Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

વાવાઝોડા દરમ્યાન કચ્છમાં વીજ કર્મીઓની વીજળી જેવી ઝડપી કામગીરી- ૧૯૦ ગામો અને ખેતીના ૩૬૬ ફીડર, ૧૪૧ થાંભલાઓને યથાવત કર્યા

ભારે પવનથી ખોરવાયેલા વીજ પુરવઠાને બે દિવસમાં પૂર્વવત કરાયો

 ભુજ :  તારીખ ૧૭ થી ૨૦ દરમિયાન રાજ્ય પર ત્રાટકેલા વાવાઝોડાની અસર હેઠળ ફૂંકાયેલા ભારે પવનના કારણે કચ્છ જિલ્લામાં પણ ૧૭મી તારીખે ઠેકઠેકાણે વીજપુરવઠો ખોરવાયો હતો અને  સાધનિકતાંત્રિક   ક્ષતિઓ પહોંચી હતી. કચ્છના ૧૯૦ ગામોમાં  ઘરની વીજળી જતા તત્કાલ મોડી રાત્રે જ ૯૮ જેટલા ગામોની રહેણાંક વીજળી પૂર્વવત્ કરી દેવામાં આવી હતી. મોડી રાત્રે જ પી.જી.વી.સી.એલ દ્વારા રહેણાંકના ૪૪ ફીડર  પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા હતા. ખેતીવાડીના ૩૬૬ ક્ષતિગ્રસ્ત ફિડરો પણ યુદ્ધના ધોરણે વીજતંત્રની ટીમોએ સમારકામ કરી પૂર્વવત કરી દીધા છે. પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઇજનેરએ.એસ.ગુરવા જણાવે છે કે તાઉ’તે વાવાઝોડાના ભારે પવનથી કચ્છના ૧૯૦ ગામોમાં અંધારપટ છવાયો હતો જેમાંથી ૯૮ ગામોમાં તત્કાળ પૂર્વ તૈયાર કરેલી ટીમે વિજળી શરૂ કરી દીધી હતી. વાવાઝોડાથી ખેતીના ૩૬૬ ફિડરો , ૧૪૧ થાંભલાઓ અને પાંચ ટ્રાન્સફોર્મરો ક્ષતિગ્રસ્ત થયા હતા જેને વીજકર્મીઓએ બે દિવસમાં જ યુદ્ધના ધોરણે પૂર્વવત કરી દીધા છે .કચ્છમાં અંજાર સર્કલ અને ભુજ સર્કલની વીજ કચેરીઓને પણ ભારે અસર થઇ હતી.અમારી ટીમે ભારે મહેનતથી પરિસ્થિતિઓને પૂર્વ વત કરી લીધી છે .વહીવટી તંત્રની સુચના અને અમારી પૂર્વ તૈયારી અને વીજળી કર્મીઓની મહેનતથી અમે આ ઝડપભેર કરી શક્યા છીએ .ભુજ સર્કલના ડેપ્યુટી ઈજનેર જીગીષાબેન વ્યાસ કહે છે કે ભુજ સર્કલમાં થયેલી ક્ષતિમાં વીજ કર્મીઓએ મહેનત દેખાડી છે જ્યારે ભુજ સર્કલ પી.જી.વી.સી.એલ.નખત્રાણા ડિવિઝનના  ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ કે. એન. કણજરીયા કહે છે કે,’ વાવાઝોડામા પવને વીજ્તંત્રની કામગીરીને અસ્તવ્યસ્ત કરી દીધી હતી .અમારા ઘરમાં પણ અંધારું હતું મારા જેવા ઘણા કર્મચારીઓના ત્યાં અંધારું હતું પણ અમે લોકોએ સૌથી પહેલી પ્રાયોરિટી અમારા કામ ને આપી કારણકે અમારી જેમ દરેક ના ઘરમાં સાથે જ  અજવાળું થાય.

(7:05 pm IST)