Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ધોરાજી પાલિકાની વ્‍યવસ્‍થા ખાડે ગઇ : પાણી પ્રશ્ને મહિલાઓનો પોકાર : પ્રજાની ફરિયાદો સાંભળવા કોઇ જોવા મળતા નથી

વોર્ડ નં. ૧ની મહિલાઓનો પાલિકા કચેરી ખાતે વિરોધ : સૂત્રોચ્‍ચારમાં ધારાસભ્‍ય ઝળક્‍યા : હાય હાયના નારા લગાવતી મહિલાઓ : પાણી નિયમિત ચાર દિવસે મળે તે બાબતે હજુ બે વીક લાગશે... ચીફ ઓફિસર મોઢવાડિયા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨૦ : ધોરાજી નગરપાલિકામાં જયારથી વહીવટદારનું શાસન આવ્‍યું છે ત્‍યારથી નગરપાલિકાની વ્‍યવસ્‍થા બગડી છે. લોકોને પ્રાથમિક અને આવશ્‍યક સેવાઓ મળવાને બદલે લોકોને રોજબરોજ વધુને વધુ સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને ધોરાજીમાં પીવાના પાણી મુદ્દે સમગ્ર શહેરમાં પાલિકા તંત્ર પરત્‍વે લોકોમાં ભારે રોષ પ્રવૃત્તિ રહ્યો છે વહીવટદારના શાસન આવ્‍યા બાદ વોર્ડ નંબર ૫, ૮, ૭ વિસ્‍તારના મહિલાઓએ પાણી પ્રશ્ને નગરપાલિકા ખાતે દિખાવો અને હલ્લા બોલ કર્યા એ વોર્ડની મહિલાઓ એ પણ ધારાસભ્‍ય વિરુદ્ધᅠ સૂત્રો પોકારી ચૂકી છે.

બાદ વોર્ડ નંબર ૧ હોકળા કાંઠા હાથી ખાના વિસ્‍તાર ની મહિલાઓના ટોળાએ ધોરાજી નગરપાલિકા ખાતે ‘પાણી આપો પાણી આપો'ના નારા પોકાર્યા હતા.

વોર્ડ નં. ૧ના વોકળા કાંઠા અને હાથીખાના વિસ્‍તારના મહિલાઓ પાણી વિતરણને લઈ મોટી સંખ્‍યામાં ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે પાણી નિયમિત કરવા માગણી કરવા માટે આવ્‍યા હતા પરંતુ ઓફિસમાં મહિલાઓ પહોંચે એ પહેલા અલીગઢી તાળા જોવા મળ્‍યા હતા અને મહિલાઓની ફરિયાદ સાંભળવા કોઈ હાજર ન હોવાથી મહિલાઓમાં વધુ રોષ જણાયો હતો મહિલાઓએ નગરપાલિકા વિરૂદ્ધ નારા પોકાર્યા હતા અને ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઈ પાડલીયા વિરૂદ્ધ પણ સુત્રોચારો પોકારી પોતાનો રોષ વ્‍યક્‍ત કર્યો હતો.ᅠ

ᅠમહિલાઓએ જણાવ્‍યું હતું કે છેલ્લા ૧૨ દિવસથી પીવાનું પાણી આવ્‍યું નથી આ વિસ્‍તારમાં દરેક લોકો પાસે પાણી માટે પૂરતું સ્‍ટોરેજ હોતું નથી તેમાં પણ બાર બાર દિવસે પાણી ન આવે તો સામાન્‍ય માણસે પાણી માટે શું કરવું... ? અને લોકો નગરપાલિકા નો વેરો નિયમિત ભરતા હોય તેમ છતાં પાણી પ્રશ્ને ફરિયાદ સાંભળવા પણ કોઈ અધિકારી કચેરીમાં હાજર નથી આનાથી વિશેષ મુશ્‍કેલી શું હોઈ શકે... ? સમગ્ર ધોરાજી શહેરમાં એક તરફ ગંદકી કચરાના પ્રશ્નો છે ત્‍યારે બીજી તરફ સમગ્ર શહેરમાં છેલ્લા દસ-બાર દિવસથી પાણી મળતું ન હોવાને કારણે આવા ઉનાળાના દિવસોમાં સમગ્ર શહેરીજનોની મુશ્‍કેલી વધી રહી છે જેની સામે તંત્રની નિષ્‍ક્રિયતા થી લોકોમાં ભારે આક્રોશ અને નારાજગી વ્‍યાપી રહી છે.

ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયા ને પ્રશ્ન પૂછતા તેઓએ જણાવેલ કે ધોરાજી શહેરના તમામ વોર્ડમાં માં હાલમાં પાણીની સમસ્‍યા ઊભી થઈ છે કોઈ જગ્‍યાએ ચાર દિવસ તો કોઈ જગ્‍યાએ ૮ - ૧૦ દિવસ પાણી આવતું નથી પરંતુ ફોફળ ડેમની પાઇપલાઇનમાં ફોફળ ડેમથી ધોરાજી આવતા ૩૦ જેટલા વાલ રાખવામાં આવ્‍યા છે જેમાં ૧૫ જેટલા વાલ લીકેજᅠ હતા તે ગઈકાલ સુધીમાં રિપેર થઈ ગયા છે અને આજથી રાબેતા મુજબ પાણીની સપ્‍લાય શરૂ થઈ જાય તેવું જોવાઈ રહ્યું છે પરંતુ દરરોજ ચાર દિવસે પાણી આવતું હતું તે બે વીક સુધી પ્રોબ્‍લેમ હજુ દેખાશે? રાબેતા મુજબ થવામાં કારણ કે સપ્‍લાયની વ્‍યવસ્‍થામાં ઘણી બધી મુશ્‍કેલીઓ છે તે સરખી કરવામાં બે વીક લાગશે...? વધુમાં મુખ્‍ય અધિકારી જયમલ મોઢવાડિયા એ જણાવેલ કે ફોફળ ડેમથી ધોરાજી આવતી પાઇપલાઇનમાં અનેક લોકોએ ગેરકાયદેસર કનેક્‍શનનો પણ લીધા હતા તે કનેક્‍શન વાડીમાં ચાલુ હતા કોઈ અન્‍ય ધંધામાં પણ ચાલુ હતા તે કનેક્‍શન બંધ કરાવેલા છે.

મુખ્‍ય અધિકારીના જણાવ્‍યા મુજબ પાણીની સપ્‍લાય રાબેતા મુજબ થઈ ગઈ છે પરંતુ ચાર દિવસે મળે છે એ પ્રકારે વ્‍યવસ્‍થા હજુ બે વીક લાગશે જેથી ધોરાજીની જનતાને ઉનાળો શરૂ થાય એ પહેલા જ પાણીની સમસ્‍યામાં વધારે ઉમેરો થયો છે તેવું જોવા મળી રહ્યું છે.

(12:40 pm IST)