Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

જુનાગઢના પુર્વ મેયર કેપ્‍ટન સતિષભાઇ વિરડાનો પાર્થિવદેહ વતન માલીડામાં પંચમહાભુતમાં વિલીન

દેશ સેવા બાદ રાજકારણમાં જોડાયેલા સતિષભાઇનાં નિધનથી પરિવારજનો સહિતના લોકો શોકમગ્નઃ અચાનક તબિયત લથડતા રવિવારે કોકિલાબેન અંબાણી હોસ્‍પિટલમાં અંતિમ શ્વાસ લીધા Ñલશ્‍કરી માન-સન્‍માન સાથે અંતિમ સંસ્‍કાર

જુનાગઢ : જુનાગઢના પૂર્વ મેયર કેપ્‍ટન  સતિષભાઇ વિરડાનો પાર્થિવદેહ આજે પંચમહાભુતમાં વિલીન થતા શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી છે. આર્મી જવાનોએ માન - સન્‍માન સાથે અંતિમ વિદાય આપી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

પ્રથમ તસ્‍વીરમાં પૂર્વ મેયર કેપ્‍ટન સતિષભાઇ વિરડાનો ગીરીશભાઇ કોટેચા, લાખાભાઇ પરમાર, ‘અકિલા' ના પત્રકાર વિનુ જોશી સાથેનો ફાઇલ ફોટો  (તસ્‍વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ) (પ-૧૧)

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ર૦ :.. જુનાગઢનાં પુર્વ મેયર કેપ્‍ટન સતિષભાઇ રમેશચંદ્ર વિરડાનો આજે સવારે તેમના માલીડા ગામે ખોતનાં ફાર્મ હાઉસ ખાતે અંતિમ વિદાય આપવામાં આવી હતી. અને લશ્‍કરી માન-સન્‍માન અપાયું હતું.

ગઇકાલે સવારે અવસાન પામેલા સતિષચંદ્ર વિરડાની અંતિમ યાત્રામાં વિશાળ સંખ્‍યામાં રાજકીય, સામાજિક આગેવાનો, પરિવારજનો, મિત્રો વગેરેએ જોડાયાને શ્રધ્‍ધાંજલી અર્પી હતી.

તેઓ મિત્રો અમદાવાદ ફરવા ગયા હતા અને ત્‍યાંથી મુંબઇ ગયા બાદ ત્‍યાં તેમની તબિયત અચાનક લથડી હતી અને ઇન્‍ફેકશન વધી  જતા તેમને તાત્‍કાલીક મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા અને વધુ સારવાર મળે તે પહેલા તેઓએ રવિવારની અંતિમ શ્વાસ લીધા હતાં.

નાની વયે ભારતીય લશ્‍કરમાં જોડાયને તે યુધ્‍ધમાં લડાયક સૈનિક તરીકે સેવા આપી હતી. કેપ્‍ટન પદેથી નિવૃત થઇ સ્‍વ. શ્રી વિરડા વર્ષ ર૦૦૧ માં રાજકારણમાં જોડાયા હતાં. જે તે સમયે જૂનાગઢ નગરપાલિકાનાં સભ્‍ય તરીકે બાદમાં પ્રમુખપદે સેવા આપી તેઓએ શહેરનાં વિકાસમાં સિંહ ફાળો આપ્‍યો હતો.

જુનાગઢને મહાનગરનો દરજજો મળતાં કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા બાદ ડે. મેયર થયેલ અને મેયર તરીકે પણ સેવા આપી ચુકલા સતિષચંદ્ર વિરડા ફોજમાંથી નિવૃત થઇ ગયા હોવા છતાં તેઓ ‘કેપ્‍ટન' નાં હુલામણા નામથી ઓળખતા હતાં.

સતિષચંદ્ર વિરડાએ ભાજપ હોય કે કોંગ્રેસ પક્ષમાં કાર્ય કરતી વખતે તેમાં સ્‍વભાવનો અલગ જ અંદાજ જોવા મળતો હતો.

બે દાયકા સુધી રાજકીય ક્ષેત્રે પ્રવૃત રહી લોકોની સેવા અને શહેરનાં વિકાસ માટે તત્‍પર રહેલા સતિષચંદ્ર વિરડા તેમની પાછળ ધર્મપત્‍ની  તત્‍કાલીન જીએસટી અધિકારી પ્રજ્ઞાબેન વિરડા, બે પુત્રો પાર્થ અને હેરી સહિતના પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે.

