Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

જામનગરમાં માળાના વિતરણ બાદ ચકલીઓનો કલબલાટ ગુંજવા લાગ્‍યો

આજે વિશ્વ ચકલી દિવસ : બિનઉપયોગી છોડના બદલે ચકલી સહિતના પક્ષીઓને ઉપયોગી વૃક્ષો વાવવા જોઇએ : સુપ્રસિધ્‍ધ કવિ રમેશ પારેખ તો ત્‍યાં સુધી લખે છે કે ‘તારો વૈભવ રંગ મહેલ નોકર ચાકરનું ધાડું... : મારે ફળીયે ચકલી બેસે એ મારૂં રજવાડું...'

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૦ : દર વર્ષે ૨૦મી માર્ચે પક્ષી વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે આ પહેલની શરૂઆત નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્‍ડિયાએ કરી હતી જેની સ્‍થાપના ભારતયીય સંરક્ષણવાદી મોહમ્‍મદ દિલાવરે કરી હતી.  વર્ષ ૨૦૧૦માં વિશ્વમાં જૂદા જૂદા ભાગોમાં પહેલો વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવ્‍યો હતો, કદ અને દેખાવ  : ચકલી એક નાનકડું ૧૪ થી ૧૬ સે.મી. લંબાઈ ધરાવતું હલકા ભૂખરા કે સફેદ રંગનુ પક્ષી છે. તેની ચાંચ મજબુત અને પીળા રંગની હોય છે. નર ચકલીની ઓળખ એના ગળાની આસપાસ આવેલા કાળા ડાઘ પરથી કરી શકાય છે. નર ચકલીનાં માથાનો ઉપરી ભાગ, નીચેનો ભાગ અને તેના ગાલ ભૂખરા રંગના હોય છે. ગળું, ચાંચ અને આંખો પર કાળો રંગ હોય છે અને પગ ભૂખરા રંગના હોય છે.  નર ખૂબ જ કજીયાખોર અને ઝગડું હોય છે. નર અરીસામાં પોતાની પ્રતિબીંબને હરીફ નર સમજીને ચાચ મારતો જોવા મળે છે.માદા ચકલીનાં માથા અને ગળા પર ભૂખરો રંગ નથી હોતો. લોકો નરને ચકલો અને માદાને ચકલીના નામથી ઓળખે છે.જીવન ચક્ર :ચકલીનાં ઈંડા લંબગોળાકાર, લીલાશ પડતા સફેદ રંગના અને તેના પર ભૂખરા રંગની છાંટ હોય છે. સામાન્‍ય રીતે ચકલી ૪ થી ૫ ઈંડા મુકે છે. ઈંડા મુકવાની પ્રક્રિયા સામાન્‍ય રીતે વાતાવરણ, માદાની ઉંમર તથા તેની પ્રજનન ક્ષમતા પ્રમાણે અલગ અલગ જોવા મળતી હોય છે. તેના ઈંડા સેવનનો સમયગાળો ૧૧ થી ૧૪ દિવસનો હોય છે. ઈંડામાંથી નિકળતા બચ્‍ચાં સામાન્‍ય રીતે ૧૪ થી ૧૬ દિવસ સુધી માળામાં રહે છે. ચકલીનાં બચ્‍ચા સામાન્‍ય રીતે ચાર દિવસ બાદ પોતાની આંખો ખોલે છે.અવાજ : ચકલી આખું વર્ષ ચીં.. ચીં.. જેવા અવાજનું વારંવાર પુનરાવર્તન કરતી હોય છે. જે ઓગષ્ટમાં ઓછું અને ઠંડી અને વરસાદના દિવસોમાં વારંવાર બંને જાતિઆ ચીં.. ચીં.. કરે છે. માદા નર સાથી વગર વધુ અવાજ કરે છે. મોટાભાગનાં અવાજ માળાના સ્‍થળ સાથે સંકળાયેલા હોય છે.નેચર ફોરએવર સોસાયટીવર્લ્‍ડ સ્‍પેરો ડેની ઉજવણી એ નેચર ફોરએવર સોસાયટીની  રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનોની આંતરરાષ્ટ્રીય પહેલ છે.

