Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

વિવિધ સ્‍થળોએ ખોડલધામ નિર્માણ હેતુ ટ્રસ્‍ટીઓની ટીમ દ્વારા સંડેર, અમદાવાદ, ભુમલિયા અને સુરતનો પ્રવાસ

રાજકોટ : ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા ગુજરાતના અલગ અલગ ઝોનમાં શ્રી ખોડલધામ સંકુલનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. સમાજને ઉપયોગી સંકુલના નિર્માણને લઈને શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્‍ટી મંડળ સતત પ્રયત્‍નશીલ છે, ત્‍યારે તાજેતરમાં શ્રી નરેશભાઈ પટેલની આગેવાની હેઠળ પાટણ, અમદાવાદ, સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટી (કેવડિયા કોલોની) અને સુરતની મુલાકાત લેવાઇ હતી. આ મુલાકાત દરમિયાન ભૂમિ અધિગ્રહણ સમારોહ અને અગ્રણીઓ સાથે બેઠક સહિતના કાર્યક્રમો યોજીને ખોડલધામના આગામી પ્રોજેક્‍ટ ઝડપથી પૂર્ણ થાય તે માટેનું માર્ગદર્શન આપી પ્રોજેક્‍ટ અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્‍યો હતો.

સૌપ્રથમ પાટણ જિલ્લાના સંડેર ગામે આવેલા સુપ્રસિદ્ધ સંડેરી માતાજીના મંદિરે દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરાઇ હતી. ત્‍યારબાદ સંડેર ગામે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલ માટે જમીનની સાઈટ વિઝિટ કરવામાં આવેલ. બાદમાં પાટણના ખોડાભા હોલ ખાતે ભૂમિ અધિગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ખોડલધામ સંકુલના નિર્માણ માટે નજીવા દરે જમીન આપનાર ખેડૂત પરિવારોને અને નવા જોડાયેલા ચાર ટ્રસ્‍ટીઓને નરેશભાઈ પટેલે ખેસ પહેરાવીને મા ખોડલની છબી આપીને સન્‍માનિત કર્યા હતા.

પ્રવાસના બીજા દિવસે અમદાવાદની મુલાકાત લીધી હતી. મધ્‍ય ગુજરાતમાં નિર્માણ પામનાર ખોડલધામ સંકુલ અંગે અમદાવાદ શહેરના પ્રસંગ પ્રેસિડેન્‍સી હોલ ખાતે શ્રી નરેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિવિધ સંસ્‍થાઓના આગેવાનો, ટ્રસ્‍ટીઓ તેમજ કન્‍વીનરો ઉપસ્‍થિત રહ્યા હતા. અહીંયાનું સંકુલ ૧૦૦ વીઘાથી વધુની જગ્‍યામાં જ નિર્માણ કરવા નિરધાર કરી જૂન-જૂલાઈ સુધીમાં ખાતમુહૂર્ત થઈ જાય તે માટે જગ્‍યા શોધવાની તૈયારી દર્શાવાઇ હતી.

અમદાવાદની મુલાકાત બાદ આ પ્રવાસી ટીમ સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટી પાસે ભુમલિયા ગામ પાસે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલની જગ્‍યાની મુલાકાતે પહોંચી હતી. ભુમલિયા ગામ ખાતે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલ માટે ભૂમિ અધિગ્રહણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ તથા ખોડલધામના અન્‍ય ટ્રસ્‍ટીઓ, વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાની ખોડલધામ ટીમ, સમાજના અન્‍ય આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે નવનિયુક્‍ત કન્‍વીનરો અને ટ્રસ્‍ટીઓનું પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું..

પ્રવાસના અંતિમ અને ત્રીજા દિવસે સુરતની મુલાકાત લીધી હતી. સુરતના ચલથાણા-પલસાણા રોડ પર આવેલા અવધ શાંગ્રીલા ખાતે શ્રી નરેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં સમાજની વિવિધ સંસ્‍થાના આગેવાનો, ટ્રસ્‍ટીશ્રીઓ, કન્‍વીનરશ્રીઓની એક અગત્‍યની બેઠક યોજાઈ હતી. જેમાં દક્ષિણ ગુજરાતમાં શ્રી ખોડલધામ સંકુલ બનાવવાના શ્રી નરેશભાઈ પટેલના નિર્ણયને સૌએ એક સાથે વધાવી લઈને ઝડપથી સંકુલ નિર્માણ પામે તે માટેના પ્રયત્‍નો શરૂ કરી દીધા હતા. આ બેઠકમાં વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના સમાજના આગેવાનો અને કન્‍વીનરો ઉપસ્‍થિત રહ્યા હતા.

આમ ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા અલગ અલગ ઝોનમાં નિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલનું નિર્માણ કાર્ય વેગવંતુ બને તે માટે શ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્‍ટીઓ દ્વારા ત્રણ દિવસનો પ્રવાસ કરીને સંકુલ નિર્માણના કાર્યને ઝડપથી આગળ વધારવા માટે પ્રયત્‍નો હાથ ધરાયા હતા.

(11:35 am IST)