Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

કચ્‍છના ગાંધીધામમાં ૩ ઇંચ : ભાવનગરના ટીમાણામાં વિજળી પડતા ઘરવખરી ખાખ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં એક જ દિવસમાં ત્રણ ઋતુનો અહેસાસ : જુનાગઢમાં આજે સવારે જોરદાર ઝાકળવર્ષા

પ્રથમ તસ્‍વીરમાં આટકોટ , બીજી તસ્‍વીરમાં જામકંડોરણા, ત્રીજી તસ્‍વીરમાં ગોંડલ, ચોથી તસ્‍વીરમાં રાજુલા, પાંચમી તસ્‍વીરમાં સાવરકુંડલા,  છઠ્ઠી તસ્‍વીરમાં ભાવનગર પંથકમાં પડેલ વિજળીથી નુકશાન તથા સાતમી તસ્‍વીરમાં દ્વારકા જીલ્લામાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીરઃ કરશન બામટા-આટકોટ, મનસુખભાઇ બાલધા -જામકંડોરણા, ભાવેશ ભોજાણી-ગોંડલ, દિપક  પાંધી-સાવરકુંડલા, મેઘના વિપુલ હિરાણી-ભાવનગર, મુકુંદ બદીયાણી-જામનગર)

રાજકોટ તા. ર૦ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર ઋતુના અનુભવ સાથે કચ્‍છનાં ગાંધીધામમાં ૩ ઇંચ વરસાદ પડયો હતો. જયારે ભાવનગરના ટીમાણામાં મકાન ઉપર વિજળી પડતા ઘરવખરી ખાખ થઇ ગઇ હતી.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢ : જુનાગઢ સહિતનાં વિસ્‍તારોમાં રવિવારે થયેલા કમોસમી વરસાદ બાદ આજે સવારે ઝાકળ વર્ષા થઇ હતી. અને તાપમાનમાં ઘટાડો થયો હતો.

ગત સોમવારથી હવામાનમાં આવેલો પલ્‍ટો આજે એક સપ્તાહ બાદ પણ યથાવત રહ્યો હતો. રવિવારે બપોર બાદ ઓચિંતા જ આકાશ ગોરંભાયુ હતું અને ભર ઉનાળે જૂનાગઢ સહિતનાં વિસ્‍તારોમાં અમી છાંટણા થયા હતાં.

શહેરનાં કેટલાંક વિસ્‍તારોમાં પાણીનાં  ખાબોચીયા ભરાય ગયા હતા તો અમુક વિસ્‍તારોમાં રસ્‍તા માત્ર ભીના જ થયા હતાં. વરસાદને લઇ ઠંડક પ્રસરી ગઇ હતી. જો કે બાદમાં ઉકળાટ અને બફારોએ માજા મુકી હતી.

ગઇકાલનાં કમોસમી વરસાદ પછી આજે વહેલી સવારે ઝાકાળ વર્ષા થઇ હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૭૭ ટકા થઇ ગયુ હતું. જૂનાગઢનું લઘુતમ તાપમાન ઘટીને ૧૯ ડીગ્રી નોંધાયુ હતું આ સાથે સાત કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા લોકોની મુશ્‍કેલીમાં વધારો થયો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : કલ્‍યાણપુર પંથકના નાગડીયા, ખીરસરા, સહિતના વિસ્‍તારોમાં વરસાદ પડયો હતો.

જામકંડોરણા

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા : જામકંડોરણામાં ગઇકાલે બપોરના બે વાગ્‍યે વાતાવરણમાં પલ્‍ટો આવતા ગાજવીજ સાથે પાકા રસ્‍તાઓ પર પાણી હાલતા થાય તેવું ધીમી ધારે વરસાદી ઝાપટું પડી ગયું હતું. આ કમોસમી વરસાદના કારણે ધાણા, ઘઉં, તલ સહિતના પાકોમાં નુકશાનીની ખેડૂતોમાં ભીતી છે.