 નેચર ફોરએવર સોસાયટીની શરૂઆત ભારતીય સંરક્ષણવાદી મોહમ્‍મદ દિલાવરે કરી હતી, જેમણે નાસિકમાં ઘરની સ્‍પેરોને મદદ કરવાનું કામ શરૂ કર્યું હતું, અને તેમના પ્રયત્‍નો માટે Time megezine દ્વારા વર્ષ ૨૦૦૮ માટે તેમને ‘પર્યાવરણના હીરો' તરીકે નામ આપવામાં આવ્‍યું હતું. ઘર ચકલી ડોમેસ્‍ટિકસ કેટેગરીમાં આવતું એક પક્ષી છે. વિશ્વમાં કુલ ૧૬૯ પ્રકારની ચકલીઓ છે જેમા ભારતમા ૬૨ પ્રકારની ચકલીઓ જોવા મળે છે અને ગુજરાતમાં ૪૦ પ્રકારની ચકલીઓની જાત જોવા મળે છે.

તેનુ વજન ૨૫થી ૩૦ ગ્રામ હોય છે. ચકલી ૧૫ દિવસમાં ઉડતા શીખી જાય છે,ચકલીના શરીર પર નાની નાની પાંખ અને પીળા રંગની ચાંચ તેમ જ પગોનો રંગ પીળો હોય છે.

ચકલીઓ સામાન્‍ય રીતે કલાક દીઠ ૩૮ કિમીની ઝડપે ઉડે છે. પરંતુ મુશ્‍કેલીના સમયે તેઓ કલાક દીઠ ૫૦ કિમી ઝડપે ઉડી શકે છે, ફેબ્રુઆરીથી જુનની વચ્‍ચે તે પ્રજનન કરે અને તેચકલી યુરોપ અને એશિયા ખંડમાં સામાન્‍ય રીતે દરેક જગ્‍યા પર જોવા મળે છે જયાં તેને હાઉસ સ્‍પૈરોને ગુજરાતમાં ચકલી અને હિંદીમાં ગૌરૈયા થી ઓડખવામાં આવે છે, પાછલાં કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્‍યા પર ચિંતા થઇ રહી છે. આધુનિક સ્‍થાપત્‍યની બહુમાળી ઇમારતોમાં ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્‍યા નથી મળી શકતી,સુપરમાર્કેટ સંસ્‍કૃતિના કારણે કરિયાણાવાળાની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને દાણા નથી મળતા. મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્‍ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી  જેના પરિણામ સ્‍વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઇ રહી છે,ચકલીને ખોરાક તરીકે ઘાસનાં બીજ ખુબ જ પસંદ પડે છે. જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે.વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી, પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે. ખોરાક અને માળાની તલાશમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્‍તારોમાં જતી રહે છે.તેના કારણે માનવ વસ્‍તી સાથે હળીભળી ગયેલી ચકલી આપણને હવે રહેણાંક વિસ્‍તારોમાં ખાસ જોવા મળતી નથીફ

