Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હંમેશા કોઇપણ પ્રકારના પડકારોનો સામનો કરવા સક્ષમ હોય છે : સી.આર.પાટીલ

સાસણ ખાતે ભાજપના પ્રશિક્ષણ વર્ગના બીજા દિવસે પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ ખાસ ઉપસ્‍થિત રહ્યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૦ : ભારતીય જનતા પાર્ટી -ગુજરાત પ્રદેશ પ્રશિક્ષણવર્ગના પ્રથમ સત્રનો પ્રારંભ થયેલો. જેમાં પ્રથમ સત્રમાં અધ્‍યક્ષ તરીકે બાબુભાઇ જેબલીયા અને સત્રવકતા તરીકે જે.સતીષજી ઉપસ્‍થિત રહયા હતાં. ત્‍યારબાદ બીજાસત્રમાં સત્રઅધ્‍યક્ષ તરીકે જેંતીભાઈ કવાડીયા, સત્રવકતા તરીકે રવિન્‍દ્ર સાઠેજ઼ ઉપસ્‍થિત રહયા હતાં. સત્રનું સંચાલન ગૌતમભાઇ ગેડીયાએ કરેલ હતું.

રવિન્‍દુ સાઠેજીએ સંધ વિશે વિસ્‍તૃત માહિતી આપેલ હતી. સંધમાં કઇ રીતે કામગીરી થાય છે તેનાથી પ્રશીક્ષાર્થીઓને પરીચીત કરેલ તથા ભા.જ.પા.ની વિશીષ્ટતા સમજાવી હતી.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ બપોરે ૧૨ કલાકે માલણકા મુકામે વિશાલ ધ ગ્રીનવુડ રીસોર્ટ ખાતે પ્રશિક્ષણવર્ગમાં ઉપસ્‍થિત રહયા હતાં, બપોરે કાર્યકર્તાઓ સાથે ભોજન લઇ અભ્‍યાસવર્ગમાં ચુંટણી પ્રબંધકના વિષય સાથે તેઓએ પોતાનું રસપ્રદ વકતવ્‍ય આપેલ હતું. આ સત્રમાં સત્ર અધ્‍યક્ષ તરીકે ઝવેરીભાઇ ઠકરાર, સત્ર સંચાલક તરીકે અર્જુનભાઇ ચૌધરી અને સ્‍વાગત માટે ડો.સંજયભાઇ દેસાઇ ઉપસ્‍થિત રહયા હતાં.

પોતાના વકતવ્‍યમાં પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલે જણાવેલ કે, ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને ચુંટણી પ્રબંધકનો વિષય માટે સમજાવવો પડે તેવી મારી ક્ષમતા નથી. દરેક કાર્યકર એટલા સક્ષમ બની ગયા છે કે, તેમને કોઇપણ ચુંટણી જીતતા રોકી શકાય તેમ નથી. હું અધ્‍યક્ષ બન્‍યો ત્‍યારે દરેક કાર્યકરોને એકવાત કહેલ કે, તમે લોકો મનમાં એવું નકકી કરો કે મારો જન્‍મ જીતવા માટે થયો છે. તેમ વિચારી અને કાર્ય કરવું જોઇએ.

જીત પછી પણ મારા હદયમાં આંસુ હતાં કે, હાર્યા ત્‍યાં કેમ રહી ગયા? કામમાં કયા કચાશ રહી? ત્‍યારબાદ સત્ર-૧૦ માં સોશ્‍યલ મીડીયાના સાચા ઉપયોગના વિષય પર હેમંત ગૌસ્‍વામીજીએ વકતવ્‍ય આપેલ હતું. સત્રના અધ્‍યક્ષ તરીકે મહેન્‍દ્રસિંહ સરવૈયા અને અધ્‍યક્ષ સ્‍વાગત માટે મહેશભાઇ મોદી, સત્રનું સંચાલન હિતેષભાઇ પટેલએ કરેલ હતું.

સોશ્‍યલ મીડીયાની વાત કરતા ગૌસ્‍વામીજીએ જણાવેલ કે, સોશ્‍યલ મીડીયાની વાત કરીએ ત્‍યારે એમ લાગે છે કે, આપણે બધું જાણીએ છીએ બધાને એવું લાગે છે કે, અમો બધી આવડત ધરાવીએ છીએ, પરંતુ સોશ્‍યલ મીડીયાનું પ્‍લેટફોર્મ એવું મોટું છેકે, આપણે ધણી બાબતોથી અજાણ રહીએ છીએ. વિજળી ૧૦૦ વર્ષ પહેલા આવી આજે દરેકની જરૂરીયાત બની ગઇ છે તેવી જ રીતે ઇન્‍ટરનેટ ૩૦ વર્ષ ગુગલ-૨૦ વર્ષ અને એફબી-૧૪ વર્ષ અને બીજી બધી સોશ્‍યલ સાઇટો સમયાંતરે આવી છે ત્‍યારે આવનારી પેઢીએ આ બધા સાથે જીવવાનું છે. સત્ર-૧૧ માં મીડીયા પ્રબંધકના વિષય સાથે યમલભાઇ વ્‍યાસએ વકતવ્‍ય આપેલ હતું.સત્રના અઘ્‍યક્ષ તરીકે નંદાજી ઠાકોર, અધ્‍યક્ષના સ્‍વાગત માટે મનીષભાઇ અને સત્રનું સંચાલન શ્રીમોહસીન લોખંડવાલાએ કરેલ હતું.

મીડીયા વિશે વાત કરતા યમલભાઇએ જણાવેલ કે, મીડીયા પ્રબંધક વિષય સાથે ૩૧ વર્ષથી જોડાયેલો છું, બધા કહે છે કે, પ્રિન્‍ટ મીડીયા ખલાસ થયું છે પરંતુ આપણે એવું નથી કહેતા આજની તારીખે ૧૭૦૦૦ નોંધાયેલા દૈનિક ન્‍યૂઝપેપર ઉપબ્‍ધ છે. ૩૭ કરોડ કોપી રોજ છપાય છે. ૨૦ કરોડ હીન્‍દી તો ૪ કરોડ અન્‍ય ભાષાની આવૃતી છપાય છે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મીડીયામાં મારા સાથીદાર યજ્ઞેશભાઇ દવે અને તેમની પુરી ટીમ ખંત અને ઉત્‍સાહ પૂર્વક આજે મીડીયાની કામગીરી સંભાળી રહયા છે.

આજના સંપુર્ણ દિવસ દરમ્‍યાન પ્રશીક્ષણાર્થીઓએ અલગ અલગ વિષયના તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવેલ હતું, અત્રે ઉલ્લેખનીય છે કે, માલણકા મુકામે ચાલી રહેલ પ્રશિક્ષણવર્ગએ સાચા અર્થમાં આવનારી લોકસભાની ચુંટણીના મેગા મેચ પહેલાના પ્રેકટીસ સેશન સમો બની રહેલ છે. આજના દિવસના પ્રશિક્ષણવર્ગના તમામ વિષયોમાં બેસી આ વર્ગના સાર સમી આ પ્રેસ વિજ્ઞપ્તી તૈયાર કરવા માટે પ્રદેશ મીડીયા કન્‍વીનર યજ્ઞેશભાઇ દવે તથા મહાનગર અધ્‍યક્ષ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ  સંજયભાઈ પંડયા દ્વારા સંકલન કરવામાં આવેલ

(1:51 pm IST)