Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સત્તાધાર શિવમય બનેલઃ બિલેશ્વર મહાદેવનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલ

પૂ.જીવરાજ બાપુના પાવન સાનિધ્યમાં: લઘુમહંત પૂ.વિજયબાપુના માર્ગદર્શનમાં ૨૦૧૫માં અલૌકિક અવસર : લોકડાયરો, સંતવાણી, નરસિંહ મહેતાની ગરબી, ભજન, શોભાયાત્રા, સામૈયા તથા ધર્મસભામાં ભકતો ઉમટી પડેલ

રાજકોટ,તા.૨૦: સત્તાધારના મહંત પૂ.જીવરાજબાપુનું ગઈકાલે પરલોકગમન થતા સમગ્ર સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાત અને દેશ- દેશાવરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ''અકિલા'' પરિવાર ઉપર પૂ.બાપુએ સદૈવ આશીષ વરસાવ્યા છે.

સત્તાધાર ખાતે ૨૦૧૫ના એપ્રીલમાં ૧૭ થી ૨૩ તારીખ દરમિયાન શિવ રસ અનરાધાર વરસ્યો હતો. સત્તાધારની જગ્યામાં પૈરાણિક શિવજીનું મંદિર આવેલું છે. જેનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયેલ. સોમનાથ મંદિરની પ્રતિકૃતિ સમાન વિરાટ મંદિરનું નિર્માણ કરવામાં આવેલ. આ પ્રસંગે શિવ ચરિત્રામૃત કથાનું પણ આયોજન થયેલ જેમાં વકતા પૂ.યજ્ઞેશભાઈ ઓઝાએ ભકતોને શિવ મહિમાનું રસપાન કરાવેલ.

શિવ કથાને મંગલ પ્રારંભ તા.૧૭/૪/૨૦૧૫ને શુક્રવારથી શરૂ થયેલ. જેમાં રાત્રીના કૃષ્ણ કલા મંડળનો મણીયારો રાસ, તા.૧૮ના રોજ શ્રી શિવલીંગ મહિમા, રાત્રે નરસિંહ મહેતાની ગરબી, તા.૧૯ના રોજ શ્રી સતિ પ્રાગટ્ય, રાત્રે સમરથસિંહ સોઢા, સંજયભાઈ (ભજનીક)નો કાર્યક્રમ યોજાયેલ.

જયારે તા.૨૦/૪/૨૦૧૫ને સોમવારના રોજ શ્રી શિવ પાર્વતી વિવાહ તથા રાત્રે રામદાસ ગોંડલીયા, હરસુખ મહારાજ (ચીકાસા), દેવદાન ગઢવીનો લોકડાયરો, તા.૨૧ને મંગળવારે શ્રી કાર્તિક જન્મોત્સવ, તા.૨૨ને બુધવારે શ્રી ગણેશ જન્મ, ભસ્મ મહિમા, તા.૨૩ને ગુરૂવારે દ્વાદશ જયોતિલીંગ મહિમા તથા સાંજે કથા વિરામ પામેલ.

ત્રિ દિવસીય દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ તા.૨૦ને સોમવારે બપોરે ૪ વાગ્યે હેમાદ્રી શ્રવણ (દેહશુધ્ધી) સાથે થયેલ. તા.૨૧ને મંગળવારે પ્રથમ દિવસે મહંતશ્રી પૂ.જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુનું ગાદી સ્થાનેથી યજ્ઞ શાળામાં આગમન બાદ સામૈયા દ્વારા યજ્ઞ શાળામાં સંતોના પગલા થયેલ.

ત્યાર બાદ દિપ પ્રાગટય તથા ગણપતિ પૂજન અને સરસ્વતી પૂજન, ગૌ માતાનું તુલ્ય પૂજન, બપોરે ૩ વાગ્યે જયારે મંડપ પૂજન, વાસ્તુ પૂજન, બ્રહ્માણી પૂજન, શોભાયાત્રા, સમાધી પૂજન, આરતી જલધીવાસ, ધાન્યાધીવાસ, વાસ્તુ પૂજન યોજાયેલ. રાત્રે ૯:૩૦ કલાકે ભીખુદાન ગઢવી, શૈલેષ મહારાજ, પરસોત્તમ પરીબાપુ, રજાકબાપુ શરણાઈવાળા (કચ્છ)નો કાર્યક્રમ પણ ભાવિકોએ રસતરબોળ થઈ માણ્યો હતો.

તા.૨૨ને બુધવારે આવાહિત સ્થાપન પૂજન પ્રેષ્તાક સ્વામી પુહવાન, પ્રધાન દેવપૂજન, શાંતી પોષ્ટીક હોમા, હોમાત્મક લઘુરૂદ્ર, મહાઅભિષેક, અંજના પ્રયોગ, ન્યાસ, પ્રાણ પૃથક, દેવતાના કામ, શૈષ કાર્ય અને પૂજન આરતી બાદ સાંજે ૪:૩૦ વાગ્યે સંતોના ભવ્ય સામૈયા થયેલ. રાત્રે ધીરૂભાઈ સરવૈયા, શૈલેષ મહારાજ, પરસોત્તમપરીબાપુ અને લક્ષ્મણ બારોટના સંતવાણી- લોકડાયરમાં ભકતો ભીંજાયા હતા.

આ ઉપરાંત ત્રીજા દિવસે બિલેશ્વર મહાદેવ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ધર્મોલ્લાસ સાથે સંપન્ન થયેલ. ત્યારબાદ ધર્મસભા યોજાયેલ જેમાં પૂ.દંડી સ્વામી સદાનંદ સરસ્વતી (શારદા મઠ- દ્વારકા), પૂ.વલ્કુબાપુ, પૂ.મોરારીબાપુ, પૂ.રમેશભાઈ ઓઝા, પૂ.કરશનદાસબાપુ, પૂ.ભારતીજી મહારાજ, પૂ.મુકતાનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

શિવ ચરિત્રામૃત કથામાં સંતો- મહંતો અને ભકતોએ અનરાધારા શિવ- રસપાન કરેલ. પૂ.જીવરાજ બાપુના દિવ્ય સાનિધ્યમાં લઘુમહંત પૂ.વિજયબાપુના માર્ગદર્શન હેઠળ સમગ્ર ધર્મોત્સવ દિવ્યતાથી યોજાયેલ. આ પ્રસંગે આવેલ લાખો ભાવિકોને સતાધારની પરંપરા મુજબ ભોજન પ્રસાદ પણ આપવામાં આવેલ.

(1:19 pm IST)