Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

મહેસુલી કર્મચારીઓ માટે ખુશખબરઃ મોટાપાયે બઢતી આવી રહી છેઃ દિલીપ ઠાકરનો નિર્દેષ

ચિંતન સતત ચાલતી પ્રક્રિયાઃ જુનાગઢમાં નાયબ પ્રભારી સચિવનું ઉદ્બોધન

ગાંધીનગર તા. ૨૦ : જૂનાગઢ જિલ્લાના મહેસુલી કર્મચારીઓની ચિંતન શિબિર જુનાગઢ કૃષિ યુનિ.ના કોન્ફરન્સ હોલમાં જિલ્લાના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ શિબિરમાં નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને રેવન્યુ કલાર્ક સહિતના કર્મચારીઓને કર્મયોગી બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.અરજદારો પત્યે હકારાત્મક અભિગમ રાખવા અને તેમના કામોનો તાત્કાલિક નિકાલ થાય તે રીતે કામ કરીને કાર્યસંતોષ રાખવા અને કામ પત્યે લગાવ રાખવા અંગે મનોવૈજ્ઞાનિક ઢબે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

આ શિબિરમાં રાજય સરકારના મહેસુલ વિભાગના સર્વિસ મેટરના નાયબ સચિવ અને જિલ્લા પ્રભારી નાયબ સચિવ શ્રી દિલીપકુમાર ઠાકર ખાસ ઉપસ્થિત રહયા હતા. તેઓએ જણાવ્યું હતું કે ચિંતન એક દિવસની પ્રકિયા નથી, તે સતત ચાલતી પ્રકિયા છે. શિબિરનો હેતું સૌ કર્મચારીઓ સાથે મળીને કામગીરી અંગે ચર્ચા કરે અને અરજદારો પ્રત્યે હકારાત્મક અભિગમ રાખીને  કામગીરીનો નિકાલ થાય તે જરૂરી છે. સતત લોકોની કામગીરી વચ્ચે કર્મચારીઓની કારર્કીર્દી નકકી કરતી સેવાઓની બાબતો પ્રત્યે જાગૃત રહેવા અને કર્મચારીઓના સીઆર સમયસર લખાય જાય તે પણ જરૂરી હોવાનું જણાવ્યું હતુ. તેઓએ કર્મચારીઓને બઢતી આપવા માટે મહેસુલ વિભાગે કર્મચારીઓના હિતમાં કેવી રીતે કામગીરી થાય છે તે અંગે પણ સમજણ આપી હતી. આગામી સમયમાં મોટાપાયે મહેસુલ કર્ચારીઓને બઢતી મળવાના છે તે અંગે પણ માહિતી આપી સરકાર કર્મચારી માટે પણ સારી કામગીરી કરે છે ત્યારે  સાચા અર્થમાં કર્મયોગી બનવા અનુરોધ કર્યો હતો. 

જૂનાગઢ અધિક કલેકટર શ્રી પી.વી.અંતાણીએ આ તકે જણાવ્યું હતું કે, અરજદારો આપણા આધારિત નથી, આપણે તેમના આધારીત છીએ તે મહાત્મા ગાંધીનો વિચાર સાર્થક કરી  આપણે કર્મયોગી બનીએ.

અમરેલીના જિલ્લા રોજગાર અધિકારી શ્રી ચેતન દવેએ કામ પત્યે વફાદારી, નિષ્ઠા અને કર્મયોગી બનવા માટે વિવિધ માહિતી આપી હતી.

જિલ્લા એન.આઇ.સી અધિકારી શ્રી અતુલ ખુંટીએ  ઇ-ધરા, ઇ જમીન અંગે તેમજ રેવન્યુ અંગેની કોમ્પ્યુટરાઇઝડ કામગીરી, ઓન લાઇન નકલો કાઢવાની કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન રજુ કરી જુનાગઢ જિલ્લામાં રાજય સરકારને નોંધ લેવી પડી હોય અને તે પ્રોગામ રાજય કક્ષાએ શરુ થયા હોય તેવી કામગીરી અંગેની માહિતી આપી જિલ્લામાં થતી અગ્રેસર કામગીરીની રૂપરેખા આપી હતી.પ્રાંત અધિકારી શ્રી જવલંત રાવલે પણ રેવન્યુ કામગીરી અંગે કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતુ. જિલ્લા આયોજન અધિકારીની કચેરીના શ્રી ઇલાબેન જોશીએ આયોજન અંગેની જોગવાઇ, એટીવીટી અને એમએલએ, એમ.પી., અને પ્રોત્સાહક યોજના અંગે સમયસર પ્લાનીંગ અને વિકાસના કામો અંગેનું સુંદર પ્રેઝન્ટેશન રજુ કર્યું હતુ.આ પ્રસંગે  નાયબ કલેકટર શ્રી હેતલબેન જોશી, શ્રી જે.સી. દલાલ તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:51 am IST)