Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ગોંડલમાં ધો. ૧૦નો વિદ્યાર્થી આઇફોન સાથે ઝડપાયા બાદ પોલીસ ફરિયાદ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ, તા. ૨૦: બીએપીએસ વિદ્યામંદિર (કન્‍યા શાળા) માં ધો.૧૦ બોર્ડની પરીક્ષામાં મોબાઈલ ફોન લઈ પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીને સુપરવાઈઝરે સીસીટીવીના માધ્‍યમથી ઝડપી પાડ્‍યો હતો અને વિદ્યાર્થી સામે મોબાઈલ ફોન કબ્‍જે કરી ગુનો દાખલ કરાયો છે.

ફરિયાદ નોંધાવનાર ક્રિપાલસિંહ સહદેવસિંહ રાયજાદા (પરીક્ષા સ્‍થળ સંચાલક) એ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું ગોંડલ બીએપીએસ સ્‍વામિનારાયણ વિદ્યા મંદિર (કન્‍યા શાળા) ખાતે બોર્ડની પરીક્ષા સ્‍થળ સંચાલક તરીકે મારી ફરજમાં હતો.

ધોરણ-૧૦ માં ગણિત બેઝીક વિષયનુ પેપર હોય અને બિલ્‍ડીંગ/બ્‍લોક નંબર-૧૦ -૧૦૮ માં પરીક્ષાર્થી પરીક્ષા ખંડની અંદર મોબાઇલ ફોન છુપાવીને પ્રવેશ કરેલ હોય જે શાળાના પરીક્ષા ખંડના સી.સી.ટી.વી. કેમેરાના માધ્‍યમથી સુપરવાઇઝર રાજેશભાઇ પ્રવિણભાઇ સોલંકીએ જોઇ જતા આ બાબતે સ્‍થળ સંચાલકને જાણ કરતા તેઓએ તથા પરીક્ષા બોર્ડ તરફથી આવેલ રૂટ સુપરવાઇઝર સાથે તપાસ કરતા ખંડનિરીક્ષક ધર્મિષ્ઠાબેન ચૌહાણને સાથે રાખી તપાસ કરતા વિદ્યાર્થી પાસેથી એક આઈફોન મોબાઈલ મળી આવ્‍યો હતો અને વિદ્યાર્થી સામે ગુનો નોંધાયો છે.

પરીક્ષાર્થીની પરીક્ષા કેન્‍દ્રમાં મોબાઇલ ફોન સાથે પ્રવેશ કરવા બાબતે પૂછ પરછ કરતા કોઈ કારણ જણાવેલ ન હોય કે કોઇ સતાવાળાઓ પાસેથી પરવાનગી મેળવેલ ન હોવાથી પરીક્ષા ખંડમાં પરીક્ષામાં ગેરરીતી કરવાના ઇરાદાથી પરીક્ષા ખંડની અંદર મોબાઇલ ફોન છુપાવીને પ્રવેશ કરેલ હોય જે શાળાના પરીક્ષા ખંડના સી. સી.ટી.વી. કેમેરાના માધ્‍યમથી ઝડપાઇ જતા વિદ્યાર્થી સામે જાહેરનામા ભંગની આઇપીસી ૧૮૮ મુજબ ની ફરિયાદ ગોંડલ સિટી પોલીસ સ્‍ટેશન ખાતે નોંધાઇ હતી.

(12:34 pm IST)