Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

શ્રી સોમનાથ મહાદેવ યાત્રા એપ્‍લીકેશનનું લોકાર્પણ કરતા અમિતભાઇ શાહ

સોમનાથ મહાદેવના દર્શન - પૂજન કરી ધન્‍યતા અનુભવતા કેન્‍દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઇ શાહ : લોકસુખાકારી તેમજ જનકલ્‍યાણ માટે દેવાધિદેવ મહાદેવ સમક્ષ કરી

વેરાવળ - પ્રભાસપાટણ તા. ૨૦ : ભારતના કેન્‍દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે ભક્‍તિ, ભવ્‍યતા અને દિવ્‍યતાના પ્રતિક સમા પ્રથમ જયોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવી ધન્‍યતા અનુભવી હતી. તેમજ લોકસુખાકારી તેમજ જનકલ્‍યાણ માટે કેન્‍દ્રિય ગૃહ મંત્રીશ્રીએ પ્રાર્થના કરી હતી.

કેન્‍દ્રીય ગૃહમંત્રીએ મહાદેવ સમક્ષ જળાભિષેક કરી પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્‍ત વિધિથી સોમેશ્વર મહાપૂજા, ધ્‍વજાપુજા અને પાઘ પુજા કરી ધન્‍યતા અનુભવી હતી. પુજા વિધી બાદ સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી જે.ડી.પરમાર, સેક્રેટરી યોગેન્‍દ્રસિહ દેસાઈએ સ્‍મૃતિચિન્‍હ અર્પણ કરી કેન્‍દ્રીય ગૃહ મંત્રીશ્રીનું સન્‍માન કર્યું હતું.

કેન્‍દ્રીયગૃહમંત્રીશ્રી દ્વારા મંદિરમાં સોમનાથ યાત્રા એપ' ઈ-લોકાર્પણ કરવામા આવ્‍યુ હતુ. તેમજ આરોગ્‍યધામ માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેના ગૃહમંત્રી સમક્ષ આરોગ્‍ય વિભાગ અને સોમનાથ ટ્રસ્‍ટ વચ્‍ચે એમ.ઓ.યુ. કરવામાં આવેલ હતા.

વન સ્‍ટોપ સોલ્‍યુશન સોમનાથ યાત્રા એપ'એ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની અધ્‍યક્ષતામાં મુસાફરોની સુવિધાની દિશામાં સોમનાથ વિશ્વાસનું મહત્‍વનું પગલું છે. આ એપની મદદથી યાત્રાધામ સોમનાથ, ભાલકા રામ મંદિરના મુખ્‍ય મંદિરોના જીવંત દર્શન તેમજ આવાસ અને સોમનાથ કેવી રીતે પહોંચવું તેની માહિતી ઉપરાંત ટ્રેન, બસ, નજીકના એરપોર્ટની માહિતી મળી રહેશે.

ઉપરાતં આ એપના મદદથી ઓનલાઈન પૂજાવિધિ નોંધણી, નજીકના જોવાલાયક સ્‍થળોની માહિતી, સામાજિક પ્રવૃતિ ટ્રસ્‍ટ દ્વારા જીવનના ઉદ્ધાર માટે કરવામાં આવી રહેલા કાર્યોના ફોટા અને વિગતો તેમજ સોમનાથના તાજેતરના અપડેટ્‍સ, ફોટો ગેલેરી, ઇ-લાઇબ્રેરી સહિત સોમનાથ તીર્થને લગતા પુસ્‍તકો, ટ્રસ્‍ટના સામયિકો, ઈ-માલા સહિતની જાણકારી મળી રહેશે. આ એપના મદદથી મુસાફરો તેમનો અનુભવ પણ શેર કરી શકશે.

કેન્‍દ્રીય ગૃહમંત્રીની સોમનાથ મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, ઉના ધારાસભ્‍ય કે.સી.રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પિયૂષભાઇ ફોફંડી, સોમનાથ મંદિર ટ્રસ્‍ટી  જે.ડી.પરમાર, સેક્રેટરી યોગેન્‍દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા કલેકટર  રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીપાલ શેસમા, અગ્રણી દિનુભાઈ સોલંકી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર - અહેવાલ : દિપક કક્કડ - વેરાવળ, દેવાભાઇ રાઠોડ - પ્રભાસપાટણ)

(11:39 am IST)