Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

પડધરીમાંથી ર વર્ષની પરપ્રાંતીય બાળાને કોઇ અજાણ્‍યો શખ્‍સ ઉપાડી ગયો...

ન્‍યારામાં રહેતા પરપ્રાંતીય પરિવાર પડધરી ગુજરી બજારમાં આવ્‍યો'તોને રમીલા (ઉ.વ. ર) ગૂમ થયા બાદ મળી ન આવતા અપહરણ થયાનું ખુલ્‍યું

રાજકોટ, તા., ર૦: પડધરીમાંથી ગઇકાલે બપોરે પરપ્રાંતીય  બાળા ગૂમ થયા બાદ મોડી રાત સુધી મળી ન આવતા પોલીસે અપહરણ થયાનું માની અજાણ્‍યા શખ્‍સ સામે ગુન્‍હો દાખલ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ પડધરીના ન્‍યારા ગામે ઓડાભાઇ કરશનભાઇ ભુતની વાડીએ રહી મજુરી કામ કરતા પોપટ બીજીયાભાઇ ડામોર(રહે. મૂળ ગામ ભુવેરા, તા. ધાનપુર, જી. દાહોદ) તથા તેનો પરિવાર ગઇકાલે બપોરે પડધરીમાં ભરાતી સોમવારી ગુજરી બજારમાં આવ્‍યો હતો એ દરમિયાન આ પરિવાર સાથે રહેલ બે વર્ષની બાળકી રમીલાને કઇ અજાણ્‍યો શખ્‍સ ઉપાડી જતા પરિવારજનો હાફડા ફાફડા થઇ ગયા હતા અને ગુજરી બજારમાંથી બાળા મળી ન આવતા પડધરી પોલીસને જાણ કરી હતી.

પડધરીના પીએસઆઇ જે.વી.વાઢીયા તથા સ્‍ટાફે ગૂમ થયેલ બાળાને શોધી કાઢવા  પડધરી ગામ તથા આજુબાજુના ગામોમાં તપાસ કરી હતી. પરંતુ બાળાનો કોઇ પતો ન મળતા પોલીસે અજાણ્‍યા શખ્‍સ સામે આઇપીસી ૩૬૩ મુજબ ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

દરમિયાન તસ્‍વીરમાં દેખાતી  ગૂમ થયેલ બાળા જો કયાંય જોવા મળે તો પડધરી પોલીસ સ્‍ટેશન (૦ર૮ર૦-ર૩૩૧૯૩) અથવા પીએસઆઇ જે.વી.વાઢીયા મો. ૯૬૦૧૯ ૦૭૦૬૭ને જાણ કરવા અપીલ કરાઇ છે.

(11:32 am IST)