કચ્‍છ

(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ કચ્‍છમાં ભર ઉનાળે માવઠાએ સૌને મુશ્‍કેલીમાં મૂકી દીધા છે. સતત ત્રીજે દિ' વરસાદે હાજરી નોંધાવી છે. ગઇકાલે ગાંધીધામમાં ત્રણ ઈંચ અને ભચાઉના જંગી ગામે બે ઈંચ વરસાદ પડયો હતો. શુક્રવારે માંડવી, મુન્‍દ્રા અને ભુજ નખત્રાણા વચ્‍ચેના ગામોમાં, શનિવારે ભુજ અને રાપરમાં તેમ જ રવિવારે ગાંધીધામ, ભચાઉમાં મેઘરાજાએ હાજરી પુરાવી ઉનાળાની સિઝનને ભુલાવી દીધી છે. માવઠાએ સર્જેલા કમઠાણ વચ્‍ચે ખેતી અને મીઠાના ઉત્‍પાદનને મોટી ગંભીર અસર થઈ છે. તો જનજીવન પણ મુશ્‍કેલીમાં મુકાઈ ગયું છે. કારણકે ગરમી, વરસાદ અને પવન થકી ઠંડી વધતાં ત્રણ ત્રણ ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. વરસાદ, કીચડ થકી માખી મચ્‍છરનો ઉપદ્રવ વધતાં રોગચાળો વધ્‍યો છે. હજી ગુરુવાર સુધી આગાહીના કારણે લોકોમાં ફફડાટ છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લાના તળાજા નગર અને તાલુકા વાસીઓ છેલા પખવાડિયાથી એક દિવસમાં ત્રણ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે.કાશ્‍મીર ઉતરાખંડ જેવા હિલ સ્‍ટેશનો પર વાતાવરણમા અચાનક બદલાવ આવે છે તેવો અનુભવ અહી થઈ રહ્યો છે.

ગઈ કાલે વહેલી સવારે ઠંડી અનુભવાતી હતી.બપોર થવા છતાંય લું કે ગરમ તડકાનો અહેસાસ થતો નહતો.બપોરના ચાર વાગ્‍યા બાદ અચાનક વાતાવરણ વરસાદી બની ગયું હતું.ચોમાસામાં હાથિયો નક્ષત્ર જેમ ગાજ વીજ સાથે વરસે તેમ તળાજાના એ ટીમાણા અને નેશિયા વિસ્‍તારમાં ધોધમાર શરૂ થયો હતો.જેને પગલે ખેતર વાડીમાં કામ કરતા શ્રમિકોને કામ અધૂરું મૂકવું પડ્‍યું હતું.

ખેડૂત પરિવાર અનિલ લક્ષ્મણભાઈ બારૈયાના નળીયા વાળા મકાન ઉપર વીજળી પડી હતી.જેને લઇ ઘરમાં રહેલ ટીવી,ફ્રીઝ,પંખા સહિત ઇલેક્‍ટ્રિક વસ્‍તુઓ,ગાદલા ગોદડા પલંગ ,ઘરનું વાયરીંગ બળીને નુકશાન ગ્રસ્‍ત થઈ ગયું હતું.

સદનસીબે પરિવાર વાડીએ હોય ઘરે કોઈ ન હોય માનવ જિંદગી નુકશાન થી બચી ગઈ હતી.

તળાજા શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્‍યો હતો.એ ઉપરાંત બોરડા,ત્રાપજ,દિહોર ચૂડી વિસ્‍તારમાંથી માવઠાના વાવડ મળ્‍યા હતા. દરમિયાન ભાવનગર શહેરમાં રાત્રે તે જ પવન ફૂંકાયો હતો.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ : આટકોટ અડધો ઈંચ કમોસમી વરસાદ ખાબક્‍યો ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ ગઇ ખેતરમાં ઉભેલા ઘઉંનો પાક નુકસાની ભીતી સેવાઈ રહી છે બપોરે વીજળીના કડાકા ભડાકા ભારે પવન સાથે વરસાદ ખાબકીયો હતોᅠ રસ્‍તા પરથી પાણી વહી નીકળ્‍યા હતા ખેતરોમાં ઉભેલા ઘઉંને પાક નિષ્‍ફળ જવાની છે એક માવઠા બાદ આ બીજું માવઠું પડતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનું વારો આવ્‍યો હતો. ખેતરમાં. ઘઉંનો હલર ચાલતાં સમયે કમોસમી વરસાદ ખાબકતાં માંડ માંડ પાક પવન સાથે બોર્ડ ઉડ્‍યા લોકોમાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી. થોડી વારમાં કુદરતી તાંડવ નૃત્‍ય જોવા મળ્‍યું તોકતે વાવાઝોડું યાદ આવ્‍યું થોડી વાર માટે રહ્યું. વિજળી કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્‍યો હતો રસ્‍તા પરથી પાણી વહી નીકળ્‍યા હતા.ᅠ

