Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

કચ્છના ધોરડો ખાતે પ્રવાસીઓ માટે છેલ્લા બે વર્ષમાં રૂ. ૧,૭૪૯ લાખથી વધુના ખર્ચે વૈશ્વિક કક્ષાની સુવિધાઓ વિકસાવાઈ

ભુજ :સફેદ રણ, વિશાળ સમુદ્ર તટ અને પર્વત ધરાવતો એકમાત્ર પ્રદેશ એટલે ગુજરાતમાં આવેલો ‘કચ્છ’ જિલ્લો. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિશેષ પ્રયત્નો થકી કચ્છ આજે પ્રવાસન ક્ષેત્રે પોતાની આગવી વૈશ્વિક ઓળખ ધરાવે છે. 

કચ્છમાં સરહદી સીમા નજીક ધોરડો ખાતે એશિયાનું એકમાત્ર સફેદ રણ આવેલું છે દર વર્ષે અંદાજે નવેમ્બર થી ફેબ્રુઆરી દરમિયાન આ સ્થળે ભવ્ય ‘રણોત્સવ’ આયોજન કરવામાં આવે છે જેમાં ગુજરાત સહિત દેશ- વિદેશના સહલાણીઓ સહભાગી થાય છે. આ વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળે વધુને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા તા. ૩૧ ડિસેમ્બર-૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. ૧,૭૪૯.૦૪ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, તેમ આજે વિધાનસભા ગૃહમાં તારાકીત પ્રશ્નોત્તરીમાં જણાવાયું હતું.

 વધુમાં જણાવ્યાનુસાર ધોરડો ખાતે ફેઝ -૧માં રૂ. ૮૧૫.૫૩ લાખના ખર્ચે પ્રવાસીઓ માટે કન્સ્ટ્રક્શન ઓફ રોડ, પાર્કિંગ, પીક અપ એન્ડ ડ્રોપ બસ સ્ટોપ એન્ડ અધર ટુરિસ્ટ ફેસીલીટી, ચેક પોઇન્ટ-૨ થી વોચ ટાવર   સુધી ડાબી બાજુનો સી.સી. રોડ, ટોયલેટ બ્લોક અને અંડર ગ્રાઉન્ડ વોટર ટેંકની  સુવિધા જયારે ફેસ-૨માં રૂ. ૮૦૭.૯૧ લાખના ખર્ચે ચેક પોઇન્ટ-૨ થી વોચ ટાવર સુધીનો જમણી બાજુનો સી.સી. રોડ,રીટેઈનીગ વોલ, પર્ફોર્મન્સ સ્ટેજ અને બે ગેટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે રૂ. ૧૨૫.૬૦ લાખના ખર્ચે ધોરડો ખાતે આધુનિક લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે જેના પરિણામે ધોરડોમાં પ્રવાસન સુવિધામાં નોંધપાત્ર વધારો થયો છે તેમ પ્રવાસન વિભાગ દ્વારા વધુ વિગતો આપવામાં આવી હતી. 

(11:58 pm IST)