Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

જસદણમાં ૫ લાખના ખર્ચે વડલાવાડીને જોડતી ડીઆઈ લાઈનનું કામ શરૂ

જસદણ, તા.૧૯: વડલાવાડી વિસ્તાર પીવાના પાણી માટે વર્ષોથી વલખા મારી રહ્યો હતો. જેના લીધે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયાને વોર્ડ નં.૬ના સદસ્ય રાજુભાઈ ધાધલ અને મીઠાભાઈ છાયાણીએ ત્રણ મહિના પહેલા ડીઆઈ લાઈન નાખવા માટેની ગ્રાન્ટની માંગણી કરી હતી. જેથી વડલાવાડી વિસ્તારને જોડતી ડીઆઈ લાઈન માટે રૂ.૫ લાખની ગ્રાન્ટ ફાળવી દીધી હતી. પરંતુ ત્રણ-ત્રણ મહિના સુધી તેનું કામ શરૂ કરવામાં નહી આવતા વોર્ડ નં.૬ના સદસ્યો રોષે ભરાયા હતા અને આગામી તા.૨૨ના રોજ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. જેના પગલે જસદણ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને આટકોટ રોડ ઉપર આવેલ પાણીના પમ્પથી વડલાવાડી વિસ્તાર સુધી ડીઆઈ લાઈનનું કામ યુદ્ઘના ધોરણે શરૂ કરાવતા રાહતનો શ્વાસ લીધો હતો. આ તકે વોર્ડ નં.૬ના સદસ્યો રાજુભાઈ ધાધલ, મીઠાભાઈ છાયાણી તેમજ જસદણ શહેર યુવા ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ, અગ્રણી ઉદ્યોગપતિ અશ્વિનભાઈ રાદડીયા, અંકિતભાઈ વેકરીયા સહિતના હાજર રહ્યા હતા.(૨૩.૯)

(12:14 pm IST)