણે વીજ પુરવઠા પર પણ ભારે અસર થઇ હતી. છેલ્લા બે દિવસમાં અનેક ગામોમાં વીજળી બંધ થવાના પ્રશ્નો સામે આવ્યા હતા. જો કે પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા સતત મહેનત કરી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો. જો કે તાલુકાના ઘણા વાડી વિસ્તારોના ફિડરો બંધ હતા તેનો વીજ પુરવઠો પહોંચાડવાની કામગીરી લગભગ પૂર્ણતાના આરે છે

હળવદ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર એ.આર.કોરડીયાએ જણાવ્યું હતું કે વરસાદ અને ભારે પવનને કારણે ઘણા બધા ફિડરો ફોલ્ટમાં ગયા હતા. જેને પુનૅં ચાલુ કરવા અમારી ટીમ સતત મહેનત કરી રહી છે. હળવદ ડિવિઝન હેઠળ ૪ સબ ડિવિઝન છે. જેમાં મુળી તાલુકાના સરા સબ ડિવિઝનના ૨૮ ગામો તેમજ હળવદ શહેર, હળવદ ગ્રામ્ય અને ચરાડવા સબ ડિવિઝન હેઠળ ૭૦ ગામો મળી કુલ ૯૪ જેટલા ગામો આવેલા છે. જો કે હાલ આ તમામ ગામોમાં વિજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે. હાલ વાડી વિસ્તારના ૨૧૧ ફિડરો છે, જે ૩૦૦ જેટલા વીજપોલ પડી જવાને કારણે ૧૦૮ જેટલા ફીડર બંધ હતા, જેને ચાલુ કરવા માટે પીજીવીસીએલની ૨૦ ટીમ અને કોન્ટ્રાકટરની ૧૨ ટીમ મળી કુલ ૩૨ ટીમો હાલ સતત મહેનત કરી રહી છે. તેથી, વાડી વિસ્તારનો પણ વીજ પુરવઠો પણ લગભગ ચાલુ થઇ ગયો છે. આ કામગીરીને સૌ કોઈ એ વખાણી છે.

(12:09 pm IST)