Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ગાંધીધામની જાણીતી હોટલમાં પોલીસ બની ‘તોડ' કરવાના કિસ્‍સામાં ભુજના પત્રકાર સામે ફરિયાદથી ચકચાર

૫ લાખ માંગી, દર મહિને ૧ લાખ આપવા પડશે એવું કહી ધમકી આપી : કચ્‍છ કલાપી મેગેઝિન ચલાવતા વિમલ સોની સામે એક વખતની લૂંટની ફરિયાદ અન્‍ય ચાર શખ્‍સો સામેલ

રાજકોટ તા. ૨૦ : કચ્‍છ સહિત ગાંધીધામની જાણીતી હોટલ હોલી ડે વિલેજના મેનેજર કૃનાલ અનિલ કટારીયા દ્વારા ભુજના પત્રકાર તરીકે પોતાને ઓળખાવી વિમલ અને અન્‍ય ચાર શખ્‍સો સામે પોલીસ વાળા તરીકે ઓળખ આપી રૂ. ૧ લાખની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ લખાવાઈ છે. ફરિયાદ અનુસાર ગત તા.૧૬/૩ ના પોતે લીકર શોપમાં હતા ત્‍યારે ફોન આવ્‍યો હતો કે અમે ગેસ્‍ટ છીએ. લીકર જોઈએ છે અને પાર્કિગમાં ઊભા છીએ. ત્‍યારે શોપમાં કામ કરતા સુખપાલસિંઘ ને હેલ્‍થ અને વિઝિટર પરમીટ લેવા મોકલ્‍યા હતા. દરમ્‍યાન તેના નંબર પરથી ફરિયાદી ને ફોન આવ્‍યો હતો કે પરમીટ માંગતા આ લોકો પોતાને પોલીસવાળા હોવાનું જણાવી અમારી પાસે પરમીટ માંગવાની ન હોય અને મને ગાડીમાં બેસાડી માર મારી મેનેજરને બોલાવવાનું કહે છે. એટલે પોતે પાર્કિંગ પાસે ગયા હતા. ત્‍યાં આ શખ્‍સએ પોતે અંજાર પોલીસ મથકનો વિમલ છું એવી ઓળખ આપી તમે બ્‍લેકમાં દારૂ વેંચો છો એવું કહી ફરિયાદી સાથે મારઝૂડ કરી હતી. તેમ જ એમને પાંચ લાખ રૂ. આપવા પડશે એવું કહી પોલીસ કેસ કરી પોલ ખોલવાની ધમકી આપી હતી. સાથે સરોવર પાર્ટિકા ના લીકર શોપના મેનેજર સુનિલને પૂછી લે જે વિમલ કોણ છે? ત્‍યાર બાદ આરોપી અને અન્‍યોએ ફરિયાદી કૃનાલને પકડી તેના ખિસ્‍સામાંથી એક લાખ રૂ. લૂંટી દર મહિને રૂ. એક લાખ આપવા પડશે એવી ધમકી આપી હતી. ત્‍યાર બાદ ફરિયાદીએ સરોવર પાર્ટીકાના સુનીલને ફોન કરી વિમલ અંગે પૂછતા એણે જણાવ્‍યું હતું કે, તે ભુજનો છે અને પત્રકાર છે. અંજાર પોલીસે આ અંગે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી લૂંટ ચલાવનાર શખ્‍સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દરમ્‍યાન કચ્‍છમાં મીડિયાના નામે પત્રકાર તરીકે પીળા પત્રકારત્‍વ દ્વારા લોકોને પરેશાન કરવાની પ્રવૃત્તિ વધવા લાગ્‍યાની બૂમ ઉઠી છે.

(11:27 am IST)