Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

જૂનાગઢ શહેર માટે ૩૧૯.૪૮ કરોડની ભૂગર્ભ ગટર યોજના અને સાસણમાં પ્રવાસનના ૩૨ કરોડના વિકાસકામોનું ઇ-ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી રૂપાણી

કોરોનાકાળ વચ્ચે છેલ્લા મહિનાઓમાં ૨૭૦૦૦ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરાયુ:ઐતિહાસીક શહેર જૂનાગઢની ભવ્યતા પુનઃસ્થાપીત કરાશે:જૂનાગઢમાં ૧૨૦ કરોડના ખર્ચે ઓવરબ્રીજ બનશે:સિંહ દર્શન માટે ઇન્દ્રેશ્વર સફારી પાર્ક શરૂ થશે: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

જૂનાગઢ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતું કે, કોરોનાકાળ વચ્ચે છેલ્લા  મહિનાઓમાં રાજયના સર્વાગી વિકાસને આવરી લેતા રૂ. ૨૭૦૦૦ કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યા છે. આધુનિક શહેરોમાં હવે ગુજરાતના શહેરો બરાબરી કરશે તેમજ ઐતિહાસિક શહેર જૂનાગઢની ભવ્યતા પુનઃ સ્થાપીત કરાશે.
   મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આજે જૂનાગઢ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી જૂનાગઢ શહેર માટે રૂ.૩૧૯.૪૮ કરોડની ભૂગર્ભ ગટર યોજના અને સાસણ ગીર દેવળિયા ખાતે રૂ.૩૨ કરોડના પ્રવાસી સુવિધાના વિકાસકામોનું  ઇ-ખાતમુહૂર્ત કરાયુ હતું. આ પ્રસંગે તેમણે વધુમાં કહ્યુ કે, અગાઉની સરકારમાં યોજના અને વિકાસના નામે નાટકો થતા હતા. જ્યારે અમારી સરકાર સમય મર્યાદામાં યોજનાની આખી પ્રક્રિયા પૂરી કરે છે.
   મુખ્યમંત્રીએ કોરોનામાં વિશ્વ સ્થગીત થયુ છે, પરંતુ ગુજરાતમાં વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટ પણ વડાપ્રધાનના હસ્તે ખુલ્લા મુકાયા છે. જેમાં, ભારતનો સૌથી ઉંચો રોપ-વે, એશિયાની સૌથી મોટી હાર્ટ હોસ્પિટલ, દુનિયાનો સૌથી મોટો રીન્યુએબલ એનર્જી પાર્ક જેવા પ્રોજેકટોનુ ખાતુમુહૂર્ત-લોકાર્પણ કરાયુ છે.
  જૂનાગઢમાં ઓવરબ્રીજ માટે અગાઉ રૂ.૩૨ કરોડ મંજુર કરવામાં આવ્યા છે અને આજે વધુ રૂ.૮૮ કરોડ આપવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. આ નાણા થકી બસ સ્ટેશન અને જોષીપુરાને આવરી લેતા બે આધુનિક ઓવરબ્રીજ બનશે જેથી જૂનાગઢવાસીઓને ટ્રાફીકની સસ્યામાંથી છુટકારો મળશે. ઉપરાંત જૂનાગઢ ફાટક મુક્ત બને તેવું પણ આયોજન થઇ રહ્યુ છે. ઐતિહાસિક શહેર જૂનાગઢને સૌરાષ્ટ્રમાં ગૌરવવંતુ બનાવવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

   મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતે પીવાના પાણીના દુકાળને ભૂતકાળ બનાવી દીધો છે. પાણીના અભાવે લોકોની હિજરત ન થાય તેની અમારી સરકારે ચિંતા કરી છે. આ તકે     

   મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને રાતે આરામ રહેશે, દિવસે વીજળી મળતા હવે જૂનાગઢ ગિર સોમનાથ જિલ્લાના ખેડૂતોને રાનીપશુઓનો ત્રાસ નહીં રહે.

   આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્પષ્ટ જણાવ્યુ હતું કે, વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં રાજ્યના ઘરે-ઘરે નળથી જલ પહોંચાડવાનું લક્ષ્યાંક છે. જૂનાગઢવાસીઓને સંબોધતા તેમણે ઉમેર્યુ કે, ઝાંઝરડા કે તળેટીમાં રહેનાર દરેક જન-જન સુધી શુદ્ધ પાણી પહોંચશે.જૂનાગઢ પણ હવે આધુનિક શહેરોમાં સ્થાન પામશે. જૂનાગઢને હેરીટેજ સીટી તરીકે વિકસાવાશે. રોપ-વેમાં છેલ્લા અઢી મહિનામાં ૨.૫૦ લાખથી વધુ પ્રવાસીઓ, યાત્રાળુઓ અંબાજીના દર્શનનો લાભ લીધો છે. જૂનાગઢમાં હજુ નરસિહ મહેતા તળાવ, મહાબત મકબરો, ઉપરકોટ સહિતના સ્થળોની કાયાપલટ કરી પ્રવાસન હબ તરીકે વિકસાવાશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ.
   આ તકે મુખ્યમંત્રીએ કહ્યુ  કે, ગીરનારની ગોદમાં સ્થિત ઇન્દ્રેશ્વર લાયન સફારી પાર્ક શરૂ કરાશે. આ માટે વન વિભાગને સૂચનાઓ આપી દેવામાં આવી છે. જૂનાગઢ ટુરીસ્ટ હબ બનતા આર્થિક વિકાસ થશે. રસ્તા સ્વચ્છતા સહિતની સુંદર વ્યવસ્થાથી દેશ-વિદેશના પ્રવાસીઓ પ્રભાવિત થશે અને જૂનાગઢની યાદગીરી અવીસ્મરણીય બનશે.
   મુખ્યમંત્રીએ તાજેતરમાં અમલી બનાવેલ લેન્ડગ્રેબીંગ કાયદાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આ ગાંધીનુ ગુજરાત છે. અહીં ગુન્ડાઓએ ગુજરાત છોડવુ પડશે અથવા ગુન્ડાગીરી છોડવાની રહેશે. લેભાગુ લોકો જમીન પચાવે તે દિવસો હવે પુરા થયા છે. કાયદો વ્યવસ્થામાં અમારી સરકાર કોઇ બાંધછોડ કરવા માંગતી નથી. અમે રાજ્યમાંથી ભય-ભુખ-ભ્રષ્ટાચાર નાબુદ કરવા પ્રતિબદ્ધ છીએ.
   પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જૂનાગઢ પ્રવાસનનું હબ છે. અહીં ગુજરાતમાં સૌ પ્રથમ બહાઉદ્દીન કોલેજ, નરસિહ મહેતાનો ચોરો અને સરકીટ હાઉસ પાસેની પાણીની ઉંચી ટાંકી થ્રી ડાઇમેન્શન લાઇટથી જળહળતી કરાશે. સાસણમાં ૩૨ કરોડના જે કામ થવાના છે તેનાથી સાસણની કાયાપલટ થશે. સાથે સાથે થ્રી જનરેશનને ધ્યાને લઇ સમગ્ર કુટુંબ પ્રવાસન સ્થળોને માણી શકે તેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. જૂનાગઢ અને સાસણ પ્રવાસનની દ્રષ્ટીએ વિશ્વના નકશામાં આગવુ સ્થાન ધરાવે છે તેના વિકાસમાં વિશેષ રસ-રૂચી માટે મુખ્યમંત્રીશ્રી પ્રત્યે મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
  કાર્યક્રમના પ્રારંભે જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલે સ્વાગત પ્રવચન કરવા સાથે જૂનાગઢ શહેરની વિકાસયાત્રાની વિગતો આપી હતી. તેમણે જૂનાગઢના જોષીપુરા અને બસસ્ટેશન પાસે ઓવર બ્રીજ બને તેમજ જૂનાગઢને ફાટક મુક્ત કરવા લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે અન્ન નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડ્યા, સ્ટેન્ડીંગ ચેરમેન રાકેશ ધુલેશીયા, શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા, કલેક્ટર ડૉ.સૌરભ પારઘી, પાણી પુરવઠા બોર્ડના ચીફ એન્જીનીઅર, અગ્રણી નટુભાઇ પટોળીયા, શૈલેષભાઇ પંડ્યા, સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધી મ્યુ.કમિશનર તુષાર સુમેરાએ કરી હતી.

 

(6:36 pm IST)