Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

મોરબીમાં દસ્તાવેજ નોંધાણીમાં એક મહિનાનું વેઇટિંગ: 15 એપ્રિલે નવા જંત્રી દર લાગુ થતા હોવાથી ભારે ધસારો

દસ્તાવેજ નોંધણી માટે ભારે કતારો લાગતા મોડી રાત સુધી કામ કરતા સ્ટાફને શ્વાસ લેવાની પણ ફૂરસદ નથી.

મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ નોંધણી માટે એટલો બધો ધસારો થયો છે કે, દસ્તાવેજ નોંધણી માટે એક મહિનાનું વેઇટિંગ આવ્યું છે. 15 એપ્રિલે નવા જંત્રી દર લાગુ થવાના હોવાથી જુના જંત્રી દરથી દસ્તાવેજ નોંધણી કરવા માટે અત્યારથી એક મહિનાનું બુકિંગ થઈ ગયું છે. દસ્તાવેજ નોંધણી માટે ભારે કતારો લાગતા મોડી રાત સુધી કામ કરતા સ્ટાફને શ્વાસ લેવાની પણ ફૂરસદ નથી.

સરકારે અગાઉ નવા બમણા જંત્રી દર લાગુ કર્યા બાદ ભારે હોબાળો મચી જતા સરકારે અંતે નમતું જોખીને 15 એપ્રિલથી આ નવા જંત્રી દર લાગુ કરવાની જાહેરાત કરી હતી. આથી બમણા જંત્રી દર ન ભરવા પડે તે માટે જુના જંત્રી દરથી દસ્તાવેજ બનાવવા માટે મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીએ લોકોની ભારે ભીડ જામી છે. દસ્તાવેજોની નોંધણી માટે એક મહિના સુધીનું વેઈટીંગ આવે છે. નવી જંત્રી દર લાગુ થનાર 15 એપ્રિલ સુધીનું એક અઠવાડિયા પહેલા જ બુકિંગ થઈ ગયું છે અને એક મહિના સુધીના ટોકન લેવાય ગયા છે. હાલ 160થી વધુના દસ્તાવેજ બનાવવા માટે ટોકન આપવામાં આવે છે. પણ છેલ્લી તારીખ સુધીના ટોકન બુક થઈ ગયા હોય હવે દસ્તાવેજની નોંધાણીમાં લોકોને મુશ્કેલી પડે એમ છે.

  સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારી કે.ડી.જાડેજાએ જણાવ્યું હતું કે, દસ્તાવેજ નોંધણી માટે હવે ટોકન 15 એપ્રિલ પછીના આપવામાં આવે છે. કારણે 15 એપ્રિલ સુધીના ટોકન બુક થઈ ગયા છે એટલે વેઇટિંગ હોય નવા જંત્રી દર લાગુ થાય ત્યારના જ ટોકન આપવામાં આવે છે. 15 એપ્રિલ સુધીમાં હવે દસ્તાવેજ નોંધણીના ટોકન બચ્યા જ નથી. દરરોજના 160થી વધુ દસ્તાવેજ નોંધાઈ છે. કર્મચારીઓ પણ સવારના 9 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી કામ કરે છે. તો પણ કામ પૂરું થાય એમ નથી. 6 વાગ્યા સુધી દસ્તાવેજની અને ત્યારબાદ મોડી રાત સુધી અપલોડ સહિતની કામગીરી હોય તેમ છતાં કામ પૂરું થતું નથી.

 જો કે થોડા સમય અગાઉ રેવન્યુ બાર એસોસિએશને દસ્તાવેજ નોંધાણીમાં સ્લોટ વધારવાની રજુઆત કરી હતી. પણ ટાઇમિગમાં એક દસ્તાવેજની નોંધાણીમાં 10 મિનિટ જેવો સમય થાય છે.આ મિનિમમ ટાઈમ હોવાથી સ્લોટો વધે એવી શક્યતા નથી.15 એપ્રિલ પહેલા દસ્તાવેજ બનાવવા માટે લોકો પડાપડી કરતા હોય પણ હવે એક મહિનાનું વેઇટિંગ હોય સરકાર હવે પછી કેવો નિર્ણય જાહેર કરે છે તે જોવું રહ્યું.

 

(11:48 pm IST)