વિંછીયા

(પિન્‍ટુ શાહ દ્વારા) વિંછીયા : વિંછીયા માં આજે સતત ચોથા દિવસે પણ વરસાદ તેની હાજરી પુરાવી રહ્યો છે.સાંજના છ વાગે તોફાની પવન સાથે હળવો વરસાદ શરૂ થયો હતો જે સાંજના સાડા સાત વાગ્‍યે ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે થોડીવાર જોરદાર ઝાપટું વરસી જતા પાણી વહી જતા જાણે ફાગણમાં અષાઢી મેઘ મહોલ જામ્‍યો છે!! વિંછીયામાં આજે વીજ કાપ હતો સાંજે માંડ લાઈટ આવી ત્‍યાં થોડો સમયમાં પવન અને વીજળી થતા લાઈટ ગુલ થઈ જતા લોકોને અંધારામાં દિવે ભોજન કરવાનો વખત આવ્‍યો હતો!! વિંછીયાવાસીઓ આખો દિવસ લાઈટ વગર ગૂંગળાયા હતા.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ : ગોંડલમાં બપોર બાદ વાતાવરણ પલટાયુ હતુ.ભારે પવન અને વિજળીના કડાકા સાથે વરસાદના ભારે ઝાપટા વરસ્‍યા હતા.તાલુકાના સેમળા, પાંચીયાવદર, ખરેડા, કોલીથડ, હડતાલામાં ભારે પવન અને ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ કરા સાથે પડયો હતો. બીલીયાળા,ભોજપરા,ભુણાવા વિસ્‍તાર મા પણ વરસાદના ભારે ઝાપટા વરસ્‍યા હતા.

રાજુલા

(જગદીશ જાંખરા દ્વારા) રાજુલાઃ રાજુલાના ધારેશ્વર વાવેરા દિપડીયા અને જાફરાબાદ ના ટીબી આ ગામોમાં વરસાદની સાથોસાથ કરા પણ પડ્‍યા હતા તો પાણી રોડ ઉપર વહેતાં થયાં હતાં બીજીબાજુ આવા ગામોમાં જેવા કે હિંડોરણા છતડીયાᅠ ખાખબાઈ આગરીયા કડીયાળી સહિતના વિસ્‍તારોમાં ખાલી વરસાદ વરસ્‍યો હતો.

રાજુલા શહેર તેમજ તાલુકાના ગ્રામ્‍ય પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્‍યો હતો બપોરે બે વાગ્‍યે ની આસપાસ વાતાવરણમાં પલટો આવતા વરસાદ જોવા મળ્‍યો હતો વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્‍યાપક પ્રમાણમાં નુકસાન થવાની રીતે જોવા જોઈએ તો ખેડૂતોના ઉભા પાક જેવા કે ઘઉં બાજરી ચણા જુવાર તેમજ કપાસ કેરી સહિતના પાકને વ્‍યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાનું ખેડુત આગેવાન એવા દિલીપભાઈ સોજીત્રા એ જણાવ્‍યું હતું.

સાવરકુંડલા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા : સાવરકુંડલા શહેરમાં રવિવારે સાંજે ચાર વાગ્‍યાથી સતત ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે સાંજે સાત વાગ્‍યા સુધી વરસતો રહ્યો હતો ભારે વરસાદ સાથે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકાᅠ પણ સંભળાઈ રહ્યા હતા ભારે વરસાદને પગલે લાઇટ પણ સતત બે કલાક સુધી ગુલ થઈ ગઈ હતી સાંજે ૭ વાગ્‍યા બાદ વરસાદે વિરામ લીધો હતો ગઇ કાલે પડેલા વરસાદે અષાઢી મેઘની યાદી અપાવી દીધી હતી. ભારે વરસાદને પગલે શહેરની ગલીઓમાં નદીઓ જેવું પાણી વહી રહ્યું હતું. વીજળીનાં કડાકા ભડાકા થી શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને વરસાદ ખમૈયા કરે તેવી સાવરકુંડલાની શહેરીજનોᅠ મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા હતા. રવિવારનો વરસાદ શહેર ઉપરાંત તાલુકાનાં તમામ ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ પડ્‍યો હતો.

(11:25 am IST)