Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

મોરબીમાં ‘એકિટવા' ડિફોલ્‍ટ નીકળવા છતાં શોરૂમે દાદ ન દેતા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૦ : મોરબીના લીધેલું એક્‍ટિવા બાઈક કંપની ડિફોલ્‍ટ નીકળતા તેને બદલી દેવામાં ન આવતા ગ્રાહકે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરીને કાનૂની કાર્યવાહીના મંડાણ શરૂ કર્યાનો બનાવ સામે આવ્‍યો છે.

નાની વાવડી ખાતે રહેતા અને પાનની દુકાન ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા મહેશભાઈ વાલવાણીએ ગ્રાહક સુરક્ષામાં કરેલી ફરિયાદમાં જણાવ્‍યું હતું કે મેં વિનાયક હોન્‍ડામાંથી એક્‍ટિવા આઈ સ્‍માર્ટ ખરીદ્યુ હતું. રૂ. ૯૮,૫૦૦ના આ સ્‍કૂટર માટે રૂ. ૨૦,૮૦૦ રોકડની રોકડ ડાઉન પેમેન્‍ટ રૂપે ભરી હતી. જયારે બાકીની રકમની લોન કરાવી હતી.

ફરિયાદમાં જણાવ્‍યા મુજબ સ્‍કૂટર લીધાને બીજે જ દિવસે તે ખોટકાઈને બંધ પડી ગયું હતું. ત્‍યારે શો રૂમને ફરિયાદ કરવામાં આવતા તેમના માણસો આવીને સ્‍કૂટર લઈ ગયા હતા. બાદમાં તેઓએ રીપેર કરીને પરત આપ્‍યું હતું. ત્‍યારબાદ ફરી બીજે જ દિવસે સ્‍કૂટર બગડી ગયું હોય ચાલુ જ થયું ન હતું.

બાદમાં મેં ફરી વખત ફરિયાદ કરતા ફરી શો રૂમના માણસો આવી સ્‍કૂટર લઈ ગયા હતા. ત્‍યાર પછી પાંચ દિવસ બાદ શો રૂમમાંથી મને ફોન કરીને બોલાવાયો હતો. શો રૂમમાથી મને એવું કહેવામાં આવ્‍યું હતું કે તેઓએ કંપનીને મેઇલ કર્યો હતો. પણ આ સ્‍કૂટર બદલી શકે તેમ નથી. તે વેળાએ મેં જોયું કે તેઓ જુના જેવા સ્‍કૂટરના પાર્ટ્‍સ બદલીને નવામાં ફિટ કરવા જઈ રહ્યા હતા. પણ મેં આવું ન કરવાનું કહ્યું અને સ્‍કૂટર તો કંપની ડિફોલ્‍ટ છે તો મને બીજું નવું જ એક્‍ટિવા જોઈએ છે. તો શો રૂમવાળાએ નવું એક્‍ટિવા આપવાની ચોખ્‍ખી ના પાડી જેથી હું ત્‍યાં જ એક્‍ટિવા રાખીને ચાલ્‍યો ગયો હતો. હાલ મે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી છે. આમ મોરબીના આ જાગૃત ગ્રાહક દ્વારા જાગૃતતા દાખવી ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાની સાથે મોરબીના હોન્‍ડા બાઇકના ડીલર વિરુદ્ધ હોન્‍ડા કંપનીના પણ મેઇલ કરી ફરિયાદ કરી છે.

(12:42 pm IST)