  ચકલીઓને બચાવવાં આટલું જરૂર કરીએ. સંરક્ષણ માટેના ઉપાયો :ઘરમાં નકામાં પડેલ પૂઠાના ખોખાંનો ઉપયોગ કરી ચકલી ઘર બનાવી શકાય. માટીના માળાં લાંબો સમય ચાલે એવા હોઈ ચકલીને ઘર બનાવવા માટે વધુ અનુકુળ રહે છે.માળામાં ૪ સે.મી ના વ્‍યાસ વાળું પ્રવેશધ્‍વાર બનાવીએ તો એમાં ચકલીઓ જ પ્રવેશ કરી શકે, બીજા પક્ષીઓ જે તેનાથી મોટા હોય તેને નુકસાન કરી શકતા નથી.બિલાડી કે કૂતરા પહોંચી ના શકે એવી ઉંચી જગ્‍યાએ ગેલેરીમાં કે બારી બારણા નીચે દીવાલને અડીને ખૂણામાં માળો રાખવા જોઈએ.માળાં પર સીધો સુર્યપ્રકાશ કે વરસાદ પડે નહિ એની કાળજી લેવીજયાં પંખા લગાવેલ હોય ત્‍યાં માળા ન લગાવવા જેથી જીવ હિંસાથી બચી શકાય.ધાન્‍ય ખોરાકમાં બાજરી, કાંગ, ચોખાની કણકી વગેરે નાના ધાન્‍ય નિયમિત પણે આપવા તેમજ તેને પાણી મળી રહે એ માટે વ્‍યવસથા કરવી માળામાં તણખલાં મુકાવાનું શરુ કરે એટલે એનાથી દુર રહેવું.વારંવાર દખલ કરવાથી એને ભય લાગતો હોય છે.પક્ષીઓને ઉપયોગી હોય એવા ફૂલ-છોડ રોપીએ.બાળકોમાં નાનપણથી જ પ્રકૃતિ પ્રત્‍યે લગાવ કેળવીએ ‘નેસ્‍ટ હાઉસ' બનાવીએ અને ઘરે લગાવીએ અને ચકલાંને ફરીથી ઘર નજીક વસાવીએ. ચકલાં માટે ઘરની અગાસી, બાલ્‍કની કે ફળીયામાં પાણીનું કૂંડું અને થોડો ખોરાક જેમકે બાજરી, ચોખાની કણકી, રોટલીના ટુકડા, ભાત વગેરે અચૂક મુકીએ. દેશી અને ફળાઉ વૃક્ષો વાવીએ. ખેતર-બગીચામાં કુદરતી વાડ કરીએ. દેખાવમાં સુંદર પરંતુ વાસ્‍તવમાં બિનઉપયોગી છોડની બદલે પક્ષીઓને ઉપયોગી હોય તેવા ફૂલ-છોડ રોપીએ. બાળકોમાં નાનપણથી કુદરત પ્રત્‍યે લગાવ રોપીએ.બાળપોથીમાં ગુંજતુ બાળગીત ‘ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો  કે નઈ, આવશો  કે નઈ ?'ને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા વિશ્વ ચકલી દિન નિમિત્તે આપાણાં ઘર આંગણાના મિત્રનું જતન કરવું તેમજ સંવર્ધન કરવુ જોઈએ.

 જામનગરમાં છેલ્લા ૮ વર્ષથી મારા (ડીમ્‍પલ રાવલ) અને શહેરની આની સેવાભાવી અને પર્યાવરણ પ્રેમી સંસ્‍થાઓ દ્વારા પ્રતિવર્ષ અલગ અલગ વિસ્‍તારોમાં વિનામૂલયે ચકલીઘર અને પક્ષીને ઉનાળાની કાગજાડ ગરમીમાં  પીવાનું પાણી મળી રહે તેવા હેતુસર વિતરણ કરવામાં આવે છે, અને જામનગરની જીવદયા પ્રેમી જનતા દ્વારા તેનો સુંદર પ્રતિસાદ પણ મળે છે. આ એક પ્રયાસ છે જે કદાચ ચકલી બચાવવામાં સમુદ્ર માં એક બુંદ સમાન હસે પણ...., કોઈએ તો શરૂવાત કરવી પડશે અને જામનગર અને જામનગરની સંસ્‍થાઓએ કરી છે અને આજે જેના ફળ સ્‍વરૂપ જામનગરમાં શહેરી વિસ્‍તારોમાં ઘણી જગ્‍યાએ ચકલીઓ જોવા મળી રહી છે.(૨૧.૨૦)

: લેખક :

ડિમ્‍પલબેન જે. રાવલ

પ્રણેતા - ચકલી બચાવો અભિયાન - જામનગર

(12:39 pm IST)