Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

મોરબી પંથકની ૧૫૦ દિકરીઓ મનાલીમાં ફસાઇ ગયેલ

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાને જાણ થતા તમામને બીજી ટ્રેનમાં પરત આવવા વ્યવસ્થા કરીઃ સહાયભૂત બન્યાઃ કુલુ-મનાલીમાં તમામ રસ્તાઓનું ધોવાણ

રાજકોટઃ તા.૨૦, તાજેતરમાં અહિંના મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની  ધો.૯ થી ૧૨માં અભ્યાસ કરતી૧૮ થી ૨૦ વર્ષની ૧૫૦ દિકરીઓ  કુલુ-મનાલી ટુર લઇને ફરવા નીકળેલ.

દરમિયાન ટુર સુખદ પુરા થવા આવેલ ત્યાંજ હિમાચલમાં ભયંકર વરસાદ તુટી પડતા. ઉપરવાસના ધસમસતા પાણીને લીધે કુલુ-મનાલીના તમામ રસ્તાઓ ધોવાઇ ગયેલ અને તમામ દિકરીઓને મનાલીમાં રોકાઇ જવું પડયું હતુ.

આ દિકરીઓની ટુર સાથે રહેલ કુ. નિશાબેન કાચાનો સંપર્ક થતા તેમણે જણાવેલ કે અમે સુખમય પ્રવાસ પૂર્ણ કરી પરત ફરવાના હતા ત્યાં જ અણધાર્યા ભારે વરસાદમાં રસ્તાઓ તુટી પડતા, ભુસ્ખલન થતા વાહન-વહેવાર, ટ્રેન વહેવાર ખોરવાઇ ગયેલ અને અમે બધાજ મનાલીમાં ઉચક જીવે રોકાઇ ગયેલ. ટ્રેન કેન્સલ થતા અમને બીજી ટ્રેનનું રીઝર્વેશન મળતુ ન હતું. નેટ અને સર્વરો બંધ હોઇ અમને નવી ટિકીટ લેવાની ભારે મુશ્કેલી પડેલ.

દરમિયાન આ બાબતની સૌરાષ્ટ્ર-ગુજરાતના જાણીતા ટુર - ટ્રાવેલ્સ ઓપરેટર શ્રી અશ્વિન દેસાઇ (મો.૯૮૨૪૨ ૨૧૦૦૦)એ અકિલાને જાણ કરી મદદ માગતા અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલા પરિવારના સીનીયર સદસ્ય શ્રી અનિલભાઇ દસાણીએ તુરત જ આ બાબતે ગુજરાતના જ અને કેન્દ્રીય કેબીનેટમાં સ્વતંત્ર હવાલો ધરાવતા કેબીનેટ પ્રધાન, ભાજપના સીનીયર આગેવાન શ્રી મનસુખભાઇ માંડવીયાનું ધ્યાન દોરેલ. શ્રી માંડવીયા આ સમયે દિલ્હીમાં હજુ પ્લેનમાંથી ઉતરતા હતા. તેમણે આ બનાવની ગંભીરતા ધ્યાને લઇ તુરત જ સંબધીત મંત્રાલયને જાણ કરી, બે સિનીયર સ્ટાફ - અગ્રણીઓને આ કાર્ય માટે ડેપ્યુટ કરેલ. તેમની મદદ અને સતત કાળજીને લીધે મોરબી પંથકની આ તમામ ૧૫૦ દિકરીઓને આજની ટ્રેનમાં રિઝર્વેશન કન્ફર્મ થઇ જતા બધી બહેનો ખુબજ હર્ષોલ્લાસથી વતન મોરબી તરફ પરત રવાના થયાનું કુ.નિશાબેન કાચાએ આજે અકિલાને જણાવ્યું હતુ. સહુએ શ્રી મનસુખભાઇ માંડવીયા અને અકિલા પરીવારનો હૃદયપૂર્વક આભાર માનેલ. અકિલા પરિવાર પણ સૌરાષ્ટ્રની આ ૧૫૦ દિકરીઓ માટે જહેમત ઉઠાવનાર સાંસદ અને કેબિનેટમંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા અને તેમની ટીમનો આભાર માને છે.

(11:54 am IST)