આજે સવારે સતિષચંદ્ર વિરાડની અંતિમ યાત્રા તેમના જૂનાગઢમાં જલારામ સોસાયટી સ્‍થિત નિવાસ સ્‍થાનેથી માલીડા ખાતે જવા નીકળી હતી. જેમાં પરિવારજનો તેમજ ડેપ્‍યુટી મેયર ગિરીશભાઇ કોટેચા, પૂર્વ કેબિનેટ મંત્રી તથા માણાવદરનાં ધારાસભ્‍ય જવાહરભાઇ ચાવડા સહિત રાજકીય આગેવાનો, પદાધિકારીઓ વગેરે મોટી સંખ્‍યામાં જોડાયા હતાં.

માલીડા ગામ નજીક સરકડીયા જંગલનાં રસ્‍તે આવેલા ફાર્મ હાઉસ ખાતે સતિષભાઇ વિરડાનાં પાર્થિવ દેહનાં અંતિમ સંસ્‍કાર કરાયા હતાં. ત્‍યારે વાતાવરણમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

તસ્‍વીર સંભારણુ બની ગઇ

જુનાગઢના પૂર્વ મેયર કેપ્‍ટન સતિષભાઇ વિરડાનું ગઇકાલે નિધન થતા ઘેરો શોક છવાયો છે દોઢ દાયકા પૂર્વ જુનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતુ ત્‍યારે મેયર તરીકે કેપ્‍ટન સતિષભાઇ વિરડા અને ડેપ્‍યુટી મેયર તરીકે ગિરીશભાઇ કોટેચાની ટીમ કાર્યરત હતી ત્‍યારની ફાઇલ તસ્‍વીરમાં વિપુલભાઇ કોટેચાના લિયોરિસોર્ટ ખાતે એક પત્રકાર પરિષદ યોજી ત્‍યારે હળવી પળોમાં કેપ્‍ટન સતિષભાઇ વિરડા ડે. મેયર ગીરીશભાઇ કોટેચા તેમજ તે સમયના કોર્પોરેટર અને પૂર્વ મેયર લાખાભાઇ પરમાર,  જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી સાથે નિખાલસ ખુશ ખુશાલ મુદામાં ચર્ચા કરતા કેપ્‍ટન સતિષભાઇ વિરડા સાથે ડે. મેયર ગિરીશભાઇ કોટેચા, લાખાભાઇ પરમાર, તસ્‍વીરમાં નજરે પડે છે. અકિલા દૈનિકના ચાહક એવા કેપ્‍ટન સતિષભાઇ વિરડા કોઇપણ નવી કામગીરી હાથ ધરતા ત્‍યારે અકિલાને હમેંશા અગાઉ આપતા અને અકિલામાં આ સમાચાર પ્રસિધ્‍ધ થાય ત્‍યારબાદ એક કેપ્‍ટનના અંદાજમાં થેકયુ થેકયુ કહી આભાર પણ વ્‍યકત કરતા (અહેવાલ વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા)

પત્રકાર પરિષદ

સંબોધવાનો અલગ મિજાજ

જુનાગઢના પૂર્વ મેયર કેપ્‍ટન સતિષભાઇ વિરડાનું કાલે અવસાન થતા શોક છવાયો છે અને દોઢ દાયકા પૂર્વે જુનાગઢ કોર્પોરેશનમાં કોંગ્રેસનું શાસન હતુ ત્‍યારે મેયર તરીકે કેપ્‍ટન સતિષભાઇ વિરડા અને ડેપ્‍યુટી મેયર તરીકે ગિરીશભાઇ કોટેચા અને સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન તરીકે ભગાભાઇ રાઠા, સહિતના સેવા આપતા દરમ્‍યાન કોઇપણ પ્રકારની કામગીરી શરૂ કરતા પૂર્વે યોજાતી પત્રકાર પરિષદમાં કેપ્‍ટન સતિષ વિરડાનો સંબોધન કરવાનો પ્રભાવશાળી અને એક કેપ્‍ટનની જેમ અલગ જ મિજાજ જોવા મળતો અને તેઓની કોપોરેશનમાં ૧૧ વાગ્‍યે ઓફિસમાં એન્‍ટ્રી થાય તે પહેલા કોર્પોરેશનના દરેક કર્મચારી અધિકારી પોતાનું ટેબલ સંભાળી લેતા અને પોતાની કામગીરી કરતા  આમ અલગ જ કામનો અંદાજ ધરાવતા અલગ છાપ છોડી જનાર આ લોખંડી નેતાની  વિદાયથી જુનાગઢની જીલ્લાએ આંચકો અનુભવ્‍યો છે. 

(12:01 pm IST)