Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

બાબરામાં કાલે ૧૦૮ દીકરીઓના સમુહલગ્ન

ગુરૂ-શુક્ર શ્રી વડલીવાળા મેલડી માતાજીનો માંડવોઃ રાજકોટવાળા રાજુભાઇ જેઠવાનું આયોજન

રાજકોટ, તા., ર૦:  અમરેલી જીલ્લાના બાબરા ખાતે આવેલ સુપ્રસિધ્‍ધ જુના તળાવની પાળે બીરાજતા શ્રી વડલીવાળા મેલડી માતાજીના સાનિધ્‍યમાં આવતીકાલે તા.ર૧ માર્ચના ૧૦૮ દિકરીઓના સમુહલગ્નોત્‍સવ  અને તા.ર૩-ર૪ માર્ચ દરમિયાન શ્રી વડલીવાળા મેલડી માતાજીના ચૈત્રી નવરાત્રીના ર૪ કલાકના નવલખા માંડવાનું ભવ્‍યતિભવ્‍ય આયોજન માતાજીના અન્‍ય સેવક રાજકોટવાળા રાજુભાઇ જેઠવા દ્વારા કરવામાં આવ્‍યું છે.

ગરીબ પરીવારોની ૧૦૮ દિકરીઓના સમુહલગ્ન અને ૧૦૯માં શ્રી ઋક્ષ્મણીજીના વિવાહ નિધાર્યા છે. આ માટે ઠાકોરજીની જાન બાબરા ગામના સમસ્‍ત ભરવાડ સમાજ વાજતે ગાજતે લઇને પધારશે.  તા.ર૦મીએ સોમવારે રાત્રે ૮ થી ૧૧ વાગ્‍યા સુધી દાંડીયારાસનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આવતીકાલે મંગળવારે સવારે ૭.૩૦ કલાકે ૧૦૮ જાન સાથે ઠાકોરજીની જાનનું આગમન થશે અને સવારે ઠ વાગ્‍યે જાનના રજવાડી સામૈયા બાદ સવારે  કલાકે છાબવિધિ કરવામાં આવશે. સવારે ૧૦.૧પ વાગ્‍યે ૧ર.૩૯ કલાકે જાનને વિદાય આપવામાં આવશે. સવારે ૧૦.૩૦ વાગ્‍યાથી બપોરે ૧.૩૦ વાગ્‍યા સુધી ભોજન પ્રસાદ રાખેલ છે.

સમુહલગ્નમાં લગ્નગ્રંથીથી જોડાનાર દરેક દિકરીઓને રાશનકીટથી માંડી ઘરવખરીનો તમામ સામાન ઉપરાંત ચાંદીના ઘરેણા પણ કરીયાવરમાં આપવામાં આવશે.

ઉપરાંત આગામી તા.ર૩ માર્ચને ગુરૂવારથી તા. ર૪ માર્ચ સુધી શ્રી વડલીવાળા મેલડી માતાજીનો ચૈત્રી નવરાત્રીનો ર૪ કલાકનો નવલખો માંડવો પણ આયોજીત કરવામાં આવ્‍યો છે. આ  માટે તા. રરમીએ ચૈત્ર સુદ એકમને બુધવારે સવારે ૮ કલાકે ધારપરાથી સમગ્ર બાબરા ગામમાં વાજતે વાજતે શ્રી મેલડી માતાજીનું સામૈયુ કાઢવામાં આવશે. જયારે તા. ર૩મીએ સવારે ૭.૩૦ લાકે સ્‍થંભ વધાવવાનું મુહુર્ત છે અને સવારે ૮.૩૦ વાગ્‍યે સ્‍થંભ રોપણ કરવામાં આવશે. સવારે ૮.૪પ કલાકે મંડપ મુહુર્ત નિધારેલ છે.  તા.ર૪ મીએ સવારે શુભ ચોઘડીયે સ્‍થંભ ઉથાપન નિર્ધારેલ છે.

આ નવલખા માંડવામાં રાવળદેવશ્રીઓ જીવણભાઇ (શિવરાજપુર), પ્રવિણભાઇ (ધારપીપળી), હિતેશભાઇ (ગોંડલ), જીતેશભાઇ (ગોંડલ) અને ધર્મેશભાઇ (રાજકોટ) ઉપરાંત પંચનાભુવાશ્રીઓ ધીરૂભાઇ સાવલીયા, બટુકભાઇ સાવલીયા, જેન્‍તીભાઇ ભુવાશ્રી બાવકુભાઇ (નીલવડા) અને કિશોરભાઇ રાઠોડ હાજરી આપશે.

આ ઉપરાંત  માતાજીના માંડવા પ્રસંગે બાબરા તાલુકાના સમસ્‍ત ભુવાશ્રીઓને પણ આમંત્રણ આપવામાં આવેલ છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વેરાનાથ યુવક મંડળ-નિલવડા, વેલનાથ યુવક મંડળ બાબરા, રામાપીર યુવક મંડળ ચરખા, મેલડી માતાજી પ્રગતી મંડળ, ખોડીયાર યુવક મંડળ-ધારપરા, રાધાકૃષ્‍ણ રાસમંડળ-ધારપરા, મેલડી માતાજી યુવક મંડળ -બાબરા, નિલકંઠ મહાદેવ સેવા મંડળ બ્રહ્મકુંડ અને અંબાજી મિત્ર મંડળ વડાળી સહીત સંસ્‍થાઓ અને સ્‍વયંસેવકો જહેમત ઉઠાવી રહયા છે

આ ધર્મોત્‍સવમાં સમગ્ર બાબરા શહેર તથા તાલુકા ઉપરાંત સૌરાષ્‍ટ્રભરમાંથી એક લાખ કરતા વધુ માંઇભકતો ઉપસ્‍થિત રહેનાર છે અને ધર્મપ્રેમી જનતાને અલૌકિક મંડળ મહોત્‍સવનો લાભ લેવા આયોજક રાજુભાઇ જેઠવાએ  જાહેર આમંત્રણ પાઠવ્‍યું છે.

(1:42 pm IST)